કદાચ
કદાચ અગાઉથી
જ અણસાર હતો
જેનો... મન માં તે
કોઈ ઉજળો અવતાર ( તું )
સીમાની પેલે પારથી
અવની ના આ છેડે
નુરનો કાફલો લઈ
એ નાજુક ક્ષણે
મારી સમીપ આવી
જાણે...-
" ધરતી પર નભઞૂકે ને
ધરતી ને ઊંચે ને ઊંચે ગયાનો
આભાસી અહમ ઓગાળીને" -
પોતાની ચેતના ના દર્શન
કરાવી ગયો.
અરણ્યમાં કોઈ
અંધારી રાત નો
આપણો ઘડીક નો 'સંગ' ,
મારો ખોવાયેલો તે પવિત્ર
અનુભવ-
" તારી ખોટી ખોટી
પણ પ્રેમ ભરી નજર,
તારા હુંફાળા સ્વાસ ની
ભીની ભીની સુગંધ"-
હંમેશ માટે મને
પાછો મળ્યા નો
આભાસ કરાવી
ગયો જાણે...
મને જિંદગીના કારાવાસમાંથી
પ્રેમના કીર્તિ શિખરે પહોંચાડી ગયો
સાંજના સમયે વાતોની ફૂલવાડીમાં
પાનખરની કૂંપળો ફૂટી નીકળી
સંબંધોના સરોવરમાં
તારા મનનુ મેઘ ધનુષ્ય મેં જોયું,
પણ તારા ચિત્ નો ચહેરો
ન જ પરખાયો અને
મારા સ્મરણોની વીથિકા માં
જોડવા માટે
એજ મનોમંથન અને
મૂંઝારો મને મળ્યા
શબ્દોની ફ્રેમમાં અક્ષરોના રોમાંચનો
અંતે, સરવાળે તો ભાગાકાર જ
થતો જોયો
હવે તો જાણે
બે કિનારા વચ્ચે
અહીં ઘૂઘવે છે જળ
ને સામાપુર ના તરવૈયાની જેવી
સંકલ્પ ,શક્તિ અને સાહસ ની
કોઈ ત્રિવેણી પણ
હવે મારામાં રહી નથી.
જેનુ મૃત્યુ પણ
મરી ગયું છે
તે રાખ નું પંખી
જાણે સપ્તરંગી કિરણો નો
માળો બાંધવા બેઠું હોય એમ
વળી પાછું મારા
સ્મૃતિ વન માં આવ્યું...
અઢી અક્ષરનું ચોમાસું
હવે તો અશ્રુ ચાલ્યા જાય છે
ખનકતું કોઈ હાલરડું બનીને
યાદ અપાવે છે
તારો એ જ મીઠો મીઠો સ્પર્શ
મને પણ ખબર હતી
આ દિવાસ્વપ્ન તો
મેં જોઈ જ લીધું!
તેની સજામાં
તારા અતીતના આયનામાં
મનની કોઈ જૂની છબી માં
એક અજાણ્યો ચહેરો
બની ને પણ રહી શકું તો...
આવી કોઈ જન્મટીપ
મળે એવી આશા રાખી શકું?
તને પૂછ્યા વગર જ રાખું છું,
અને આમ મારી
આશાના મધપૂડામાં
વધુ એક મધુબિંદુ
નો સંગ્રહ કરું છું.
-wings ❤️