Quotes by MAYUR ANUVADIA in Bitesapp read free

MAYUR ANUVADIA

MAYUR ANUVADIA

@mayuranuvadia225341


આ શબ્દો કલમ શ્યાહી ને મારા આંસુઓ નથી તથાકથિત
એ બધું જ છે મારા અતિતમાંની તારી હાજરીને સબંધિત

#સંબંધિત

એક ડુંસકો અંદરથી કૈંક એવો સંભળાયો
કે આંખોએ હેબતાઈને પૂછી લીધું શું થયું ?
ત્યારે મૌન હ્ર્દયને કાને હળવેકથી ટહુક્યું ને
હ્રદયે સાંત્વના આપી કે આંસુનો જન્મ થયો.

સંવેદનાનાં વાદળો ઉર્મીનાં નીરેથી લાગણીઓ
ભરી ઉડીને ગયાં’તાં છેક ઈચ્છાઓનાં આભે ને
અચાનક સંતાપની લૂ થી થયો કૈં ચોમેર ઉકળાટ
ત્યાં જ શબ્દો વરસી ગયાં ને કલમનો જન્મ થયો.

– Mayur Anuvadia (આસક્ત)

#જન્મ

Read More

પિડાંઓ જન્મે સતત ત્યારે ઘટના એવી કો’ ઘટાય છે
દર્દ જ બની જાય દવા, ને કલમનું અવતરણ થાય છે

– Mayur Anuvadia (આસક્ત)

#જન્મ

Read More

અસહ્ય વેદનાં સહે સ્ત્રી ત્યારે બાળકનો જન્મ થાય છે
એ શૈશવની કિલ્કારમાં જ, “માં”નું અવતરણ થાય છે

પેટે પાટા બાંધી જ્યારે એ સઘળાં દુઃખ સહી જાય છે
ને તેં છતાં વરસો સુધી કેમ નવાં દુઃખ રોજ જન્માય છે

રડી લેતી એ છાસવારે એવું કહી એ કેમ વગોવાય છે?
નથી પૂછતું કો’ કદી શું સ્ત્રીથી કદી નિજ સ્વાર્થ રડાય છે

ઈચ્છાઓ સઘળી ધરબી ભિતર આયખું વીતી જાય છે
ને છતાં એને હ્રદય રોજ દર્દ કેટલાં નવાં કેમ જનમાય છે

– Mayur Anuvadia (આસક્ત)

#જન્મ

Read More

સર્જનહાર #કાવ્યોત્સવ૨ #kavyotasav2 .0

સિંદુરી સમ આ સૂરજ સાથે ઉષા કિરણથી આપે સવાર
કુંકુ વર્ણી સંધ્યા લઈને આપે તું અનેરી કોઈ મીઠી સાંજ
હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

વર્ષાની પહેલી બૂંદે કૂંપળ ફૂટતી ને વસંતે ખીલે પ્રકૃતિ અપાર
હૈયે માનવનાં ય કૂંપળ લાગણીની ફોડી તું ખીલવે તારો પ્યાર
હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

આપ્યાં તે નીર સાગર વન ઉપવન ને ઉપર આ ઓઢણ આકાશ
ક્ષિતિજની ક્યાં કોઈ રેખા મળતી ક્યાં મળતો પ્રકૃતિનો રે વ્યાપ
હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

હૈયું માનવનું જાણે સુંદરવન ને વળી કસ્તુરી સમ તેં આપ્યું મન
માયા ય તારી એટલી જ વિશાળ ન જાણતો માનવ એને લગાર
હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

આપ્યું અઢળક તે થઈ દાતાર માંગ્યું કદી ન એનું વળતર લગાર
અમુલક આપ્યો માનવ દેહ મૃગજળમાં “આસક્ત” થયો લાચાર
હે સર્જનહાર કઈ રીતે માનું તારો આભાર ..!!

