(નવા વર્ષે નવી ગઝલથી મુહૂર્ત?)
સૌથી પહેલા મનની ક્ષમતા જાણવાની
એ પછી અંગત અદાવત પાળવાની
કાયદા જાણીને અહિના આવજે તું
નાગ તો શું,કીડી પણ નહિ નાથવાની
હાથની ઉપર હલેસા ચીતરીને
કાળની તોતિંગ નૌકા હાંકવાની
સૂર્યનું હોવાપણું જૂઠલાવવાને
કેટલાની આંખ મારે ઢાંકવાની
સત્ય બનશે,પણ રિવાજોમાં ઢળીને
આપણે બસ વાતને ઉપજાવવાની
જિંદગીએ હાથ લંબાવ્યો ફરીથી
આજ પાછી રાખને ફંફોસવાની
બંધ રાખીને સતત, ખેંચાય છે નસ
ખાલી મુઠ્ઠી ક્યાં સુધી સંતાડવાની
કોના ટેબલ પર મૂકી છે શી ખબર, પણ
ઈશ્વરે આપી છે અરજી થાકવાની
સ્વપ્નમાં હું રોજ ઘૂંટણિયે પડું છું
ઊંઘને કરવા વિનંતી જાગવાની
લિપિ ઓઝા