એય..છોકરી,
કહે ને..શું નામ આપું તને !
એક વાત કહે..મને,
ના ડેલી , ના ફળિયું કે ના બારસાખ...
ને આમ બારીએ કેમ બેઠી ?
કદાચ..ઉંબરની આમન્યા..હેં ને ??
ખાલીખમ્મ ઓરડો...અને આ ભૂરો..ઉદાસ..થંભી ગયેલો સમય
શું કહે છે ?
જો કે બહાર .... ઉજાસ છે તો ખરો !!
ચહેરા પરનાં દુપટ્ટાથી શું છૂપાવે છે ..અલી ?
ઉંમર ? ઓળખ ? આંસૂ ? ઉજાગરો ? અભાવ ? કે તરસ ??
જો..આ તારુ આમ બેસવું કેટલા સવાલોને જન્મ આપે છે કંઇ સમજાય છે !!!
કોઇની રાહમાં પથરાઇ ગઇ છે આંખો ?
કે..ચાલ્યા જતાં પગલાની ધૂળ અંજાઇ છે એમાં ?
ઉજાસ રોકીને બેઠી છો..એ ખબર છે તને ?
કોઇ શાશ્વત ક્ષણોને ક્યાં સુધી વાગોળીશ ?
આમ શ્રાપિત અહલ્યા થઇ ને !!
એક વાત કહુ ?
તું જેવી છે એવી....
આ..જ..અવસ્થામાં બેઠેલી,
રહસ્યોથી ભરપૂર
મને બહુ ગમે છે તુ..સાચ્ચેક....
--પારુલ