પહેલાં તારા પૂર્વજોનાં મૂળ જો,
એ પછી આવીને મારું કુળ જો.
મારા મેલા વસ્ત્રની ટીકા ન કર,
તારા જીવતરમાં પડેલી ધૂળ જો.
હોઠ પરનું સ્મિત ના જોયા કરીશ,
મારી છાતીમાં સણકતું શૂળ જો.
માર્ગ સીધો ને ઊતરતો ઢાળ છે,
છે હવા પણ આજ સાનુકૂળ જો.
લે, મને વેરી-વિખેરીને ‘ખલીલ‘ !
છે પવન પણ કેટલો વ્યાકુળ જો.
ખલીલ ધનતેજવી