Nagar - 45 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 45

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

નગર - 45

નગર-૪૫

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- દેવધર તપસ્વી, શંકર મહારાજ અને નવનીતભાઇ ચૌહાણને લઇને નગરની લાઇબ્રેરીનાં હોલમાં આવે છે..... ઇશાન અને તેનાં સાથીઓ મારતી જીપે ટાઉનહોલ પહોંચે છે....નગરનો માહોલ ક્ષણ-પ્રતિક્ષણ વધુને વધુ ભયાવહ બનતો જાય છે....હવે આગળ વાંચો....)

કોઇ અદ્રશ્ય શક્તિ એલીઝાબેથને ઇશાન પાછળ જતાં રોકી રહી હતી. ઇશાનને તેનાં દાદાની ચિંતા હતી એટલે ઉતાવળમાં તે પહેલા માળની લાઇબ્રેરીવાળા દાદર ચઢી ગયો. તેને દોડતો જોઇ જયસીંહ અને આંચલ પણ તેની પાછળ દાદરો ચડયા હતાં. એલીઝાબેથને પણ ઇશાનની પાછળ જવું હતું પરંતુ તેનાં પગ જાણે ફર્શ સાથે ચોંટી ગયાં હોય તેમ તે ત્યાં જ ઉભી રહી ગઇ હતી. તેનાં મનમાં અજબ કશ્મકશ ઉદ્દભવી હતી. જાણે કોઇ તેને રીમોટથી સંચાલીત કરી રહયું હોય એવું તે અનુભવતી હતી.

તેના સિવાય નીચેના હોલમાં બીજા પણ થોડાં માણસો એકબાજુનાં ખૂણામાં ઉભા હતાં. તેઓ ડરેલા હતાં. કદાચ તેમણે પોતાનાં સમગ્ર જીવન દરમ્યાન આવું ભયાનક તોફાન કયારેય જોયું નહી હોય, આવો માહોલ કયારેય નિહાળ્યો નહી હોય. અચાનક ઉદ્દભવેલા વાવાઝોડાએ તેમની હિંમત ધ્વસ્ત કરી નાંખી હતી. હવે શું થશે તેની ફિકર તેઓનાં દિલમાં ફફડાટ પેદા કરતી હતી. પંદર-વીસ જણાનું નાનકડું એ ટોળું ફફડતા જીવે, અધ્ધર શ્વાસે આપસમાં વાતો કરતું ઉભુ હતું.

એલીઝાબેથે સરાસરી એક નજર તેમની ઉપર નાંખી અને પછી ત્યાં હોલમાં મુકાયેલી એક ખુરશીઓ તરફ કદમ ઉઠાવ્યાં.

***

લાઇબ્રરીનાં ખુલ્લા દરવાજામાંથી ઇશાન અંદર દાખલ થયો. અંદર આછો અંધકાર ફેલાયેલો હતો. અંધકારમાં ડૂબેલી લાઇબ્રરીનાં માહોલમાં એક પ્રકારની માયુસી પ્રસરેલી જણાતી હતી. હોલમાં પથરાયેલા એક મેજ પાસે ઇશાને તેનાં દાદાજીને ઉભેલા જોયા અને, તે દોડયો, દાદાજીની સાવ નજદીક જઇને તે ઉભો રહયો. દાદાને સહી-સલામત જોઇને તેનાં જીવમાં જીવ આવ્યો. “ દાદાજી....” કહેતો તે તેમને ભેટી પડયો. એ સમય દરમ્યાન જયસીંહ, આંચલ, મોન્ટુ, રોશન અને ડિકોસ્ટા ઇશાનની પાછળ દોડી આવ્યાં હતાં અને તેઓ ભાવભર્યું આ મિલન જોતાં ઉભા રહી ગયા હતાં. થોડીવાર બાદ ઇશાન તેનાં દાદાથી અળગો થયો.

