વૃદ્ધાશ્રમ મારી દૃષ્ટિએ.....
કાલે એક વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી..
ખરેખર જીવન જીવું ત્યાં લાગ્યું, આંખોમાં રહેલા આંસુ ઓને ફ્રિઝરમાં જમાવી દેતા બરફની પેટે હૈયામાં ઠારવીને બેઠેલા એ વૃધ્ધોને મળી ખુબ આનંદ થયો. થોડો સમય એમની સાથે વિતાવ્યો, એમની સાથે વાતો કરવાનો ઘણો આંનદ આવ્યો, એક બીજાની મીઠી મશ્કરી કરતાં એ વૃધ્ધો કદાચ પોતાના ઘર કરતાં ઘણું આનંદમય જીવન ત્યાં વિતાવતા હોય એવું લાગ્યું.
હા, એમનો પરિવારથી એ તરછોડાયેલા છે એ વાતનો વસવસો એમને કાયમ રહેતો હશે, અને આવું જાણી ને લાગણીશીલ દરેક હૃદયમાં પીડા અનુભવાય, પરંતુ મને એક વાતનો આનંદ છે કે આ લોકો અહીંયા જીવન જેવું જીવે છે, બધા સમવયસ્ક સાથે મળી જે આંનદ કરતા હોય છે એ કદાચ પોતાના પરિવાર સાથે રહેતા એમને ના મળી શકતો, પોતાના દીકરા અને વહુના મહેણાં ટોના હવે એમને સાંભળવા પડતા નથી, અપમાનિત થવું પડતું નથી, સમયસર જમવાનું એમને મળી રહે છે, ઘડપણમાં એમને હવે એવું કામ પણ કરવું પડતું નથી જેનાથી શરીરને કષ્ટ થાય. સહેજ બીમાર થાય તો ત્યાંના એમના સાથી મિત્રો તરત દોડી આવે છે અને એમની સંભાળ લઇ લે છે, ડોક્ટર પણ તરત મળી જાય છે, પોતાનું શારીરિક દર્દ છુપાવવું પડતું નથી, હૈયું ખોલીને પોતાના દિલની વાત એ સહજતાથી પોતાના સાથી મિત્રો સાથે કરી શકે છે, બધું જ હવે સમયસર મળી રહે છે અહીંયા.
પોતાના દીકરાનો ચહેરો એમને જોવા મળતો નથી, પોતાના પૌત્રોનો ખીલખીલાટ એમને માણવા મળતો નથી, પણ હવે જે છે જ નહિ એનો વસવસો કરી ને શું ફાયદો ? જ્યાં છે ત્યાં એ મહદઅંશે ખુશ છે, અને જીવવનનો આ તબક્કો એમના માટે કદાચ સૌથી ઉત્તમ તબક્કો છે જ્યાં તે મનભરી ને જીવી શકે છે, કદાચ પોતાના ઘરમાં મળતી સુખ સગવડો કરતા બમણી સુવિધા એમને અહીંયા મળી રહે છે. કેટલાક વૃધ્ધો સાથે વાત કરતા એ પણ જાણવા મળ્યું કે તેઓ સ્વૈચ્છીક રીતે અહીંયા આવ્યા છે, પોતાના સમવયસ્કો સાથે જીવન વિતાવવાનો આનંદ જ કંઈક અલગ છે, અને મોટાભાગના ના વૃધ્ધોએ અહીંયા ખુબ જ ખુશ છે એવું દર્શાવ્યું.
એમની અંતિમ ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે તે પોતાનો દેહ જયારે વિલીન થાય એ જગ્યા પોતાનું વતન હોય તો સારું ......
ઘણું બધું લખી શકાય છે આ મુલાકાત ઉપર પણ કદાચ મારુ હૈયું મને રોકી લે છે કેટલીક બાબતો કંડારતા. પણ વૃદ્ધાશ્રમમાં એ લોકો ખુશ છે એનો આનંદ લૂંટવાની એક અનેરી મઝા આવી અને હવે સમયમળે હું મારો મોટાભાગનો સમય ત્યાં વિતાવવાનો પ્રયત્ન કરીશ...મારી મોટાભાગની ધારણાઓ વૃદ્ધાશ્રમ માટેની આજે ખોટી પડતી જણાઈ..
- નીરવ પટેલ 'શ્યામ'