Quotes by Parth Gajera in Bitesapp read free

Parth Gajera

Parth Gajera Matrubharti Verified

@parthgajera
(107)

મનનાં મનામણા અશ્રુઓનાં ઉંબરે તે વળી કેવા?
મીંચાઈ ગયેલી આંખોને પાંપણનાં મિજાગરા શું લેવા?

વલોવાતા મસ્તિષ્કને ઝંખનાઓના આસ્વાદ તે વળી કેવા?
અજંપા સી નીંદરે દિવાસ્વપ્નનાં આવેગો શું લેવા?

લાગણીઓનાં ઘોડાપૂર તણાતી રહેતી ભ્રમરોમાં તે વળી કેવા?
રચાતી વીખાતી રેખાઓને લલાટનાં અભરખાં શું લેવા?

વહેતા ભાદ્રપદ આસોને ખંજનોનાં અવરોધ તે વળી કેવા?
મૌનનાં મેદાને રમાતી રમતનાં ગુનેગાર ઓષ્ઠ શું લેવા?

-'ક્ષિતિજ' પાર્થ ગજેરા

Read More

ટૂંકી વાત:

'ચાલ ઉભી થા હવે! દર વખતે તો આખું ઘર માથે લેતી હોય છો ગરબે રમવા માટે અને આ વખતે પથારીમાંથી હલતી નથી.' મા પોતાની દીકરીને હચમચાવતા બોલી.
ઘોંટાઈ ગયેલા અવાજમાં દીકરી બોલી, 'તમે જાવ! મારે નથી આવવું'
'શું થયું છે રાજકુમારીને? આ શું નવા નખરા આદર્યા છે? નવા ચણીયાચોળી માટે તો કોઈ નાટક નથી આદર્યા ને?
'ના! હજુ હમણાં જ અઠવાડિયા પહેલા નવા ચણીયાચોળી ખરીદ્યા છે એણે.'
'તો?' પછી બાપ પોતાની દીકરી સામે લાલ આંખ કરી બોલ્યો, 'હવે તમે કાંઈ બોલશો મેડમ કે મોઢામાં મગ ભર્યા છે?'
'મારી તબિયત સારી નથી. મારે નથી આવવું' એ માંડમાંડ એટલું બોલી શકી અને એનાથી ડૂસકું ભરાઈ ગયું.
'શું થયું છે બેટા તને?' પછી કપાળ પર પોતાનો હાથ રાખી બોલ્યા, 'કપાળ થોડું ગરમ છે, તાવ જેવું લાગે છે.' 'લાઉં, મીઠાવાળા પાણીનાં પોતા મૂકી દઉં?' મા ચિંતાતુર સ્વરે બોલી.
'ના! મારે કાંઈ જરૂર નથી.' અને પોતાની માનો હાથ ફગાવતા ગુસ્સામાં બોલી,'કેટલી વાર કહ્યું, તમે જાવ અને મને એકલી મૂકી દ્યો'
દીકરીની આ હરકત જોઈ મા કોઈ હાવભાવ આપે એ પહેલા બાપે એક તમાચો જડી દીધો.
'આ સાંભળવા મોટી કરી છે તને? આવું વર્તન કરીશ તું અમારી સાથે?' 'સાચું કહેતી હતી મારી મા! તને તો જન્મવા જ દેવાની જરૂર નહોતી! ગર્ભમાં જ મારી નાખી હોત તો સારું હતું.'
'તો મારી નાખવી હતી ને... હું આ નર્કાગારમાંથી તો બચી ગઈ હોત.' તે માંડ માંડ હિંમત જોડી એટલું બોલી શકી.
પોતાની દીકરીનું આવું વર્તન જોઈ મા ડઘાઈ ગઈ, એને કાંઈક અજુગતું થયું હોવાનો ભાસ થયો. એણે માથા પર વ્હાલથી હાથ ફેરવતા પૂછ્યું, 'બેટા! શું થયું છે તને? કોઈ વઢયું? ઓફિસમાં કોઈ કાંઈ બોલ્યું?'
દીકરી માનાં સ્નેહનાં ધસમસતા પ્રવાહ પાસે લાગણીઓનો બંધ વધુ વખત સુધી ટકાવી ન શકી અને પોતાની સાથે ઓફિસમાં થયેલ દુર્ઘટનાની શબ્દેશબ્દ આપવીતી કહી સંભળાવી.
મા તો આ સાંભળી બેશુદ્ધ થઈ ઢળી પડી, પિતા પણ બાજુમાં પડેલી ખાટનાં ટેકે બચી રહ્યો. પોતાના ભવા તાણી પછી દીકરી સામે જોઈ બોલ્યો, 'જો! જે થવાનું હતું તે થઈ ગયું; હવે આ બધું કોઈનાં મોઢે બકીશ નહિ, નહીં તો આખા સમાજમાં બદનામી થશે અને આ દિવેલ જેવું મોઢું રાખીને બેસતી નહીં. નહીં તો આખા ગામને ખબર પાડીશ '
તાજી ભાનમાં આવેલી મા બોલી,' હા બેટા!બધું સારાવાના થઈ જશે! તું આ બધું ભૂલી જા! તારા માટે છોકરા જોવાનું ચાલુ છે અને આ બધું કોઈને ખબર પડી તો નાહક ગામમાં વાતું થશે અને કોઈ છોકરો હા નહીં પાડે.'
દીકરી પોતાના મા બાપનાં આવા હીચકારા વર્તન સામે જોઈ રહી. પોતાની સાથે થયેલ વર્તન પર પોતાની પર દયા ખાઈ રહેલી એ હવે મા બાપની વિચારસરણી પર દયા ખાવા લાગી અને આમ જ એક કિસ્સો વણકહ્યો રહી ગયો; જે ઉજાગર થવા સમયની આંટીઘૂંટીમાં અંતરાઈ ગયો....

-'ક્ષિતિજ' પાર્થ ગજેરા

Read More