વાર્તા ૪: બ્લુ ટિક
તેણે પૂછ્યું હતું, "શું આપણે બધું ભૂલીને ફરી એકવાર શરૂ કરી શકીએ?"
સામેથી કોઈ જવાબ ન આવ્યો, પણ મેસેજ પર બે વાદળી લીટીઓ—'બ્લુ ટિક'—ચમકી ગઈ. એ વાદળી લીટીઓ કોઈ ધારદાર હથિયાર જેવી લાગતી હતી. મેસેજ વંચાઈ ગયો હતો, પણ સ્વીકારાયો નહોતો. સાહિલ પાછલા બે કલાકથી એ સ્ક્રીનને તાકી રહ્યો હતો, જાણે પેલી વાદળી લીટીઓ હમણાં કંઈક બોલશે.
પહેલાના સમયમાં લોકો પત્રોના જવાબ ન આપીને મૌન જાળવતા, આજે લોકો મેસેજ વાંચીને 'સીન' (Seen) છોડી દે છે. આ આધુનિક મૌન છે, જે કોઈપણ ચીસ કરતાં વધુ જોરથી વાગે છે. બ્લુ ટિકનો અર્થ હવે માત્ર 'મેસેજ વંચાઈ ગયો' એવો નથી રહ્યો, પણ એનો અર્થ છે કે—"તમારી લાગણી મારી સામે આવી તો ખરી, પણ મને એમાં કોઈ રસ નથી."
મોડી રાત્રે સાહિલને સમજાયું કે જે સંબંધમાં શબ્દોની કિંમત ઘટી જાય, ત્યાં વાદળી લીટીઓનો અર્થ શોધવો નકામો છે. મૌન જ્યારે ડિજિટલ બને ને, ત્યારે એ અવાજ કરતાં પણ વધુ વસમું લાગે છે. જે વ્યક્તિ આપણને 'Reply' આપવા જેટલો સમય પણ ફાળવી શકતી નથી, તેની પાસે જિંદગી માંગવી એ આપણી જ જાતનું અપમાન છે.
તેણે ચેટ ક્લિયર કરી અને ફોન ઊંધો મૂકી દીધો. ક્યારેક 'બ્લુ ટિક' એ મેસેજ વંચાયાની સાબિતી નથી હોતી, પણ એક એવો પૂર્ણવિરામ હોય છે જે આપણને આગળ વધવાનો સંકેત આપે છે.
લેખિકા
માનસી દેસાઈ શાસ્ત્રી
અનકહી કોફી