કવિતા લઈને માથા પર,
મરીઝ નાચે છે રસ્તા પર
સગીર ,શયદા અને નાઝીર
બધા બેઠા છે હીંચકા પર
કવિ આસીમની વાટે ,
લીલા ઉભી છે કાંઠા પર
ગનીના શે'ર બંધાયા ,
પ્રભુની ગાઢ શ્રદ્ધા પર
અનીલ બંધાય છે રસ્તો ,
હવે માણસના મરવા પર
તખલ્લુસ શૂન્ય રાખે છે ,
અલી ઈશ્વરની ઈસ્લાહ પર
ખુમારી છોડે નહી ઘાયલ
જીવે છે એ જ ટેકા પર
પત્યો બેફામનો મક્તા
મરણના પ્રિય મુદ્દા પર
ર.પા સોનલને શોધે છે
હજી યે જૂની જગ્યા પર
ગઝલ પણ દાદ આપે છે
ચિનુ મોદીના ઠસ્સા પર
વતનની ધૂળ ઉડીને ,
પડી આદીલના મક્તા પર
મનોજની યાદ આવી ગઈ ,
પડી જ્યાં દ્રષ્ટિ પીંછા પર
અદમ ગુજલીશમાં બોલે ,
અરુઝની સાચી વ્યાખ્યા પર
જલનને લાખ પ્રશ્નો છે ,
ઉપરવાળાની ઈચ્છા પર
અહી એક શ્યામ,સાધુ છે ,
લખે બસ ખાસ મોકા પર
ગઝલ ઠપકારી મારે છે ,
ખલીલ લોકોના કહેવા પર
બધા સહમત થયા અંતે ,
કવિ મિસ્કીનની ચર્ચા પર
-ઈશ મેહુલ પટેલ.