Gujarati Quote in Book-Review by Paras Kumar

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

■ભગવાનની ટપાલ : સહજ અનુભૂતિના અણસારા...

"સૂર્ય રોજ આપણને જીવન નામની ટપાલ પહોંચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા
માતૃત્વ પહોંચાડે છે અને
પુષ્પો સુગંધ પહોંચાડે છે.
પાંદડે પાંદડે
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી ટપાલ માણસને
પહોંચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાંચવાની
ફુરસદ આપણી પાસે છે ખરી?"

આ શબ્દો છે ગિરા ગુર્જરીના મધુર ટહુકા સમા એકમેવ પદ્મશ્રી ગુણવંત શાહના! ગરવા ગુજરાતીઓ પાસે ગુણવંત શાહે લખેલી 'ભગવાનની ટપાલ' વાંચવાની ફુરસદ છે ખરી? જી..હાં મિત્રો,ભગવાનની ટપાલ- નિબંધસંગ્રહની અત્યાર સુધીમાં 28 હજારથી વધુ નકલો વેંચાઈ ચુકી છે.કેટલાક પુસ્તકો માત્ર વેંચાતા હોય છે,વંચાતા નથી.પરંતુ 'ભગવાનની ટપાલ' હજારો વાંચકો દ્વારા વંચાઈને ક્યારની પોસ્ટ થઈ ચૂકી છે.કોઈ વાચક બેહદ ગમતું પુસ્તક મનગમતી વ્યક્તિને ભેટમાં આપતો હશે ત્યારે બુકમાં બેઠેલાં શબ્દો કાગળને કિનારે ઝાકળબિંદુ બનીને બ્યુગલ વગાડતાં હોય છે.ગુણવંત શાહે ભગવાનની ટપાલ પુસ્તકનો એક્સ રે માત્ર ત્રણ જ શબ્દોમાં રજૂ કરી દીધો છે:સહજ અનુભૂતિના અણસારા!
પુસ્તક વાંચતી વેળાએ સૂકા કાગળમાં પથરાયેલી વસંતના પળે પળે અણસારા થાય છે.માનવમનમાં કદાચ ક્યારેય ન જન્મેલા સવાલોના જવાબ પુસ્તકમાંથી આપમેળે જડી જાય છે.ગુણવંત શાહ સામાન્ય રીતે પોતાના નિબંધસંગ્રહની પ્રસ્તાવના પુષ્પની કળી જેવડી રાખતાં હોય છે પણ 'ભગવાનની ટપાલ' પુસ્તકની પ્રસ્તાવનામાં ગુણવંત શાહે પૂરેપૂરું પારિજાત ખીલવ્યું છે.પ્રસ્તાવનામાં ખરી પડેલાં વિચારોની સુવાસ મમળાવો,

● કવિતા રચે તે કવિ ગણાય છે.આ એક ઘરડી માન્યતા છે.બાળપણ વીતી ગયા પછી પણ જેનું વિસ્મય ઓસર્યું નથી તે માણસ કવિતા ન રચે તોય 'કવિ' ગણાવો જોઈએ.
● વડના ઝાડથી ચડિયાતા મંદિરની કલ્પના કરવી મુશ્કેલ છે!
● રાધાકૃષ્ણના મન્દિર માટે કરોડોનું દાન કરનારો ધનપતિ દહેજ આપે કે લે ત્યારે પ્રેમનો નિયમ તૂટે છે.
● બે વ્યક્તિઓ વચ્ચે ઉગેલા પ્રેમપુષ્પની સુવાસને ધૂપસુગંધ નો દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ.
● કોયલના ટહુકાને ગાયત્રીમંત્રથી ઉતરતો દરજ્જો મળી શકે ખરો?

ગુણવંત શાહે ભગવાનની ટપાલ મારફતે માનવજીવનના વિચારોનું વસિયતનામું રજૂ કર્યું છે.પુસ્તકમાં માનવજીવન સાથે જોડાયેલી હૃદયાનુભૂતિ, વિસ્મયાનુભૂતિ,ઋજુતાનુભૂતિ જેવી 23 પ્રકારની જુદી જુદી અનુભૂતિ પર ત્રેવીસ લેખ રજૂ થયા છે.હૃદયાનુભૂતિ અંતર્ગત લખાયેલી વાત વાંચો: "પુષ્પની ભીતર પડેલી શક્યતાને સુગંધ કહે છે.માનવમાં પડેલી શક્યતાને દિવ્યતા કહે છે.પુષ્પતા અને દિવ્યતા આદરણીય છે કારણ કે બંનેની ખિલવણી ભીતર પડેલી કોઈ રહસ્યમય સત-તાનો જ ચેતોવિસ્તાર છે.આવી ઊર્ધ્વમૂલ અસામાન્યતાનું મન્દિર આપણું હૃદય છે." પુસ્તક વાંચતી વેળાએ હૃદયમાં માનવતાનું પુષ્પ ખીલ્યાં વિના રહી શકતું નથી.

ટહુકો એટલો વસંતનો વેદમંત્ર જેવા શિર્ષક હેઠળ હૃદયમાં કોતરાઈ જાય તેવા વિચારો મમળાવો,
"માણસ બીજું કંઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય.પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે.તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે."
લેખનાં અંતમાં લખાયેલાં દિવ્ય શબ્દો સાંભળો, કોયલનો ટહુકો સંભળાય ત્યારે એટલું સમજવું રહ્યું કે એ ટહુકો હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોંચ્યો છે.એ ટહુકો વસંતનો વેદમંત્ર છે."

ગુણવંત શાહ ગુજરાતનો અવાજ કેમ કહેવાય છે તેનો જવાબ ગરવા ગુજરાતીઓને આપવાનો ન હોય.ભગવાનની ટપાલમાં પ્રગટ થયેલો ગુણવંત શાહનો અવાજ માનવમનનો મિજાજ બનીને પ્રગટ થયો છે. પુસ્તકનું દરેક વાકય વનલતાની જેમ ખીલી ઉઠ્યું છે.જીવનના દરેક પ્રસંગોએ સ્વજનો અને મિત્રોને 'ભગવાનની ટપાલ' પુસ્તક ભેટમાં આપવા માટે ગુજ્જુ વાચકોએ વધુ વિચાર કર્યો નથી.ભગવાનની ટપાલમાં માનવ મનનું આંતરિક સૌંદર્ય આબાદ ઝીલાયું છે.પુસ્તકના પ્રત્યેક પેરેગ્રાફમાં પુષ્પનો પમરાટ માનવતાના હસ્તાક્ષર બનીને કંડારાયો છે.માનવજીવનની સહજ અનુભૂતિ અણસારા અનુભવવા આજે જ વાંચો 'ભગવાનની ટપાલ'...

-પારસ કુમાર

Gujarati Book-Review by Paras Kumar : 111139368
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now