તાજું ગીત
કેમ લખું હું ગીત ?
હપ્તેહપ્તે હાસ્ય મળે છે, લૉન ઉપર છે સ્મિત..
ફૂલોની ફી ભરવા માટે રોજ વાગતા કાંટા.
ફાટેલી આ ફોરમને હું કરું કેટલા વાટા.
લોહી નીકળતું લાગણીઓને કરું કેટલા પાટા !
ખળખળ વ્હેતી ઈચ્છાઓને દઈ દીધા છે દાટા.
શબ્દ બધા સુમસામ પડ્યા ને શૂન્ય બન્યું સંગીત.
કેમ લખું હું ગીત ?
સમદર સઘળા સુકાયા 'ને અનરાધારે આંસુ.
ધૂળ ધૂળ થઈ રગદોળાતું ચૈતરનું ચોમાસુ.
સીધા રસ્તા પર ઊભું છે નસીબ મારું ત્રાસુ.
બોર બધાએ ચાખી ચાખી અંતે કમાડ વાસુ.
પ્રાણ જાય છે, વચન જાય છે, આવી રઘુકુલ રીત ?
કેમ લખું હું ગીત ?
કવિ હરદ્વાર ગોસ્વામી