સમી સાંજના રંગ ભગવા ઉડાડીને આ કોણ સૂરજને દાટી રહ્યું છે?
પ્રભાતે ઉલેચીને અંધાર સઘળો ફરી કોઈ સૂરજને કાઢી રહ્યું છે!
ખબર છે બધી વૃક્ષને પોટલીમાં શું લાવ્યું ઘણાં વર્ષે આવેલ પંખી,
જુઓ વૃક્ષ રઘવાયું થઈ કૃષ્ણ જેમ જ આ ટહુકાના તાંદુલને ચાખી રહ્યું છે!
તમારી પ્રતીક્ષામાં વાવ્યું’તું એ વૃક્ષ દિવસે ને દિવસે થતું જાય ઉજ્જડ,
તમે એમ કીધું કે, ‘આવું છું મળવા’ તો લાગ્યું કે ફળ કોઈ પાકી રહ્યું છે!
મનાવી, પટાવી અને ફોસલાવી મને લઈ ગયું સુખ ફરવાને બ્હાને,
મેં જોયું મને એકલો સાવ ભેંકાર જગ્યામાં છોડી એ નાસી રહ્યું છે.
ઉપાડ્યાં છે સ્મરણોની રેતીના થેલા અને માર્ગમાં એક લાંબી નદી છે,
હું બેવડ વળી સાવ ચાલું છું તોયે હજી ભાર પીઠે કોઈ લાદી રહ્યું છે.
– અનિલ ચાવડા