આંખોમાં બેઠેલા ચાતક કહે છે,
મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું,
કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં,
માટીની ગંધ રહી જામી.
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં,
આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને,
હવે ભીંજાવું એતો આભાસ છે.
કોરપની વેદના તે કેમ સહેવાય નહી?
રૂંવેરૂંવેથી મને વાગે,
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું,
રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે,
આ તે કેવો અષાઢી ઉલ્લાસ છે?
– તુષાર શુક્લ
Happy birthday
Tushar Shukla
29/6/2019