"પરફેક્ટ કપલ"
એક કપલ કેવું હોવું જોઈએ? જુવાનીનો સળગતો સવાલ. જવાબ આપો, પરફેક્ટ? એકદમ પરફેક્ટ? જરાય નહીં.મારા હિસાબે પરફેક્ટ કોઈએ પણ હોવાની જરૂર જ નથી. કોઈ એક ઇમપરફેક્ટ હશે તો બીજું તેને પરફેક્ટ બનાવવાનો અને પહેલું પરફેક્ટ બનવાનો આનંદ લેશે. કાલે સમી સાંજે મળ્યો સરોજને. હિચકી લેતા હૃદયે બોલી,"રોહિત , મજા નથી આવી રહી. કદાચ કોલેજનું જીવન વધુ સરળ હતું. એ વખતે દિવસો ઝાલ્યા હાથમાં નહોતા રહેતા હવે લગ્ન પછી ગણી ગણીને જાય છે". મેં એની સામે હળવા હાસ્યથી માત્ર જોયું. મને લાગ્યું એક આખો વર્ગ જાણે એ કપલને જોઈ રહ્યો હોય, અને ટાણું મારી રહ્યો હોય,"ના કીધી હતી બધાયે તોયે કર્યા લવ મેરેજ હવે ભોગવે". તો સામેથી સંવાદ વાગે, " અરે એ શું ભોગવવાના, ભોગવે તો એમના મા બાપ છે. બિચારા લગ્ન વખતે પણ કોઈને મોઢું ના બતાવી શક્યા ને હવે પણ નહીં". મેં પાણીનો ગ્લાસ આગળ ધરીને પૂછ્યું, " પણ કેમ સરોજ, વાંધો ક્યાં આવે છે? તમારી વચ્ચે તો ખૂબ જ સારું અંડરસ્ટેન્ડિંગ હતું ને?
"અરે એ અંડરસ્ટેન્ડિંગે જ તો ભવાઈ નીકળી છે ને" કોરા નિશ્વાસ સાથે સરોજ એ જવાબ વાળ્યો.
મને પહેલી વાર આજે સમજુ કપલનો ઝઘડો જોવા મળી રહ્યો હતો. કજોડા તો ઘણાય છુટા પડ્યા પણ સજોડા? એમનું શુ? એતો બધી પરીક્ષાઓમાં પાસ હતા ને? "પણ અચાનક વાંધો શુ?"
એ હવે સતત મને સમજણના પાઠ જ સમજાવતા રહે છે. ક્યારેક તો લાગે છે હું એમની વાઈફ નહીં પણ સ્ટુડન્ટ છું. મારી વાત ને અધવચ્ચેથી કાપીને એ બોલી.
અમારા કોમન ફ્રેન્ડ્સ ને જ્યારે અમે મળીએ ત્યારે એ ગણાવ્યા જ કરે, "સરોજને તો શોપિંગનો શ પણ મેં જ શીખવાડયો. રસોઈનો ર પણ મેં જ શીખવાડયો. એ બધું તો છોડો દરરોજ ડાઇનિંગ ટેબલ પર મોટીવેશનનો ડોઝ હું સરોજને ના આપુને તો સવારે ઢીલી ઢસ. એની એક એક નિષ્ફળતા પર ઢગલે ને ઢગલે રડે". એક જ શ્વાસે એ મારા સામેના ટેબલ પર વરસી પડી. પહેલા તો મને વિશ્વાસ ના આવ્યો કે આવુ અમારા બધાનો ફ્રેન્ડ જયદીપ કરતો હશે ખરો? પણ કદાચ સરોજ ના વહેવાની તૈયારીમાં હતા એ આંસુએ મારી શંકાનું ખૂન કર્યું. મને લાગ્યું આવું કેમનું થતું હશે? પછી થયું કદાચ વધારે પડતું અંડરસ્ટેન્ડિંગ આ બધા પાછળ કામ કરતું હતું. મૌનમાં રહીને પોતાના મન સાથે ઝગડયા કરવું એના કરતાં થોડુંક બોલીને સામેના પાત્ર સાથે ઝગડી લેવું સારું. થોડાક અબોલા અને મીઠા ઝગડા વગર પ્રેમ કિનારે નથી પહોંચતો. અને પહોંચે છે તો એની ઉજવણી નથી થતી. એ વખતે સરોજ મારી પાસે કોઈ સલાહ લેવા નહીં પરંતુ મન ખાલી કરવા આવી હતી, એ વાત મેં એની આખી કથની સાંભળ્યા પછીના એના ચહેરા પરના સંતોષ પરથી જાણી. મેં પણ એને કોઈ જ સોલ્યુશન ના આપ્યું, પણ એને સાંભળી. ક્યારેક ભાવોની ઉભરામણી થતી હોય એટલે એને યોગ્ય પાત્રમાં ખાલી કરવા જરૂરી છે. પ્રેમ માત્ર પંપાળવાથી પણ નહીં અને હાલ પર છોડી દેવાથી પણ નહીં, વખતોવખત સંભાળવાથી વધે છે. પ્રિયજનને કૉફી પસંદ છે એની જાણકારી રાખવા કરતા બનાવીને પીવડાવવી ખૂબ જરૂરી છે. એવી જ રીતે તૈયાર કોફીની આદત પાડવા કરતા કોક દિવસ ડાઇનિંગ ટેબલ પર આપણી ચા ની રાહ જોવી પણ એટલી જ જરૂરી છે.