બેઉ તરફથી પ્રેમમાં સાચી હવે અસર મળે,
આંખ વિના મળી શકે એવી કોઈ નજર મળે !
સાથ ન દે તો ચાલશે, હાથ ન દે તો ગમ નથી;
મારા સમી ફકીર હો એવી મને ડગર મળે...
સાવ અમસ્તી વાત છે, આવું છતાં નહીં બને;
જેની કદર કરે છે તું એની તને કદર મળે !
કોઈ ઝરણ દઝાડતાં, કોઈ છે વાદળાં કઠોર;
કોઈ છે પથ્થરો છતાં અશ્રુથી તરબતર મળે !
બાગવટો ભ્રમરને કાં આપી રહ્યાં છો એકને ?
ફૂલ સ્વયં કહી રહ્યુ'તું કે મને ભ્રમર મળે...
ચાહું છું કે મળે અગર જિંદગી તો મરી જ જાય,
ચાહું છું કે મળે અગર મોત મને અમર મળે...
જન્મ થયાથી પણ વધુ વાત ખુશીની એ હશે,
મારી જ એકલાની હો એવી મને કબર મળે !
થાવું ફના અને તબાહ, લોહી ઉકાળી પી જવું;
અર્થ છે એનો એટલો ચાહે છે કોઈ ઘર મળે !
જોયો નથી નજીકથી રંગ અમે ગુલાબનો,
ચૂમી લીધેલ કોઈના વાસી ભલે અધર મળે...
- ડૉ. અલ્પેશ કળસરિયા