આવ્યો ગરમી લઈને ઉનાળો ,
નયનને ગમે, ગુલમોર ગરમાળો.
પીળા ને લાલ રંગની મોસમ રે આવી ,
ગુલમોર ને ગરમાળાએ સુંદરતા બતાવી,
ફૂલથી શોભી છે આજે ડાળે ડાળો.
આવ્યો ગરમી લઈને ઉનાળો....
તરસ એવી લાગે કે તરસ ના છીપાય,
ઉની ઉની લૂ લાગે , કાયા રે દઝાય.
ગરમીએ સૌ શોધે શીતળ છાંયો .
આવ્યો ગરમી લઈને ઉનાળો.....
આમફળની ભારે મજા ઉનાળે આવી,
કુદરતે રસની મોસમ ઉનાળે સજાવી,
આજે આપણે પીધો રસ અને પાયો.
આવ્યો ગરમી લઈને ઉનાળો...
તાપમાં રમવા છોકરાઓ દોડે ,
માં કંટાળી એમને હાથ રે જોડે,
અલ્યા થાશે રંગ તમારો કાળો .
આવ્યો ગરમી લઈને ઉનાળો.....
આવ્યો ગરમી લઈને ઉનાળો ,
નયનને ગમે, ગુલમોર ગરમાળો.
- જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'