પપ્પાની આંગળિયે
રક્ષા શુક્લ
પપ્પાની આંગળિયે માણી સાત સૂરોની વાણી.
બાંસૂરીમાં સવાર, સાંજે સિતારની સરવાણી.
ડગમગ પહેલી પગલી મેં જ્યાં જરાક માંડી આગળ,
છબિ ઝીલવા વૃક્ષો પાસે માગ્યો કોરો કાગળ.
એના ખિસ્સે પૈસા કરતા રણકે સો ભીની પળ,
કરિયાવરના એક ખૂણે મૂંગા આંસુની ઝળહળ.
ક્યાંથી સરાણ લાવી મારી પાંખોને પરમાણી.
પપ્પાની આંગળિયે. માણી સાત સૂરોની વાણી.
પપ્પા, કેમ તમે છો હમણા દૂર દૂર પરદેશે ?
ખરે વૃક્ષથી પાન, આંખ પર કોણ હથેળી દેશે ?
પુસ્તકના કોઈ પાને અચરજ રોજ ઊઘડતું રહેશે,
ભેદ કોણ સુખદુઃખની સંતાકૂકડીનો અહીં કહેશે ?
શ્રદ્ધા, પ્રેમ, ધીરજની કરતા છૂટ્ટા હાથે લ્હાણી.
પપ્પાની આંગળિયે માણી સાત સૂરોની વાણી.