મેં તો પ્રોફાઈલ પિક્ તારા ચોર્યા છે છાના,
હવે આંખોને ઓનલાઈન રહેવાદે કાના!
વાંસળીના સૂર તારી કોલરટ્યૂન સાંભળવા રોજ રોજ નંબરને જોડું,
તું છે બીઝી પેલી રાધાની ચેટીંગમાં,તારી ઈમેજ કેમ તોડું?
પછી મધરાતે મેસેજ તું મોકલે છે શાના?
હવે આંખોને ઓનલાઈન રહેવાદે કાના!
જાણું છું સ્ટેટસમાં ગોપીને સમજાવવા મુક્યું છે રાસલીલા સ્કેચીંગ,
પ્રોફાઈલ ખોલીને જરા આંખોને ચેક કર, મીરાં ને રાધાનુ મેચીંગ
તારા હૈયાના બોલ,કેટલા પાડ્યા છે ખાના?
હવે આંખોને ઓનલાઈન રહેવાદે કાના!
એકવાર યશોદા તું મોકલી તો જો! તારી ફૂટેલી મટુકીનું માખણ,
વોટ્સઅપમાથી જ સીધી મારશે છલાંગ,તારી આંખોનું થઇ જાશે આંજણ
તારા અંતરને અજવાળે બેઠો સુદામા!
હવે આંખોને ઓનલાઈન રહેવાદે કાના!
મેં તો પ્રોફાઈલ પિક્ તારા ચોર્યા છે છાના,
હવે આંખોને ઓનલાઈન રહેવાદે કાના!
- વર્ષા પ્રજાપતિ 'ઝરમર'