Quotes by Manu v thakor in Bitesapp read free

Manu v thakor

Manu v thakor

@manuvthakor
(32)

યૌવનાનું ગીત /મનન


જોબન હવે ઝાલું તોય ઝાલ્યું ના રે'તું,
હૈયામાં છલકાતું, હોઠોમાં મલકાતું, આંખોમાં છાનું ના રે'તું.


ગુલાબી ગાલો પર વ્હાલ ફૂટ્યું વાસંતી ફાગણિયો રોમ રોમ ફોર્યો ;
મનગમતા સપનાનો ગૂંથેલો દોર મારા કાળજમાં કોડ ભરી મ્હોર્યો.

ભીતરમાં ભીડેલા બાંધ બધા તૂટીને, પ્રેમનું આ પૂર થયું વહેતું,
જોબન હવે ઝાલું તોય ઝાલ્યું ના રે'તું.

છેલછટાક થઈ હું આમ તેમ ફરતી ને ઘડી ઘડી આરસીમાં જોતી ;
કોઈ આમ અડકે ને ઓચિંતું થડકે ત્યાં જાણું હું મારામાં નો'તી.

સૈ રાત-દિ' રુદિયામાં એવું રણઝણતું કે ઊંઘું તોય ઊંઘવા ન દેતુ
જોબન હવે ઝાલું તોય ઝાલ્યું ના રેતું.

-મનુ.વી.ઠાકોર 'મનન'

Read More

ઉકળતો આવી ચડ્યો ઉનાળો
વરતાવશે ગરમીનો કેર કાળો

વિચારે ચડયું છે જુઓ પંખેરુ
ક્યાં જઈ હવે બનાવું માળો

વેરાન ભાસતો વગડો આખો
ભરવો પડશે અહીંથી ઉચાળો

સૂકાઈ ગઈ સૌ વૃક્ષોની ડાળો
ખીલ્યો છે તો ફક્ત ગરમાળો

તરસ છીપાવીશ જઇને ક્યાં?
સૂની થઈ ગઈ સરવર પાળો

- મનન

Read More

"સવાર"


ભીની સવાર
ફૂલો પર પથરાયેલ
ઝાકળબિંદુની
ગેરહાજરી પુરતી
વરસાદી છાંટ,
વૃક્ષોના પર્ણે પર્ણે
છવાયેલી લીલાશ
અને
મુજ ભીતર
ઉગી નીકળતી
એક આશ.......!
જેમાં
હોઇએ
તું અને હું
સાથ.

- મનુ.વી.ઠાકોર "મનન"

Read More

# માઇક્રોફિક્શન....

'મોભ'

વરસાદી પુર-હોનારતમાં પરીવારને બચાવવા જતો જુવાનજોધ દીકરો ગુમાવી બેસેલા વિધવા ડોશી, તેમજ દિકરાની પત્ની અને બાળકો.. ઊંડા શોકમાં ગરકાવ થઈ ઓશીયાળા બની બેઠા હતા, એવામાં જ તપાસણી અધિકારીના અવાજે શોકમગ્ન મૌનને તોડ્યું...."માજી, નુકસાનમાં ઘરનો મોભ તુટી પડ્યો છે, થોડી-ઘણી રાહત રકમ મળી જશે"
અધિકારી સામે જોઇ રહી એ સજળ આંખો જાણે કહી રહી હતી, "હા સાહેબ... હા, મારા ઘરનો મોભ તૂટી પડ્યો છે."

~મનુ.વી.ઠાકોર "મનન"

Read More

*''સુંદર સર્જન-દુનિયા''*

સુંદર મજાની કેવી દીઠી
કલરવ કેરી દુનિયા મીઠી

બાગ-બગીચે ફૂલો પરની
ઝાકળ જેવી જાત અદીઠી

આભ-ધરતી મળી ક્ષિતિજે
મિલન મધુરા કેવું કીજે

ટમકે ચાંદ-સૂરજને તારા
વાદળ-વર્ષા ચમકે વીજે

તરુ-ગિરિ ને પહાડ સંગે
ઝરણાં કેરા ગાન ગુંજે

મલકે મોસમ કેવી વસંતે
મોર, બપૈયા,કોયલ કુંજે

કેવી સુંદર ઇશ તણી'મનન'
અજબ-અનેરી રચના દીસે

- મનન
(મનુ.વી.ઠાકોર)

Read More