દરિયાએ પીધો છે દારુ,
દેવદાસ દેવદાસ થઇ ગયેલી લહેરોમાં
સંભળાતો સાદ હવે પારુ,
દરિયાએ પીધો છે દારુ.
નદીઓનો કેફ હજી ઉતર્યો ન ઉતર્યો,ત્યાં પીવાનું આ રીતે આમ ?
એની આ આદતથી કંટાળી કંટાળી ત્રાસી ગ્યું કાંઠાનું ગામ !
કાલથી હું પીશ નહિ એવા વચનોથી તો પાણી પણ થઇ ગ્યું છે ખારું,
દરિયાએ પીધો છે દારુ.
હંમેશા છલકાતો રે’વાથી મળતી ના પળભર પણ ખૂટ્યાની વેદના,
એકએક ધૂંટમાં ધૂંટાતી જાય હવે કાંઠો નહિ છૂટ્યાની વેદના,
કોરીકટ્ટ કોરીકટ્ટ પીધા કરવાથી આ સોડાને લાગે કઈ સારું?
દરિયાએ પીધો છે દારુ.
-હરદ્વાર ગોસ્વામી.