જો ફરીથી થાય ઊભું, તો ફરીથી માર, પાછું તોડી નાખ!
સત્યને પથ્થરની માફક ઝીંક, ને અફવાનું ડાચું તોડી નાખ.
એક ગમતા નામનું બિલ્ડિંગ ચણ્યું મારામાં મેં, દુનિયા કહે-
"તારું ચણતર કાયદેસરનું નથી, ચલ આખેઆખું તોડી નાખ."
'ભય'ને તું લોખંડના તોતિંગ દરવાજાની જેવો ના સમજ,
'ભય' છે કાચી ભીંત જેવો, જોરથી દે એક પાટું, તોડી નાખ.
આની અંદર તો મને તારા અહમની ઇયળો દેખાય છે,
છોને તારી નમ્રતાનું ફળ થયું ના હોય પાકું, તોડી નાખ.
છેક જન્મ્યો ત્યારથી હું એક કારાવાસ અંદર કેદ છું,
મૃત્યુ! મારી પર લટકતું પ્રાણનું પોકળ આ તાળું તોડી નાખ.
~ અનિલ ચાવડા