કોઈક ખોવાયું છે! મારા બાળપણના મિત્રો... જેની સાથે હું ક્યારેક હું દિલ ખોલીને રમતી હતી. આડીઅવળી, અર્થ વગરની વાતો વિશ્વાસપૂર્વક કરી શકતી અને થપ્પો એમ કહીને એમને શોધવા માટે ગલી ગલી શોધી વળતી! મને યાદ આવે છે એ સાથે બેસીને હસવાનું, મોટા થઈને શું કરીશું એના સપના જોવાનું... મારું એ વખતનું સપનું શું હતું? કહું?
મમ્મી બનવાનું! તમને હસવું આવી ગયું ને પણ મારા એ મિત્રોને ત્યારે હસવું નહતું આવતું...ઉપરથી મને સલાહ આપતાં, એ નાના બાળકો મને બાળકોને સાચવવાની સલાહ આપતાં...એ મિત્રો ખોવાયા છે આજ! ફેસબુકમાં બધે શોધી વળી, ગામ પણ જઈ આવી જે મળ્યા એ ચહેરા અજાણ્યાં લાગ્યા... મારા મિત્રો, એ માસૂમ નાના બાળકો ક્યાંય ખોવાઈ ગયા. હજી લાગણીઓ એમની એવી જ છે પણ મિત્ર ખાતર કંઈ પણ કરી જવાનો જુસ્સો ઓટવાયો છે, કેમ કે એ હવે મોટા થઈ ગયા. સમજદાર થઈ ગયા. મારા નાના નાના અબૂધ, ભોળા મિત્રો ખોવાઈ ગયા...જેમની સાથે મળીને છીપલાં વીણીવીણીને ભેગા કર્યા હતા એ દોસ્તો ખોવાઈ ગયા અને છીપલાં રહી ગયા...એ સોનેરી દિવસોની મીઠી યાદ બનીને!!!
નિયતી કાપડિયા.