એક રાતમાં જંગલ આખ્ખુ થઈ ગ્યું ઉજ્જડ સીમ...
કે બાયું ગાવ મરસિયાં
રાજા, તારા સિપાઈડાએ ઢાળ્યું એનું ઢીમ...
કે બાયું ગાવ મરસિયાં
મરતા લગ બે ટબુકડી આંખ્યુંમાં ફડકો જીવતો રે'શે
અધસેવેલા ઈંડાની મૈયતમાં જમડો રાસડા લેશે
ડાળે-ડાળે, માળે-માળે ચીસ પડી અંતિમ...
કે બાયું ગાવ મરસિયાં
એક રાતમાં જંગલ આખ્ખુ થઈ ગ્યું ઉજ્જડ સીમ...
કે બાયું ગાવ મરસિયાં
કૂણાં કૂણાં પાન મરાયા, ફુલડિયાળી ડાળ વેડી
કાળા ડામરિયા રસ્તાએ ભરખી લીધી નમણી કેડી
લીલ્લુડી મોલાતું માથે વરસ્યું વેરી હિમ...
કે બાયું ગાવ મરસિયાં
એક રાતમાં જંગલ આખ્ખુ થઈ ગ્યું ઉજ્જડ સીમ...
કે બાયું ગાવ મરસિયાં
અવની હાહાકાર કરે પણ તોય અડે ના બહેરા કાને
માથું ઢાળી જોવે જાયા સાવ દિગંબર રડતી મા-ને
પાણીમાં બેઠા પાતળિયા, જોર કરે જાલિમ...
કે બાયું ગાવ મરસિયાં.
એક રાતમાં જંગલ આખ્ખુ થઈ ગ્યું ઉજ્જડ સીમ...
કે બાયું ગાવ મરસિયાં
ડાલામથ્થી ફોજું ડણકે, રણશીંગાનો શોર ડારે
સો-સો સામે એક માથડું છાતી કાઢી આવ્યું આરે
લાખેણી વનરાયું સાટે જીવ ધર્યાનું નીમ...
કે બાયું ગાવ મરસિયાં
એક રાતમાં જંગલ આખ્ખુ થઈ ગ્યું ઉજ્જડ સીમ...
કે બાયું ગાવ મરસિયાં.
-પારુલ ખખ્ખર Parul Khakhar