એક દિવસ હું કવિતાઓ
લખવાનું બંધ કરી દઇશ
પછી.....
દરિયા કિનારે ચણા-ચોર ગરમ ખાતા ખાતા
રેતીમાં તારું નામ લખીશ...
તારું નામ
મેં ઇશ્વરને કરેલી બંદગી
થાકી-હારીને જ્યારે જ્યારે
હલેસાઓ છોડયા
તારા નામે કેટલાય દરિયાઓ પાર કરી ગઇ
તારું નામ
પતંગિયાની પાંખો
આગિયાનું અજવાળું
મારો અવાજ
અને
ઇશ્વરનો જવાબ
કવિતા કાગળ પર લખાય
તારું નામ હૃદય પર
કવિતા લખેલો કાગળ ફાડી શકાય
તારું નામ લખેલા હૃદયને ફાડી ન શકાય
અને એટલે જ
કવિતાઓ લખવાનું બંધ કરી
હું તારું નામ લખ્યા કરીશ....
કવિતાને ઇન્ફિરિયારિટી કોમ્પલેક્સ થાય તો થાય !
-Esha Dadawala