Read More

#કાવ્યોત્સવ૨ #kavyotsav 2.0

આસ્તિક કે નાસ્તિક

ઠેર ઠેર આજ તારા મંદિરે મેં લોકો કૈંક ધાર્મિક જોયા છે
સમય રૂપી ખાંડા કેરી ધારે, હા એમને બટકતા જોયા છે

ક્ષણમાં મણનું જીવે ને જીવાડે, મેં એવા માણસ જોયા છે
શાબ્દિક નહિં ચરિત્ર ઉપદેશ આપે એવા માણસ જોયા છે

આયખું ખૂટે આખું દુઃખમાં ન ડગે એવા આસ્તિક જોયા છે
સ્વ સ્વાર્થે તારા ય સરનામા બદલે એવા આસ્તિક જોયા છે

આડંબરના ઓછાયે કૈંક ઉભરીને ભૂંસાતા સ્વસ્તિક જોયા છે
પરોપકારે શ્વાસ ખર્ચતા હો જે એવા ય મેં આસ્તિક જોયા છે

ધર્મ ઉપદેશ ગ્રંથમાં જ્ઞાની નહિં તો ય સંત સ્વરૂપે રામ જોયા છે
ટુકડે હરિને ઢૂકડો લાવે એવા અહિં જલારામ પૂજાતા જોયા છે

મેરુ ડગે પણ મન ના ડગે એ ગંગાસતી સ્મરાતા અહિં જોયા છે
માથાના વાળ જેટલાં પાપો પસ્તાવે ધોઈ પીર થૈ પૂજાતા જોયા છે

આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા ન જાણે અહિં “ આસક્ત ”
નાસ્તિકતાની ચરમ સીમાએ ઉભરતાં જ્યાં આસ્તિક જોયા છે

– Mayur Anuvadia (આસક્ત)

Read More

#લાગણી #કાવ્યોત્સવ૨ #કાવ્યોત્સવ ૨.0 #Kavyotsav 2.0

છે કૂંપળ કુમળી, કે જાણે કોઈ ફણગો થયો
અતિતને વાગોળતાં હા હું હવે અડધો થયો

મૌન રણક્યું કલમે ને કૈં શબ્દનો પડઘો થયો
શ્વાસના આવાગમનમાં પ્રાણવાયુ ફરતો થયો

દર્દ મારાં ઊભર્યા જેને મલમ કરી ઘસતો થયો
કલમની કંડોરણીમાં જ હું દર્દમાં હસતો થયો

સંબંધોના બારણે કો’ મહેમાન આ આવતો થયો
મનનું કમાડ ઉઘાડ્યું મેં ને સ્વાર્થ નો શિરસ્તો થયો

કાળઝાળ હો ગરમી ભલે આ સૂરજ કયાં નમતો થયો
થાય બદનામ સૂરજ ને માણસ માણસથી બળતો થયો

માણસાઈની હાટડીએ આ માણસ સસ્તો થયો
લાગણી વિનાનો માણસ, જીવતો જ મડદો થયો

લાગણીઓ ઉભારતાં કલમે હા હું હવે અડધો થયો
વાહ વાહ મળી આપની ને હા હું પાછો બમણો થયો

– Mayur Anuvadia (આસક્ત)

Read More

#કાવ્યોત્સવ૨

શી રીતે આંકશો અહિં મૂલ્ય, છે આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા
માંગી રહ્યા છે ધીરજ જો ને, કહે આપવામાં દેર ન કરતાં

છે શાખ અહિં ઈશ્વર ની કેવી ભકિત કરવાં મુહૂર્ત જોતાં
આપવા માટે ઓછું જ હમેંશ ને માંગવા માનતાઓ લેતાં

પ્રાર્થનાઓ સંભળાતી અંશે તારી કથાઓમાં લાખો શ્રોતા
ધૂપ દીવા ને નૈવૈધ બધે જ પણ માણસાઈ ના દીવા ઠરતાં

