અમે સાથે રહીશું ને ખબર પણ નહી પડે તમને
સતત નફરત કરીશું ને ખબર પણ નહી પડે તમને
અમારા હોઠ પર ફરકી રહેલા સ્મિતની પાછળ
બળાપો સાચવીશું ને ખબર પણ નહી પડે તમને
તમે પડઘો તમારો ભીડ વચ્ચે શોધશો જ્યારે
અમે તમને જડીશું ને ખબર પણ નહી પડે તમને
તમે ઊંચી કરી દીવાલ એ દીવાલની પાછળ
નવો કિલ્લો ચણીશું ને ખબર પણ નહી પડે તમને
અમે થીજી ગયા તો ચાલવા લાગ્યા અમારી પર !
અચાનક ઓગળીશું ને ખબર પણ નહી પડે તમને
ભાવિન ગોપાણી