ચાલુ પ્રાર્થનામાં આગલી હરોળમાં બેઠેલા પહેલા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ઘડીવારમાં એક આંખ હળવેથી ખોલી જોઈ લેતો...માથા પર હાથ ફેરવતો...નમસ્કાર મુદ્રામાં આંગળીઓ રમાડતો... કાન આગળ કનડતી માખીને હાથ ઉગામતો જોઈ શિક્ષકોની હરોળમાં બેઠેલા આચાર્ય જયનારાયણ સાહેબ પોતાના શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યા...શિસ્તના ચુસ્ત આગ્રહી એવા આચાર્યશ્રીને પોતાના બાળપણની આવી હરકતો સ્મરી જતાં હળવેથી હસી પડી પ્રાર્થના પછી પેલા વિદ્યાર્થીને પ્રેમથી થાબડતા ગયાં..!! જાણે પાષાણમાંથી પ્રેમરસનું ઝરણું ફૂટ્યું..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)