મને મનનો અવાજ સંભળાય છે
શાળામાં ભણતા બે જીગરજાન મિત્રો. સાથે હરવા-ફરવાનું, સાથે ખાવા-પીવાનું, સાથે નાચવા ગાવાનું. એક જ્યાં હાજર હોય ત્યાં બીજો હાજર હોય જ. શાળા પૂરી કરીને કૉલેજમાં જવાનું થયું અને બંને મિત્રો છૂટા પડ્યા. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ બંને વચ્ચેનું અંતર પણ વધવા લાગ્યું.
વર્ષો પછી બંને મિત્રો અચાનક ભેગા થઈ ગયા. એકબીજાને મળીને ખૂબ જ આનંદ થયો. બંને એકબીજાના જીવન વિષે જાણવા ઉત્સુક હતા. એક બગીચામાં ચાલતાં ચાલતાં બંને એકબીજાને શાળા પછીના જીવન વિષે વાતો કરવા લાગ્યા.
“શાળા પૂરી કરીને મેં કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એક પૈસાદાર બાપની દીકરી સાથે મારી ઓળખાણ થઈ. એની સાથે જ લગ્ન કરી લીધા. આજે ૪ ફેક્ટરીઓનો માલિક છું અને લાખો રૂપિયા કમાઉં છું.” બીજો મિત્ર ધ્યાનથી આ વાતો સાંભળી રહ્યો હતો. એ ખિસ્સામાંથી રૂમાલ કાઢવા ગયો તો એક સિક્કો પણ ખિસ્સામાંથી નીચે પડી ગયો. એને તો કંઈ ખબર જ નહોતી. એ મિત્રની વાત સાંભળવામાં મશગૂલ હતો પણ વાત કરી રહેલા મિત્રને સિક્કો પડવાનો અવાજ સંભળાયો એટલે એણે જોયું અને મિત્રનું ધ્યાન દોર્યું કે તારો સિક્કો નીચે પડી ગયો છે.
પેલા મિત્રએ સિક્કો ઉપાડીને ખિસ્સામાં મૂક્યો અને પોતાની વાત કરતા કહ્યું, “મેં કૉલેજ પૂરી કરીને શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી કારણ કે મને જીવંત બાળકો સાથે કામ કરવું ખૂબ ગમતું હતું. અત્યારે હું આ જ ગામની શાળામાં શિક્ષક તરીકેનું કામ કરું છું.” ઉદ્યોગપતિ મિત્ર તરત જ બોલ્યો, “ઓહ માય ગૉડ, આપણા બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે યાર, હું લાખો રૂપિયા કમાતો મોટો ઉદ્યોગપતિ અને તું સામાન્ય શિક્ષક.”
શિક્ષક મિત્ર પોતાના આ અમીર મિત્રને વાત કરતો અટાકાવીને કંઈક સાંભળવા લાગ્યો. બાજુમાં નાની ઝાળીમાં એક પતંગિયું ફસાયું હતું. શિક્ષકે એ પતંગિયાને ઝાળીમાંથી મુક્ત કર્યું અને બંને ફરીથી ચાલવા લાગ્યા. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું, “અરે યાર, આ નાના પતંગિયાનો અવાજ તને કેવી રીતે સંભળાયો ?”
શિક્ષકે જવાબ આપતા કહ્યું, “દોસ્ત, તને જેવી રીતે મારા સિક્કાનો અવાજ સંભળાયો હતો એવી રીતે મને આ પતંગિયાના કણસવાનો અવાજ સંભળાયો હતો. તું સાચો જ છે આપણી વચ્ચે બહુ મોટો તફાવત છે. તને ધનનો અવાજ સંભળાય છે અને મને મનનો અવાજ સંભળાય છે.”
માત્ર ધનનો જ અવાજ સાંભળાવા માટે ટેવાયેલા આપણા કાનને થોડો મનનો અવાજ સાંભળવાની પણ ટેવ પાડવી જેથી સમતોલ જીવનનો આનંદ લઈ શકાય.