શું હવે ફરિયાદ કરવી કે, દવા દેતાં નથી,
એ દશા છે કે એ દર્દો પણ, નવાં દેતાં નથી…
પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે, દુઃખ એ જ છે,
એ પીવા દેતાં નથી, એ ઢોળવા દેતાં નથી…
આ જમાનાના જુલમ, જગના સિતમ કોને કહું?
છે જીવન મારું છતાંયે, જીવવા દેતા નથી…
હોત એ કંટક કે પથ્થર, તો હટાવી દેત હું,
મંઝિલે મારા જ સાથી, પહોંચવા દેતા નથી…
જીંદગી જીવું છું એના, નામનો આધાર લઇ,
નામ પોતાનું મને જે, બોલવા દેતાં નથી…