ઘટાટોપ વાદળોને રીમઝીમ બુંદો પાસે
સોણલી સાંજ એક ઉધાર છે,
ધટ્ટકાળા વાદળોની રૂપકડી કોર પાસે
સોણલી સાંજ એક ઉધાર છે !
સંજોગોને ઘેરાને ચાતરતો નીકળીને
લક્ષ્યો નાં સરવાળા બાદબાકી વચ્ચે
ફુરસદનાં હાંશકારે નીતારેલી એવી
સોણલી સાંજ એક ઉધાર છે !
0 ઘટાટોપ...
શમણાંઓના લાવાલશ્કર સાથે ભાગી
ક્ષમતાઓનાં ચાકે ઘડી લેવી'તી જાતને
સુખ દુઃખ ને સારા ખોટા દાયરા વચ્ચે
સોણલી સાંજ એક ઉધાર છે !
0ઘટાટોપ...
મહેફિલોની દાદ ફરીયાદો તણાં શોરમાં
કે એકલતાંનાં ખુણે પાંગરેલા મૌનમાં
બસ!એકબે ઘુંટ ચા કેરી ચુસ્કીઓ લેતી
સોણલી સાંજ એક ઉધાર છે !
0ઘટાટોપ...
તારાં ગોરા ગાલે રાતાં શરમને શેરડે
નજરોનો નેહ ઉતર્યો સ્મિતના ઓરડે
હાથ તારો હાથમાં પ્રણયનાં કિનારે
સોણલી સાંજ એક ઉધાર છે.....
ઘટાટોપ વાદળોને રીમઝીમ બુંદો પાસે
સોણલી સાંજ એક ઉધાર છે!
---દેવાંગ દવે