પ્રશ્નનાં ઉત્તર ખુલાસાવાર આપીને જશું
જલ કમલવત જીવવાનો સાર આપીને જશું
ઝંખના છે જેમનાં હૈયે કશુંક પામી જવા
એમને નક્કરપણે અણસાર આપીને જશું
કોઇનાં હોવા ન હોવાનો જગતને શું ફરક ?
પણ,ફરક જેવું ય ભારોભાર આપીને જશું
કોઇનો કાયમ નથી હોતો ઈજારો ક્યાંય,પણ
હો અબાધિત એટલો અધિકાર આપીને જશું
હદ વળોટે એ બધું સાબિત થવાનું જોખમી
અનુભવેલાં સત્યનો ચિતાર આપીને જશું
નહીં વદી નહીં બાદ-વત્તા,શૂન્ય શું ભાગે ગુણે !
જેમ છે બસ એમ આ સંસાર આપીને જશું