"ધબકમાં પ્રકાશિત ગઝલ "
પૂછ ના કેવી રાત ગાળી છે,
મેં દીવા સાથે જાત બાળી છે.
રક્તથી સીંચે છે બગીચાને,
બાગમાં એક એવો માળી છે.
જાતને છેતરી શકે છે ખુદ,
માનવી સૌથી બુધ્ધિશાળી છે.
ખુદ બળી ઊજળો રહ્યો છે દીપ,
એની લજ્જાથી ભીંત કાળી છે.
શહેર ટોળે વળી ગયું જોવા,
ઝાડની લીલી એક ડાળી છે.
આંખનું કામ થાય છે મનથી,
મેં તને હર જગા નિહાળી છે.
મોડું પડશે ગરીબનું બાળક,
એક ચડ્ડી હતી પલાળી છે.
માણું છું એક સાથે બે તે'વાર,
હોળી ભીતર, ઉપર દિવાળી છે.
આજ 'સાગર' સુઈ ગયો વહેલો,
સ્વપ્નની સાથે રાતપાળી છે.
રાકેશ સગર, સાગર, વડોદરા