કોઈની એંઠી ચા પિવાય ??!!
કદાપી નહી. એંઠી ચા પિવે સૌ સૌવના ઘસાયેલા સ્લીપર.
પરંતુ એંઠી ચા પિવાથી પ્રેમ થઇ જાય..!!
હેં..હેં...હેં...! (ફિર સે કહો ના..) આટલું સાંભળીને મૃત્યુંના બિછાને બિરાજમાન ભાણજીદાદા પથારીમાંથી ટેકા વગર બેઠા થયા...
“તે હેં ગગલાં...!?? કોઈની એંઠી ચા પિવાથી પ્રેમમાં પડી જવાય? તો આ બંદા હાજરા-હજૂર છે...! શરત એટલી કે પ્રેમ થવો જોઈએ” ભાણજીદાદુનું હૈયું મીટર ઓન કર્યા વગર આખું ગામ ફરવા તૈયાર થયું.
“દાદુ, આ વાત તમારા માટે નથી. તમે અહીંથી જગ્યા કરશો એટલે ઉપર અપ્સરાઓ તમારી રાહ જોઇને ઉભી હશે..! આ વાત તો અહીંના લગ્ને-લગ્ને કુંવારા જુવાનીયાઓ માટે છે.”
થોડાં સમય પહેલાં એક ફિલ્મ જોયેલી. કેદારનાથ. કાફીરાના ગીત ગણગણવા જેવું ખરું.
ઈ’ની માલીપા હીરો અને હિરોઈનું (એ.વ. સમજવું) એકબીજાની એંઠી ચા પિવે અને પ્રેમમાં પડે છે. ભોગ લાગ્યા આ બંનેના કે ફિલ્મોની સસ્તા બજેટને કારણે એંઠી ચા પિવી પડે છે. આ ફિલ્મમાંથી સસ્તાભાવે પ્રેમમાં પડવાની તરકીબ જાણવા મળે છે. ભવિષ્યમાં કોઈ હીરો અને હિરોઈનું (એ.વ. સમજવું) શેરડીના રસના ચીચોડે મળી જાય તો નવાઈ ન પામશો. પ્રેમમાં પડવાનો રસ્તો બગીચામાંથી પસાર થતો સેંકડો વખત નિહાળ્યો છે. અહીં ‘બગી’ને હટાવીને ‘ચા’ની લારી પાસેથી પસાર થાય છે. અહીં હિરોઈન ડાહીડમરી લાગી... અડધી ઉધાર ચા એ દિલડું ફના કરી દે છે... પ્રેમમાં પડવું એટલે ? જાણે કોઈ વેપારી દુકાનનો સાંજે વધાવો લઈને શટર પાડતો હોય, એટલું સહેલું લાગ્યું પ્રેમમાં પડવું...!
આવો સસ્તો પ્રયોગ કોઈપણ કરી શકે છે. સર્વ પ્રથમ એક અડધી ચા લેવાની.. પછી પહેલી ચૂસકી ભરવાની... પછી આજુબાજુ જોવું કે આપણી એંઠી ચા પીવા કોઈ બેતાબ છે???
અહીં વાત (અમરીશ)પુરી. ખી..ખી..ખી..
અરે હા...! ગીતના શબ્દો આપને જરૂર બેતાબ બનાવશે...
ઇન વાદિયોં મેં ટકરાં ચૂકે હૈં, હમ સે મુસાફિર યું તો કહી
દિલના લગાયાં હમને કિસી સે, કિસ્સે સુને હૈં યું તો કહીં
ઐસે તુમ મિલે હો, ઐસે તુમ મિલે હો,
જેસે મિલ રહી હો, ઈત્ર કો હવા...!!
કાફીરાના સા હૈં.. ઈશ્ક હૈ યા, ક્યાં હૈં?
લેખન: નરેન્દ્ર જોષી.