HAPPY FATHER’S DAY !
===============================
તમારે કારણે અમને મળી આ જિંદગી જગમાં,
તમારે કારણે લાગ્યું મધુર સઘળુંય આ દૃગમાં.
તમારી આંગળી પકડી અમે પહેલાં ચરણ મૂક્યાં,
તમે મંઝિલ બતાવી એટલે ના રાહ અમ ચૂક્યાં.
તમે સુખ આપવા અમને દિવસ ને રાત પીસાયા,
થઈ શું ભૂલ કે બાળકની માફક આમ રીસાયા.
તમે ચાલ્યા ગયા એવી રીતે જ્યમ ચાંદ વાદળમાં,
હવે દેખાવ છો અક્ષર સ્વરૂપે માત્ર કાગળમાં.
ઘણું કહેવાનું બાકી છે, મળો તો એ બધું કહીએ,
સમયની પાળ પર બેસી બધું પાછું અનુભવીએ.
હજીયે આંખ ‘ચાતક’ આપના દીદાર ઝંખે છે,
વિરહની વેદના હૈયાને પારાવાર ડંખે છે.
તમે જીવી ગયા એવા જીવનની છે અભિલાષા,
તમે ક્યારેક તો આવીને મળશો, એજ છે આશા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’