“ દાદા....! આ શું છે બધુ....? તમે લોકો અહી ઉપર શું કામ આવ્યાં....? અત્યારે તો આપણે ઘરે જવું જોઇએ....” ઇશાન બોલ્યો. તેનાં શબ્દો તેને ખુદને જ ખોખલા જણાયાં.

“ અહી આવ....! આ તરફ....” ઇશાનની પૃચ્છાનો જવાબ આપવાનાં બદલે તેનાં દાદાએ તેને લાઇબ્રેરીની સામેની ભીંતે લટકતી ફોટોફ્રેમ તરફ ખેંચ્યો. તેઓ એ દિવાલ નજીક પહોંચ્યાં. ધુમ્મસની આછી પરત અહી પણ છવાયેલી હતી એટલે દિવાલે લટકતા ફોટો સ્પષ્ટ દેખાતા નહોતા, છતાં ઇશાનને ખ્યાલ હતો કે એ શેનાં ફોટો છે....!

“ આ ફોટો જો....!” તેમણે એક તરફની બાજુ હારબંધ લટકતા ફોટોફ્રેમ બતાવતાં કહયુ અને પછી બીજી તરફ લટકતાં ફોટો તરફ આગળી ચીંધી “ પછી એક નજર આ તરફનાં હોટોઝ ઉપર નાંખ....! બંને તરફનાં ચિત્રોમાં રહેલો ભેદ તને સ્પષ્ટ વર્તાશે.” તેઓ અટકયા અને ઇશાન તરફ ફર્યા. “ ઇશાન....તું સારી રીતે સમજે છે હું શું કહેવા માંગુ છું તે.....! નગરની સચ્ચાઇ સમક્ષ આપણે બધા અત્યારે રૂબરૂ થઇ રહયા છીએ. આ બંને બાજુનાં ચિત્રોમાં જે વિષમતા દેખાય છે એ જ નગરની હકીકત છે. આપણા બૂક્ષુર્ગોએ બહુ ક્રુરતાપૂર્વક આ પરીવર્તનને અંજામ આપ્યો હતો. જેનું પરીણામ અત્યારે આપણે ભોગવી રહયા છીએ. નગર ઉપર છવાયેલી આ મનહુસીયત કંઇ એમ જ નથી ત્રાટકી. તેનાં માટે આપણા બૂઝુર્ગોનાં ગુનાહીત કર્મો જવાબદાર છે....”

“ હાં....! આપણા બૂઝુર્ગોએ જે કર્મો કર્યા હતા. તેની ભરપાઇ કરવાની જવાબદારી આપણા ઉપર આવી છે. માં-બાપનાં કરેલા કર્મોનું પરીણામ તેમનાં સંતાનોએ....એટલે કે આપણે ભોગવવું પડશે....” શંકર મહારાજ વચ્ચે બોલી ઉઠયાં. તેઓ હજુ વધુ કંઇ બોલે એ પહેલા અત્યાર સુધી પાછળ ખામોશ ઉભેલા નવનીતભાઇ અચાનક તેમની નજીક ધસી આવ્યાં અને ગુસ્સા ભરેલા ઉંચા સાદે બોલ્યા....

“ આ શું બકવાસ માંડયો છે તમે લોકોએ....? હું નથી માનતો આવી દકીયાનુસી વાતોને....! કોઇ કયારેય પાછું નથી ફરતું... આપણા બૂઝુર્ગોએ તેમનાં ખૂન-પસીનાની મહેનતથી આ નગરને સમૃધ્ધ બનાવ્યું છે. તેમનાં યોગદાનને તમે લોકો ખોટી રીતે બિલકુલ મુલવી ન શકો. કોણજાણે કયાંથી તમારા મગજમાં આવા વિચારો ઉત્તપન્ન થાય છે....?”

