સ્ત્રી એ શક્તિનું બીજું રૂપ છે. દરેક સ્ત્રીમાં એક અલૌકિક શક્તિનો વાસ રહેલો છે, પણ સ્ત્રી પોતાની શક્તિ છુપાવી રાખે છે, તે જરૂરતના સમયે જ એને બહાર લાવે છે, પોતાની શક્તિનો તે ક્યારેય દેખાવ કરવા નથી માંગતી, મૂંગા મોઢે સહન કરવું તેના લોહીમાં રહેલું છે પણ જયારે તેની સહનશીલતા સમાપ્ત થઇ જાય છે ત્યારે તે રણચંડી પણ બની જાય.
સ્ત્રીના ઘણા રૂપ સમાજ માં જોવા મળે છે, સ્ત્રી માતાના રૂપે, બહેનના રૂપમાં, મિત્રના રૂપમાં, પત્નીના રૂપમાં પોતાની ફરજોનું પાલન કરતી આવી છે, સમાજના બંધનોમાં બંધાયેલી એ સ્ત્રી પોતાની આંતરિક શક્તિઓને પોતાના દિલના કોઈ ખૂણામાં છુપાવીને બેઠી હોય છે, એક પત્ની પોતાના દારૂડિયા પતિનો માર પણ સહન કરી અને પોતાનો સંસાર નિભાવતી હોય છે, પરંતુ જયારે પોતાના બાળકની વાત આવે અને જો એ પતિ બાળક પર હાથ ઉઠાવે તો એ રૌદ્ર રૂપ ધારણ કરી પોતાની શક્તિ બહાર લાવી અને પતિની સામી પણ થઇ જાય છે, પુરુષ સ્ત્રીને પોતાની દાસી સમજે છે પણ એ પુરુષની ભૂલ છે, સ્ત્રી સંબંધો સાચવવા પોતાની શક્તિ બહાર નથી લાવતી અને એટલે જ સ્ત્રીને કરુણાની મૂર્તિ કહેવામાં આવે છે.
સફળ સ્ત્રીઓના ઉદાહરણો ઇતિહાસ પાસે ઘણા છે, રાણી લક્ષ્મીબાઈ હોય કે પછી મધર ટેરેસા ઘણા ઘણા રૂપમાં સ્ત્રી એ પોતાની શક્તિને ઉજાગર કરી છે. સમાજની અંદર એવી પણ સ્ત્રી રહેલી છે જે સહન જ કરતી આવી છે. કાયદાઓ ભલે સ્ત્રીના રક્ષણ માટે બનતા આવ્યા હોય તે છતાં હજુય સ્ત્રી સમાજમાં કાચડાતી આવી છે, છેક છેવાડે ના ગામડા સુધી સ્ત્રી રક્ષણની અને સ્ત્રી સલામતીની વાતો જાણે હજુ પોકળ હોય એવું લાગે છે, ઘરની ચાર દીવાલોમાં એક સ્ત્રી હજુય પિંજરામાં રહેલા પક્ષીની માફક ઉડવા ઝંખી રહી છે, મહિલા દિવસના દિવસે મોટી મોટી વાતો કરનારો પુરુષ જ પોતાના ઘરની સ્ત્રીને સન્માન આપવામાં પાછળ છે, સ્ત્રી ને સન્માન હૃદયથી આપવાનું છે, ભલે મહિલા દિવસ નહીં ઉજવો તો ચાલશે પણ જો ખરા હૃદયથી એક સ્ત્રીનું સન્માન કરશો તો દરેક દિવસ સ્ત્રીને માટે મહિલા દિવસ જ છે.
સ્ત્રીનું સન્માન કરો, માત્ર વાતો થી નહિ દિલથી પણ આપવું જોઈએ. રસ્તે ચાલો ત્યારે સ્ત્રીને તમારી સામે જોઈ પોતાનો દુપટ્ટો કે પાલવ ના સરખો કરવો પડે એનું પણ ધ્યાન રાખો.. દરેક સ્ત્રીમાં એક શક્તિ છુપાયેલી છે, પણ સમાજના સંબંધો સાચવવા સ્ત્રી પોતાની શક્તિને બહાર નથી લાવતી એ વાતનું ધ્યાન રાખવું, સ્ત્રી સન્માન ની વાતો માત્ર કાગળ પર અથવા શબ્દોમાં નહિ એને દિલથી અભિવ્યક્ત થવા દો. જો દરેક પુરુષ દિલથી સ્ત્રીને ઈજ્જત આપવાનું નક્કી કરે તો ગામડાના ખૂણા થી લઈને શહેરની મધ્યમાં સ્ત્રી પોતાનું માથું ઊંચું રાખી અને ફરી શકશે.
या देवी सर्व भूतेषु
शक्ति रूपेण संस्थिता
नमस्तस्ये नमस्तस्ये
नमस्तस्ये नमो नमः ।
#નીરવ_પટેલ "શ્યામ"