■ ગંગાજી છે
લોક અહીં વેચાય જનારા રાજી છે
આ પણ એક અનોખી સોદાબાજી છે
એમ કરી પીડાનું તેજ વધાર્યું મેં
પીડાની આંખોમાં પીડા આંજી છે.
તેથી ચમકે છે જીવન તેઓનું બસ
જ્યારે જ્યારે આવી આફત માંજી છે.
ખોટા રસ્તે પગ ચાલે જો પગપાળા
પગને મારો તાળાં, તો અંબાજી છે.
ચાહી ચાહીને, ચાહી નાખો એને
ચાહત છે,ચાહત કરવાથી રાજી છે.
જળ તો જળ છે એના વાડા નઇ પાડો
પાપો જયાં ધોવો,બસ ત્યાં ગંગાજી છે.
ફોગટમાં ચશમા બદલીને થાકી ગ્યા
ને,લીલ બધીએ આંખોમાં બાજી છે.
~પ્રવીણ ખાંટ 'પ્રસૂન રઘુવીર'