“ નવનીત....! એ તારી આત્મવાંચ્છના છે. મેં તે દિવસે જ તને “ ના” પાડી હતી કે તું મૂર્તિ પ્રતિષ્ઠાનનો આઇડિયા માંડી વાળ. પણ નહી, તને બહું હરખ હતો ત્યારે આપણા બૂઝુર્ગોને સન્માનવાનો. જો એ દિવસે તે ખોટી જીદ ન કરી હોત તો આજે નગરમાં જે અનહોની ઘટનાઓ બની છે એ ન બની હોત. તારી એક ખોટી જીદે આજે નગરને બરબાદીનાં કગાર ઉપર લાવીને ખડું કરી દીધુ છે....!” દેવધર દાદાનો પુણ્ય-પ્રકોપ નવનીતભાઇ ઉપર ફાટી પડયો.

“ વોટ નોનસેન્સ....! આ બધી નરી કલ્પનાઓ છે. તમારા બધાનાં મનનો વહેમ છે...! ધુંવા-ફૂંવા થતા નવનીતભાઇ બોલ્યો..... આ વાતચીતથી અચાનક ત્યાંનો માહોલ ગરમ થઇ ઉઠયો હતો. “ કેવો બદલો....? કેવી વાપસી....? પાછલા થોડા દિવસોમાં નગરમાં જે ઘટનાઓ બની એ કુદરતી ઘટનાઓ હતી. તેમાં કોઇ અગોચર શક્તિઓનો હાથ નહોતો.”

“ તો પછી મારા એક સવાલનો જવાબ આપ...?”

“ પુછો....”

“ તે દિવસે ટ્રસ્ટની મિટિંગમાં આપણા વડવાઓને સન્માનવાનો, તેઓની મૂર્તિઓ ટાઉનહોલનાં પ્રાંગણમાં મુકવાનો નિર્ણય લેવાયો, આ ઘટનાઓ ત્યારબાદ જ કેમ ઘટી....? એકાએક એવું તો શું થયું કે નગર ઉપર મોત તાંડવ કરવા લાગ્યું.....? છે કોઇ જવાબ તારી પાસે....?”

“ નથી...! છતાં પણ તમારી બકવાસ વાતો હું સ્વીકારીશ નહી. આ બધું કુદરતી રીતે સર્જાયું છે.. અને થોડા સમયમાં આપમેળે બધુ ઠીક થઇ જશે..

બધા સ્તબ્ધ બનીને આ વાર્તાલાપ સાંભળી રહયા હતાં. દેવધર તપસ્વી અને નવનીતભાઇ ચૌહાણ ઉગ્રપણે સામ- સામી દલીલો પેશ કરતાં હતાં. લાઇબ્રેરીના આછા અંધકારભર્યા વાતાવરણમાં એ લોકો અજીબ લાગતાં હતાં. દિવાલે ટીંગાતી તસવીરોમાં એક તરફ સાવ બદહાલ સ્થિતી દર્શાવતી માછીમારોની એક નાનકડી બસ્તીની તસ્વીરો હતી અને તેની પડખે બાજુમાં સમૃધ્ધિથી છલોછલ થતું વિભૂતીનગર તાદ્રશ્ય થતું હતું, ત્યાં એકઠા થયેલા લોકો ઘડીક એ ચિત્રોને નિહાળતા હતા અને ઘડીક સામ-સામે થતી અજીબ પ્રકારની દલીલો સાંભળી રહયા હતાં. એ સિવાય લાઇબ્રેરીમાં અંધકારભર્યો સુનકાર હતો. ફોટાઓ ટિંગાડેલી દિવાલ સરસે મુકાયેલા ટેબલો ઉપર કાચનાં ખોખાઓની અંદર નગરની મીની રેપ્લીકાઓ હતી. એવા છ-સાત ટેબલ દિવાલ સરસા અને થોડા ટેબલ હોલની મધ્યમાં હતાં. સામે જ....હોલનાં દક્ષીણ છેડે લાઇબ્રેરીનું પુસ્તક લેવડ-દેવડનું કાઉન્ટર હતું. તેની ઉપર એક ટયૂબલાઇટ સળગતી હતી જેનો આછા લાંબા ટપકા જેવો પ્રકાશ ધુમ્મસનાં આવરણને ચીરી અહી સુધી પહોંચવાની વ્યર્થ કોશિષમાં લાગ્યો હતો.

