કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું , કેમ ન પપ્પા વિશે ?
બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું ?
સપનાઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે ?
ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો
તોપણ બજાર, બેન્ક. ..બધ્ધે મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે ?
દીકરી આવી ત્યારે પણ રાખી'તી ભવ્ય ઊજાણી
સાસરિયે ગઈ ,તો પપ્પાની આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે
મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે ?
-- ભરત ભટ્ટ ' પવન '