જિંદગી સામે હતી પણ ભેટવાનું રહી ગયું
મૃત્યુએ આવીને કીધું, જીવવાનું રહી ગયું
ફૂલ બોલે છે કદી કે મહેકવાનું રહી ગયું ?
માત્ર માણસથી હજી માણસ થવાનું રહી ગયું
એ જતી વેળા મને એવી રીતે જોતા રહ્યા
મેં મને પૂછ્યું કે શું કંઈ પૂછવાનું રહી ગયું ?
યુદ્ધ સાતેસાત કોઠાનુ શીખી જન્મ્યો હતો
એક બે સંબંધીઓથી ચેતવાનું રહી ગયું
એ દિવસની આયખામાં પણ ગણતરી ના કરું
આવી હો પીડા, ને એને પોંખવાનું રહી ગયું
સંદીપ પૂજારા