દેવધર તપસ્વી અને નવનીતભાઇ ચૌહાણ વચ્ચે થતી દલીલોનાં કારણે ઘડીભર માટે તો બધા ભુલી ગયા હતાં કે તેવો કેવા માહોલમાં ઉભા છે. લાઇબ્રેરીનાં પળેપળ વધુ ખૌફનાક બનતાં જતાં વાતાવરણથી તેઓ બેખબર બન્યા હતાં. ફક્ત એક મોન્ટુની આંખો ચળક-વળક થઇ રહી હતી. તેને આ મોટેરાઓની વાતોમાં કંઇ ગતાગમ પડતી નહોતી. તેનું ધ્યાન એ લોકોની વાતોમાં નહી પરંતુ લાઇબ્રેરીમાં અચાનક જે ગતીવિધીઓ શરૂ થઇ હતી તેનાં ઉપર હતું. તેનું નાનકડું હ્રદય એ ગતીવિધીઓ નિહાળીને ફફડતું હતું.

“ ત્યાં કોઇ છે....!” તેણે આંચલનો જે હાથ પકડી રાખ્યો હતો એ ખેંચતા બોલ્યો અને લાઇબ્રેરી ખંડનાં દરવાજા તરફ આંગળી ચીંધી. આંચલે પહેલા મોન્ટુ સામે, અને પછી તેણે લંબાવેલા હાથની દિશીમાં નજર નાંખી, અને... તે થડકી ઉઠી.

લાઇબ્રેરીનાં મુખ્ય દરવાજા બહાર....દાદરની પરસાળમાં....ગહેરા ધુમ્મસની પાછળ.....ઘણાબધા લોકો એકસાથે ઉભા હોય એવું દ્રશ્યમાન થતુ હતું. આંચલ અને મોન્ટુનાં શરીરમાં એ દ્રશ્ય જોઇને ભયાનક આતંકનું એક મોજું ફરી વળ્યું. તેઓ પોતપોતાની જગ્યાએ ચોંટી ગયા અને સ્તબ્ધ બની ફાટી આંખે એ આકૃતિઓને જોઇ રહયા.

***

નગરનાં સમુદ્ર ઉપર અચાનક જ રૂ જેવા પોચા-પોચા ધુમ્મસનાં જથ્થાબંધ વાદળો ઉતરી આવ્યા. સમુદ્રમાં હિલોળાતા પાણીની લહેરોની જેમજ એ વાદળોનાં જથ્થાએ નગર ભળી ગતી કરી. કાળા ડિબાંગ વરસાદી વાદળો જેવી રીતે આકાશમાં પ્રકાશમાન સૂરજને પોતાની આગોશમાં સમાવી તેનાં તેજને ઢાંકી દે, એવી જ રીતે સમુદ્ર ઉપર ઉદ્દભવેલા વાદળો આખા સમુદ્રને ગળી જતાં હોય તેમ તેની લહેરોને પોતાનામાં સમાવી લીધી હતી. ધીમે-ધીમે એ વાદળોનાં સમુદ્રે નગરની રુખ લીધી.

ટાઉનહોલની લાઇબ્રેરીમાં દેવધર તપસ્વી અને નવનીતભાઇ ચૌહાણ વચ્ચે સામસામી દલીલબાજી ચાલતી હતી એવે સમયે એ વાદળો ટાઉનહોલનાં પરીસરમાં આવી પહોંચ્યા હતાં. કોઇ જંગી રોલર કોસ્ટરની જેમ જ વાદળો પરીસરનાં ખૂણે-ખૂણે ફરી વળ્યા અને પરીસરની ઇંચે-ઇંચ જગ્યાને પોતાનામાં સમાવી લીધી.

