સાહેબે સાફ કરી નાખ્યા... સાહેબ,
આ તો સાહેબે સાફ કરી નાખ્યા.
નોટોની બંધીએ માર્યું'તું ઝાડું
આજે સમૂળગા સાફ કરી નાખ્યા.
બોલવામાં કોઇએ કૈં બાકી ન રાખ્યું ,
ન બોલવાનું એ ય બોલી નાખ્યું .
ચોર ચોર કરીને મચાવ્યો તો શોર
એની ભૂલોનું ફળ એણે ચાખ્યું
છપ્પનની છાતીને માપવાની હોય નહીં
ગજ બધા ટૂંકા કરી નાખ્યા , સાહેબ ,
આજે સમૂળગા સાફ કરી નાખ્યા .
જોડનારા કોણ છે ને તોડનારા કોણ છે
ને કોણ લઇ સંગાથે ચાલે
જનતા જો જાણી લે એટલું તો રંગી દે
પ્રેમ થકી નખશિખ ગુલાલે.
આંગળીએ શાહીનું ટપકું તિલક બન્યું ,
સિંહાસન એમણે શોભાવ્યા, સાહેબ
આજે સમૂળગા સાફ કરી નાખ્યાં ..
ગંગામૈયાનાં જાણે ઉતર્યા આશીષ
આજે ગૂંજે હર ગંગેનો નાદ
ઉતરે છે આનંદે આરતી ને ગલીઓમાં
હર હર મહાદેવ તણો સાદ
હાથી ને હાથ સાથે સાયકલ થઇ સાફ
આજ ઠેર ઠેર કમળ ખીલી આવ્યા, સાહેબ,
આજે સમૂળગા સાફ કરી નાખ્યા .
-તુષાર શુક્લ