વ્રત ઉપવાસ હરખ ભેર થતાં ને દીનના બચ્ચાં ટુકડો રડતાં
કર્મ કરવા ને પાંગળા થતાં ને ફળ મેળવવા એ દોટ મૂકતાં

જોયાં છે તારા મદિરોમાં અહિં પ્હોરે પ્હોરે વાઘા બદલાતાં
આસ્તિક નાસ્તિક તું જાણે તને માનનારા તારું ક્યાં માનતા

જ્ઞાન ઉપદેશ છે દંભ આજે આ ગીતા સાર છે કોઈ માનતા?
ચરિત્ર ના વાઘા તો બદલ્યા, સ્વાર્થ નીકળતાં તને ય બદલતાં

દિલગીર ખરો એ વાતમાં, નહિં શોભતો આમ વર્ણન કરતાં
છું "આસક્ત" હું પણ કે યાદ કરું તને માત્ર તકલીફ પડતાં

– Mayur Anuvadia (આસક્ત)

Read More

કલમ કેરો સાથ લઈ હું શબ્દની સફર કરું
મિત્ર તું જો સાથ હો, હર દર્દને મલમ કરું

કાવ્યની કોઈ કેડીએ, હા તને હમસફર કરું
મિત્ર તું જો સાથ હો, દૂર સૈા તવ ઝખ્મ કરું

હો પડકાર પ્રારબ્ધના, હું હૈયે થોડી હામ ભરું
મિત્ર તું જો સાથ હો, સૈા પરિસ્થિતિ સમ કરું

હો કંટકો લાખ રાહે તો એ સર્વેને સહન કરું
મિત્ર તું જો સાથ હો, હર કંટકને હું પુષ્પ કરું

આ ખુશીઓને મુજથી બાર ગાંવનું અંતર ખરું
મિત્ર તું જો સાથ હો, ખુશીઓનું કો’ નગર કરું

વ્યથાના આવાગમનની પ્રથા બહુ પુરાણી છે
મિત્ર તું જો સાથ હો, એ ચિંતાની ચલમ કરું

જીવતાં રહેવાની આદત આ મારી તો પુરાણી છે
મિત્ર તું જો સાથ હો, મુજ હૈયાતિને જીવન કરું

વિધાતાના એ લેખને ક્યાં કદી કો’એ જાણ્યાં છે
મિત્ર તું જો સાથ હો, એ લેખને પણ ભરમ કરું

– Mayur Anuvadia (આસક્ત)

Read More

શું કહું એ કેવી અજબ જાણે કઈ વેળા હતી
હોઠ તો મારાં બંધ હતા ને મુખમાં પ્રાર્થના હતી

જોઈ રહ્યો હતો પ્રભુ હું તારી મુરત સામે હતી
સ્વાર્થ પણ મારો હતો કે હૃદયમાં કૈં પીડાં હતી

તારા મંદિરીયે પ્રભુ દરરોજ જ થતી આરતી હતી
પરંતુ એ વેળા ઝાલર મુજ આતમમાં વાગતી હતી

વર્ષોએ મળ્યાની શું એ મિત્ર વિરહની વેદના હતી
કે દુર્બળ કાયાએ કાંપતી રોમે રોમની દરિદ્રતા હતી

ને છતાં સ્વમાની પણે દાસ ભાવની ભક્તિ હતી
નિ:શબ્દ ભાવે મૌનમાં સુદામાની ય પ્રાર્થના હતી

કંઇક એવી જ અનુભૂતિ શું મુજને તેં આપી હતી
કે શ્રદ્ધા આસ્થાની હદ શું વ્હેમ શંકાએ માપી હતી

આમ તો પ્રભુ તુજ મંદિરે સળગતી ધૂપસળી રોજ હતી
શું કહું એ વેળા, એની સુંગંધ મુજ રોમ રોમે વ્યાપી હતી

– Mayur Anuvadia (આસક્ત)

Read More