એક હેરતઅંગેજ ઘટના એ સમયે ઘટી. વાદળોનો હજૂમ પરીસરમાં ઉભેલી મૂર્તિઓ સુધી પહોંચ્યો હતો. વિભૂતીનગરનાં રચેયતા બૂઝુર્ગોની મૂર્તિઓ ઉપર એ વાદળો છવાયા અને કોઇએ જાણે એસીડનો વરસાદ વરસાવ્યો હોય એમ એ મૂર્તિઓ ગળવા લાગી. કાંસાની બનેલી મૂર્તિઓમાં એકાએક કાટ લાગવો શરૂ થયો. સૌથી પહેલા મૂર્તિઓનાં ચહેરા કાળા પડયાં. એકદમ જલદ એસીડ ભરેલો સ્પ્રે મોંઢા ઉપર છંટાયો હોય અને ચહેરાની મુલાયમ ચામડી જેવી રીતે તરડાય ...બળી જાય અને ચામડી ખેંચાઇને ગઠ્ઠો થઇ જાય.. બસ, એવી રીતે જ મૂર્તિઓનાં ચહેરા બિભત્સ બન્યાં. ભયાનક આગની ભઠ્ઠીમાં શેકાતા પાપડની માફક એ ચહેરાઓ શેકાયા અને કાળામેશ બની ગયા. એક પછી એક, ચારેય મૂર્તિઓની એકસરખી હાલત થઇ. ચહેરા બળ્યા બાદ આખુ શરીર બળવું, કટાવું શરૂ થયું. જોતજોતામાં તો નગરનાં સ્થાપિત વ્યક્તિઓની મૂર્તિઓ ડરામણી બની ગઇ. કાંસુ પીગળવાથી તેનાં રગેડાઓ જમીન ઉપર ટીપા સ્વરૂપે પડવા લાગ્યા. મૂર્તિઓનો નાક-નક્શો એકબીજામાં ભળી ગયો હતો અને એક ભયાનક દ્રશ્ય સર્જાયું. એક તરફ વાતાવરણમાં છવાયેલો ઘોર અંધકાર....અને બીજી તરફ ધીમે-ધીમે પીઘળતી ચાર-ચાર મૂર્તિઓ. કાચા-પોચા હ્રદયનો કોઇ માનવી અચાનક જો ત્યાં આવી ચડયો હોય તો ત્યાં ને ત્યાંજ આવું ખૌફનાક દ્રશ્ય જોઇને તેનું હ્રદય બંધ પડી જાત અને હાર્ટએટેકથી તે મરી જાય. ધુમ્મસની ચાદર હેઠળ છુપાયેલી શક્તિઓ ક્રુરતાથી પોતાનો બદલો લઇ રહી હતી. આ ચારેય માનવીઓ તેમને કયારેય જીવીત મળવાની નહોતી એટલે તેમની મૂર્તિઓ ઉપર પોતાનો ક્રોધ પુરેપુરો ઠાલવી દીધો. તે એક અભૂતપૂર્વ અને ડરામણુ દ્રશ્ય હતું. આ સીલસીલો લગભગ દસ મીનીટ સુધી ચાલ્યો હશે. દસ મીનીટની અંદર એ શક્તિઓએ મૂર્તિઓને તહેસ-નહેસ કરી નાંખી. કોઇ જુએ તેનું હ્રદય એક વખત તો જરૂર થડકી ઉઠે. પોતાની અંદર ધધકતી બદલાની ભાવનાને એ મૂર્તિઓ ઉપર ઠાલવ્યા બાદ ધુમ્મસનો ગોટ ટાઉનહોલનાં બિલ્ડિંગ તરફ આગળ વધ્યો અને લાઇબ્રેરી ખંડનાં દરવાજે આવીને અટકયો.

***

“ ત્યાં કોઇક છે....” મોન્ટુનો અવાજ સાંભળીને બધાએ દરવાજાની દિશામાં જોયું અને એ દ્રશ્ય જોઇને સ્તબ્ધ બની ઉભા રહી ગયાં. ધુમ્મસના ગહેરા પર્ત વચ્ચે પહેલાં તો કંઇ દેખાયું નહી પરંતુ ધીમે-ધીમે દરવાજા બહાર ઉભલા લોકોમાંથી સૌથી આગળ જે વ્યક્તિ ઉભો હતો એ લાઇબ્રેરી તરફ આગળ વધી અંદર લાઇબ્રેરીમાં આવ્યો ત્યારે બધાનાં કાળજા બેતહાશા ડરથી ફાટી પડયાં.

