ધુમ્મસ........ (કાવ્ય)
ખેતરની વાડ પર, શેઢા ને ઝાડ પર,
કેવું ! ધુમ્મસ પથરાઇને છે બેઠું;
જાણે કોઇ આભથી નીચું નમીને,
પેલું ! વાદળ આવ્યું છે લાગે હેઠું.
અંધારી રાત મહીં, ઠંડીનો સાથ લઈ
ધરતીને મળતું હોય, એમ કંઈક લાગ્યું;
ઉગમણે સૂરજે ડોકિયું કર્યું ને ત્યાંજ,
કેવું ! ઊભી પૂંછડીએ જાય ભાગ્યું
લીલીછમ પાંદડીએ મલકે છે મોતી
કેવું ! ઝાકળબિંદુના રૂપે દીઠું.
ખેતરની વાડ પર...............
ભીની સુવાસ ભરી આવી સવાર ,
ભીના ઓતરાદી વાયરા વાયા,
તાપણું તપાવીને બેઠા છે પથ્થરો ને,
કેવી ! થરથરતી ફૂલોની કાયા.
દૂર દૂર દેખાતા આછેરા ડુંગરની,
કેડીમાં જઈને જાણે પેઠું ;
ખેતરની વાડ પર................
~મનુ.વી.ઠાકોર 'મનન'