માતૃભાષા દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન કલેકટરશ્રીએ આગળ વક્તવ્ય ચલાવ્યું, " જ્યારે આપણા દેશમાં બધી જ તક છે તો વિદેશમાં જવા જરુર શી..? કોઈના ગુલામ બની જીવીને, આપણી માતૃભૂમિથી દૂર રહી શું મળવાનું..?" વચ્ચે મોબાઈલ રણકતા ફોન પર વાતે વળગ્યા, "હા બેટા, હ્યુસ્ટન પહોંચી ગયો..? તારા બોસ બોબને રીકવેસ્ટ કરાય ને કે તને એ જોબ આપે...રિમેમ્બર, ઇટ્સ ઓલ ઇન ડોલર્સ...આઈ'લ કોલ યુ લેટર..!" ફરી માતૃભૂમિ ના ઋણનું વક્તવ્ય અવિરત ચાલતું રહ્યું.
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)