કુછ પુરાની યાદે...
તમે તમારા જીવનસાથીને સૌ પહેલાં ક્યારે મળેલા?
મેં સૌરભ પહેલાં બે છોકરા જોયેલા...પણ એ વખતે મારું ભણવાનું ચાલું હતું અને લગ્ન કરવાની કોઈ ઈચ્છા ન હતી એટલે બાય બાય કહી દીધેલું. જ્યારે ઠરી ઠામ થઈ જવું છે એવું લાગ્યું ત્યારે સૌરભને જ સૌ પહેલા મળેલી.
જે દિવસે એ મને જોવા આવેલા ત્યારે ઘરેથી બહુ આનાકાની કરતા હતા, એમને હજી પરણવું ન હતું! મારા ઘરે આવ્યા, ચા નાસ્તો અપાઈ ગયો કોઈએ એકબીજા સામે જોયેલું નહિ અને થોડીવાર પછી અમે બંને એકલા બાજુવાળા રૂમમાં વાતો કરવા બેઠા... મેં તો એક જ સવાલ પૂછેલો,
“ભારતનો સ્કોર કેટલો થયો?"
એ દિવસે ભારતની મેચ હતી અને સૌરભ પહેલાં રૂમમાં બેઠા બેઠા વડીલોની વાતોને બદલે ક્રિકેટમાં જ ધ્યાન આપી રહેલા એ મેં જોયેલું..?
એતો મારા આ સવાલથી જ ખુશ થઈ ગયા. બીજી પંદર મિનિટ ક્રિકેટ ઉપર ચર્ચા ચાલી...! એમના પપ્પાએ કહેવડાવ્યું કે હવે નીકળીસુ? તો કહે દસ મિનિટ.
બીજી વીસ મિનિટ ગઈ? અમે વાતો કરતા રહ્યાં... એમણે મને પૂછેલું મારા શોખ વિશે, મેં કહેલું વાંચવું, લખવું, ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, મ્યુઝિક સાંભળવું અને ગીતો ગાવા!
એમણે પૂછેલું રસોઈ કરવાનું ગમે. મેં કહેલું કે હજી સુંધી કરતી નથી પણ જરૂર પડે એ પણ કરી લઈશ..!
ફરી કહેણ આવ્યું, તારે તો મોડું થતું હતું ને! ઘરેથી તો ઉતાવળ કરવાનું કહેતો હતો!
બસ, પાંચ મિનિટ! ?
મેં પણ મમરો મૂક્યો. બહુ ઉતાવળ હોય તો જાઓ..! મને કહે...ત્યારે ખબર નહતી કે હું તને જોવા આવી રહ્યો છું...! ચીલાચાલુ છોકરીઓ કરતા તારામાં કંઇક અલગ છે! શું? એ ખબર નથી પણ મને એ બહુ ગમ્યું! મને કહે તને કેવો છોકરો ગમે? મેં કહેલું હાલ તો પ્રિન્સ વિલીયમ મને બહુ જ ગમે છે! કેટલો મસ્ત લાગે છે...?
બીજી પંદર મિનિટ ગઈ. બધા વડીલો વાતો કરી કરીને અકળાયા...પછી મારો ભાઈ આવ્યો અને મને ઈશારો કર્યો કે એમને મોકલ હવે. હું તો મારા વડીલોની વાત તરત સમજી જાઉં... મેં એમને કહ્યું કે હાલ ઘરે જાઓ પછી વાત કરીશું. એ ગયા તો ખરા પણ પછી ફોનનો સિલસિલો ચાલુ થયો...
કલાકોના કલાક અમે વાતો કરતા...???
પછી અમે પરણી ગયા...?