ધુમ્મસનું આવરણ ચીરતો એ શખ્સ લાંબા-લાંબા ડગલા ભરતો લાઇબ્રેરી ખંડમાં દાખલ થયો. તેણે માથે પહેરેલી ટોપી નીચેનાં લાંબા વાંકડીયા વાળ હવામાં લહેરાઇ એક અલગ જ આભા ફેલાવતા હતાં. તેનાં હાથમાં ઉમરાવ રાખે તેવી સીંહનાં મુખાકૃતિ વાળી છડી હતી જે ચાલતી વખતે ફર્શ ઉપર તે જોર-જોરથી પછાડતો હતો. “ ધમ...ધમ...ધમ...ધમ...ધમ...” ચાલતી વખતે થતો તેનાં ભારેખમ બુટનો અવાજ ત્યાંનાં વાતાવરણમાં ભયાનકતા વધારી રહયા હતાં. તે “ એલીઝાબેથ ડેન” નો કપ્તાન વિલીમર ડેન હતો. તેનો ચહેરો ભયાવહ હતો. બાકીનું આખુ શરીર મોટા ડગલા નીચે છુપાયેલું હતું. તેની આંખોમાં પ્રતિશોધની આગ સળગતી હતી અને ચહેરા ઉપર ભયાનક ક્રોધ છવાયેલો હતો. ધુમ્મસનાં આવરણ હેઠળ તેનો દેહ સંપૂર્ણપણે સફેદ હોય એવું લાગતું હતું. કોઇ કંઇ વિચારે એ પહેલા તો તે લગભગ ઉડતો જ આવતો હોય એટલી તેજ ગતીથી ચાલતો એ બધાની નજદીક પહોંચ્યો અને ઉભો રહયો.

લાઇબ્રેરીમાં ઘડીભર માટે સન્નાટો પ્રસરી ગયો. ઇશાન અને બીજા બધા લોકો ફાટી આંખે તેની સામે ઉભેલા એક પ્રેતાત્માને જોઇ રહયાં. જેનાં વિશે આજ સુધી તેઓએ માત્ર અટકળો લગાવી હતી કે નગરમાં જે અનહોની ઘટનાઓ બની રહી છે તેની પાછળ કોઇ ભૂત-પ્રેત જેવી અગોચર શક્તિઓનો હાથ છે એ પ્રેતાત્મા અત્યારે તેમની નજરો સમક્ષ ખડુ હતું. ભયાનક ડરથી બધાનાં હ્રદય ભારે વેગથી ધડકતા હતા. ડરનાં માર્યા જાણે એ તમામની વાચા હણાઇ ગઇ હોય એમ તેઓ ખુલ્લા મોંઢે....ફાટી આંખોએ વિલીમર ડેનનાં ભયાનક ચહેરાને જોઇ રહયા અને વિલીમર ડેન....! તેનાં મોંઢામાંથી કોઇ હાંફતા પશુ જેવો “ હ....હ...હ...હ...” અવાજ નીકળતો હતો. આંખોનાં ગોખલામાંથી અંગારા વરસતા હતાં. ખવાઇ ગયેલા હોઠો વચ્ચે દેખાતાં ધોળાફક દાંત કચકચતા હતાં. તેનાં ગળાની તરડાયેલી ચામડી અંદર હાડકાનો હડીયો ઉંચો-નીચો થતો હતો. એ ભયાનક અને ચીતરી ચડે એવું દ્રશ્ય હતું. તેનાં ગાલની ચામડી હેઠેથી સફેદ ચરબી બહાર દેખાતી હતી અને ધધકતી આગ ઉપર શેકાતા માંસનાં ટુકડાની જેમ એ સફેદ ચરબી ઓગળીને તેનાં રગેડા નીચે રેલાતા હતાં. તેનાં ચહેરામાં સૌથી વધારે ભયાનક તેની આંખો હતી....એ આંખોમાં જનમો-જનમનું ખુન્નસ તરતું હતું. તેની આંખો, અને હવામાં ઉડતા તેનાં વાંકડીયા વાળ... એક અજીબ ખતરનાક, ડરામણો માહોલ સર્જતા હતાં. વિલીમર મજબુત બાંધાનો ઉંચો ખડતલ માણસ હતો. એક સમુદ્રી ખલાસીનું હોવું જોઇએ એવુંજ શરીર તેનું હતું. એ શરીરમાં કોઇ કાળે અસીમ તાકત ધરબાયેલી હશે એવું સ્પષ્ટ દેખાતું હતું. નાનકડો મોન્ટુ તો તેને જોઇનેજ ડરી ગયો હતો અને આંચલની સોડમાં લપાઇ ગયો હતો. ત્યાં હતાં એ તમામનાં હાજા ગગડી ગયા હતાં અને તેમના જીગરમાં આંતકનું સામ્રાજ્ય છવાયુ હતું.

