ઝબુક ઝબુક સ્માઈલ ઝબૂક આંસુ બે વ્હાઈટ
આવજો કહેવાને હાથ માંડ ઊંચક્યો
એટલામાં દીકરાની ઉપડી ગઈ ફ્લાઈટ
ડોલરિયા દેશથી આવ્યું પતંગિયું,વેર્યા પતાસાઓ શેરીએ
ફળિયામાં ઉગેલા ફૂલોએ પૂછ્યું કે આજથી ડ્રેસ કયો પ્હેરીયે?
ફળિયાએ કીધું કે અંધારું રોજનું , થોડા દિ પ્હેરી લ્યો લાઈટ
બોલ્યું કબાટ પછી ભીતો બોલી પછી તોડ્યું અરીસાએ મૌન
દીકરાની આંખમાં બેસીને ધોધમાર ખુશીઓ જે વ્હેચતું એ કોણ?
આખું ય ઘર ઉડ્યું જાય ઠેઠ આભમાં જાણે ઉડાડ્યો હો કાઈટ
કોઈ કોઈ રોકાવા આવે છે આપણામાં એ દાડે થાય છે દિવાળી
જાય ત્યારે થાય હાય કેવી ખોવાઈ ગઈ હાથમાંથી સાચવેલી તાળી
આંસુ ને સ્મિત બે ય પૂછી બેઠા: કહો બેમાંથી કોણ વધુ રાઈટ ?
કવિશ્રી મૂકેશ જોષી