અધૂરી કંઈક ઈચ્છાના લબાચા વેચવા કાઢ્યા,
અમે ધીરજનાં ફળ કાચાં ને કાચાં વેચવા કાઢ્યાં.
રહસ્યો ગાલની આ લાલિમાના રાખવા અકબંધ,
બધા ભીતરના સણસણતા તમાચા વેચવા કાઢ્યા.
ખીચોખીચ ખોરડામાં ચોતરફ ખડકીને ખાલીપો,
પછી ધીરે - ધીરે ખૂણા ને ખાંચા વેચવા કાઢ્યા.
ફટકિયાંની બજારોમાં અમારી રાંક આંખોએ,
જતનથી સાચવેલાં મોતી સાચાં વેચવા કાઢ્યાં.
બચ્યું પાસે નહીં જ્યારે કશું પણ વેચવાલાયક,
સ્વયંને કર્મણા, મનસા ને વાચા વેચવા કાઢ્યા.
- બાબુલાલ ચાવડા 'આતુર'