બે ક્ષણ....માત્ર બે ક્ષણ પછી એકસાથે બધાને પરિસ્થિતીનું ભાન થયું. પોતાનો બદલો વાળવા આવેલો એક પ્રેતાત્મા તેમની નજરો સામે ઉભો હતો. અને... સૌથી પહેલા આંચલ ચિખતી-ચિલ્લાતી મોન્ટુને તેડીને ત્યાંથી ભાગી. તે ભાગી એ સાથે જ લાઇબ્રેરીનો મુખ્ય દરવાજો “ધદામ” કરતો આપમેળે બંધ થઇ ગયો. હવે કોઇ એ દરવાજેથી બહાર નીકળી શકે તેમ નહોતું. બધા લાઇબ્રેરીનાં આ કમરામાં કેદ થઇ ચુકયાં હતાં. એ જોઇને વિલીમર ડેને ભલભલાનાં છાતીનાં પાટીયા બેસી જાય એવું અટ્ટહાસ્ય કર્યું.

ખૌફથી વિસ્ફારીત થયેલી આંખો ચળક-વળક ઘુમાવતી આંચલ દોડીને લાઇબ્રેરીનાં રીસેપ્શન કાઉન્ટર પાછળ ભરાઇ. ઇશાન પણ એ તરફ દોડયો હતો પરંતુ અડધે પહોંચીને તે ઉભો રહી ગયો. તેનાં ઉભા રહી જવાનું કારણ તેનાં દાદા હતાં. તેઓ હજુપણ ત્યાંજ વિલીમરડેનનાં પ્રેતાત્મા સમક્ષ ઉભા હતાં. શંકર મહારાજ પણ દેવધર તપસ્વીનો સાથ આપતા હોય એમ ત્યાં ઉભા રહી ગયા હતાં. નવનીતભાઇ ચૌહાણ ભાગીને એક મોટા ટેબલ પાછળ ભરાયા અને તેમની પાછળ-પાછળ રોશન અને પિટર ડિકોસ્ટા પણ આવ્યા હતાં. એ ત્રણેય કાચનાં ખોખા મુકેલા એક ટેબલ પાછળ સંતાયા.

“ ખૂન કા બદલા ખૂન...! ખૂન કા બદલા ખૂન....!” વિલીમરનાં મોં માંથી પ્રચંડ અવાજે શબ્દો સર્યા.. અને તે લાંબી ફલાંગ ભરીને એકદમજ દેવધર તપસ્વીનાં ચહેરા સમક્ષ ખડો થઇ ગયો. તેની અંગારા વરસાવતી આંખો દેવધર તપસ્વીને દઝાડતી હતી. “ ખૂન કા બદલા ખૂન....”

( કર્મશઃ )