ગઝલ
જીવન આખ્ખું પળેપળ ચૂકવી એ યાદની કિંમત,
ઘણી મોંઘી પડી અમને પ્રથમ વરસાદની કિંમત.
બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી,
ગઝલ કરતાં વધારે હોય જ્યારે દાદની કિંમત.
અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયાં પર ઘસો ચંપલ,
બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત.
હતો એ કાલ લગ બેઘર, ન જાણે શું કર્યા ધંધા,
અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત.
ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને,
બધાની છોડ, પૂછી જો જરા એકાદની કિંમત.
રહ્યો છું ‘હર્ષ’ કાયમ ભીડમાં – ઘોંઘાટમાં એવો,
હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત.
⁃ હર્ષ બ્રહ્મભટ્ટ
અપના અહમ્ નહીં બેચૂંગા) Title
અમદાવાદમાં વસતા હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતી અને ઉર્દૂમાં લખતા પીઢ ગઝલકાર છે.
બને તો તું કશું બોલ્યા વિના સરકી જજે ત્યાંથી,
ગઝલ કરતાં વધારે હોય જ્યારે દાદની કિંમત.
દરેક વ્યક્તિને ઝંખના હોય કે પોતાના કાર્યને સ્વીકૃતિ મળે.શાયરને પણ પોતાની ગઝલને પ્રશંસા મળે એવી ઇચ્છા હોય.મુશ્કેલી ત્યારે થાય,જ્યારે ગઝલ ન સમજનારા વાહ વાહ કરવા માંડે, અને આવી દાદથી જ ગઝલનું મૂલ્ય નક્કી કરાય. ગઝલનું કાવ્યત્વ એક વાત છે અને તેને મળતી તાળીઓ બીજી વાત છે.દાદ ઉઘરાવવા શાયર વિદૂષકવેડા કરવા માંડે ત્યારે કવિતા લજવાઈ જાય છે.
પછેડી ઝાટકી ઊઠું તો રોષ ના કરશો
મેં જોઈ લીધું છે તમારું વાહવાનું નગર
(મકરંદ દવે)
અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં પગથિયાં પર ઘસો ચંપલ,
બધા સાહેબ જાણે છે અહીં ફરિયાદની કિંમત.
સરકારી 'નોકર'ને 'સાહેબ' કહેવા પડે એ લોકશાહીની વિડંબના છે. લાંચ ન આપનાર વ્યક્તિને અમલદારો 'ફુકટ પાર્ટી' કહી ઉતારી પાડે છે.દરેક ફરિયાદની એક કિંમત ચૂકવવી પડે છે, જેની સામે કોઈ ફરિયાદ થઈ શકતી નથી. અહીં 'મૂલ્ય' અને 'કિંમત' સમાનાર્થી નહિ પણ વિરોધાર્થી શબ્દો બની જાય છે.
હતો એ કાલ લગ બેઘર, ન જાણે શું કર્યા ધંધા,
અદાથી આજ એ પૂછે છે અમદાવાદની કિંમત.
'કાલ લગ તો એ બેઘર હતો'- રાતોરાત માલેતુજાર બની જનારની અહીં વાત છે. 'ધંધા'માં ગોરખધંધાનો સંકેત છે.'અદા' અને 'અમદાવાદ'નું ધ્વનિસામ્ય આકર્ષક છે.દરેક વસ્તુ બિકાઉ છે એમ માનનાર અમદાવાદની કિંમત પૂછે એમાં શી નવાઈ?
ખરીદી નહીં શકે કોઈ ખરા માણસની નિષ્ઠાને,
બધાની છોડ, પૂછી જો જરા એકાદની કિંમત.
અગાઉના શેર કરતા આ શેર વિપરીત છે.બધા બિકાઉ હશે પણ ખરા માણસને ખરીદી શકાતો નથી.'બધાની છોડ'- બોલચાલનો લહેકો કાવ્યબાનીને બળવત્તર બનાવે છે.'સૌ નિષ્ઠાવાનોને તમે શું ખરીદવાના? એકને પણ નહિ ખરીદી શકો!'- એવો લલકાર અહીં સંભળાય છે.
રહ્યો છું ‘હર્ષ’ કાયમ ભીડમાં – ઘોંઘાટમાં એવો,
હૃદયથી પણ વધુ લાગી હૃદયના સાદની કિંમત
'ભીડમાં રહેવું' યાને મેદની વચ્ચે રહેવું અથવા મુશ્કેલીમાં મુકાવું.ઘોંઘાટ એવો હોય કે અંતરાત્માનો અવાજ પણ સાંભળી ન શકાય. માનવી માટે હ્રદય સૌથી વધુ કીમતી હોય, તેના વિના જીવી ન શકાય, પરંતુ શાયરને હ્રદયનો સાદ તેથી પણ વધુ કીમતી લાગે છે.
આમ શાયર અમદાવાદની કિંમત પૂછવા નીકળેલાને હ્રદયના સાદની કિંમત સમજાવે છે.
મેરે સપનોં કો સૂલી પર લટકા દો તુમ બડી ખુશી સે
પર મૈં બેઈમાન સમય કો અપના અહમ્ નહીં બેચૂંગા
(રામાવતાર ત્યાગી)
-ઉદયન ઠક્કર
◦