Nagar - 2 in Gujarati Adventure Stories by Praveen Pithadiya books and stories PDF | નગર - 2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

નગર - 2

નગર-૨

“ નગર “-એક અનોખી કહાની. આ કહાની છે દક્ષીણ ગુજરાતનાં એક અતિ સમ્રૃદ્ધ શહેર વિભૂતી નગરની....વિભૂતી નગરમાં ઘટતી અસામાન્ય ઘટનાઓની. વર્ષો પહેલા ભૂતકાળમાં કઇંક એવુ બન્યુ હતુ જેનો ઓછાયો અત્યારે વર્તમાનમાં કાળ બનીને નગર ઉપર ત્રાટકે છે. શું નગરવાસીઓ તેનો સામનો કરી શકશે...? કે પછી વિભૂતી નગર રાખમાં ભળી જશે...? સવાલો ઘણાં છે...અને તેના જવાબો આ કહાનીમાં છુપાયેલા છે. તો તૈયાર થઇ જાઓ એક હાડ ધ્રૂજવતી હોરર સસ્પેન્સ થ્રિલર માટે......

લેખક તરફથીઃ-

નમસ્કાર મિત્રો...”નો રીટર્ન“...”નસીબ“ અને “અંજામ“ બાદ આ મારી ચોથી નવલકથા છે. “નગર” આ પણ મારા જોનરની કહાની છે. હાં...આ વખતે થોડી ડરામણી વાતો પણ આવશે છતાં મને લાગે છે કે વાંચકોને તે ગમશે. રહસ્ય, રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલ, ગજબનાક ઉતાર-ચડાવ..આવી બાબતો મને હંમેશા આકર્ષતી રહી છે. અને એટલેજ કદાચ હું એવું લખી શકતો હોઇશ.

સાચુ કહું તો મને મારા વાચકમિત્રોએ ખૂલ્લા દિલે આવકાર્યો છે...સ્વિકાર્યો છે. મને પણ ક્યારેક આશ્વર્ય થાય છે કે આ કોઇ સ્વપ્ન તો નથીને...! “અંજામ” બાદ મારા મિત્રો જે આતુરતાથી નવી નવલકથાનો ઇંતેજાર કરી રહ્યાં છે તેણે મારા જુસ્સાને ઓર વધારી મુક્યો છે. મારી જવાબદારીઓ તેથી વધી ગઇ છે. હું વધુ સજાગ બન્યો છું....! જો કે મારો સબજેક્ટ પણ એવો છે કે મારે સજાગ રહેવુંજ પડે....સસ્પન્સ થ્રિલરમાં તમે કોઇપણ બાબતને અધૂરી ક્યારેય ન છોડી શકો. જે ઘટના પહેલે પાનેથી શરૂ થઇ હોય એ ઘટનાને કહાનીના છેલ્લાં પાના સુધી તમારે જાળવવી પડે...જો તેમાં સહેજપણ શરતચૂક થાય તો તરત વાંચકો કહાનીથી વીમુખ થઇ જાય. હું મારી કહાનીઓમાં શક્ય હોય એટલો ટેબ્લો જાળવવાનો પ્રમાણીક પ્રયત્ન કરતો રહું છું...બાકીતો વાચક રાજા છે. તેમને ગમે તે ખરું.

મારી તમામ નવલકથાઓની જેમ આ નવલકથા પણ હું એક વ્યક્તિને અર્પણ કરું છું...અને તે છે “ અશ્વિની ભટ્ટ “. ગુજરાતી ભાષાનાં એક ધુરંધર લેખક કે જેમણે ગુજરાતી સાહિત્યને એક નવી ઉંચાઇ, નવી દિશા, નવો મુકામ આપ્યો છે. આપણી વચ્ચે તેઓ નથી રહ્યાં છતાં તેમની નવલકથાઓ હંમેશા મને પ્રેરણા આપતી રહી છે અને આપતી રહેશે... તેમને મારા શત શત પ્રણામ.

અને હાં, બીજી એક અગત્યની વાત આજે હું કહીંજ દઉં....પ્લીઝ મિત્રો...સસ્પેન્સ જાણવાની ઉતાવળ ન કરતા. રહસ્યકથા એક પુરાની શરાબ જેવી હોય છે...જેટલી ધીરજ રાખશો એટલો તેનો નશો વધશે અને ઘૂંટાશે. મને પણ લખવાની એટલીજ વધુ મજા આવશે....તો, શરું કરીએ એક ધમાકેદાર સફર....

---------------------------------------------------------------------------------

ભાગ-ર

( પ્રથમ પ્રકરણમાં આપણે વાંચ્યુઃ આંચલને ગાર્ડનમાં અચાનક માથુર અંકલના ડોગ બ્રુનોની લાશ મળી આવે છે....અને ઇશાન ભારત પરત આવવા ઓસ્ટ્રેલીયાનાં સીડની અરપોર્ટથી જેટ એરવેઝની ફ્લાઇટ પકડે છે....હવે આગળ....)

“ વિભૂતી નગર” દક્ષિણ ગુજરાતના સાગર કાંઠે વસેલુ એક અતિ સમૃધ્ધ ગામ છે....હતું તો તે એક ગામડું, પરંતુ આ ગામની જાહો-જલાલી અને રચના કોઇ મોટા શહેરને ટક્કર આપે એવી હતી. દક્ષિણ ગુજરાતનાંજ બીજા એક સમૃધ્ધ શહેર સુરતથી મુંબઇ હાઇવે તરફ જતા વલસાડ શહેર આવે...વલસાડ સુધી પહોંચો તે પહેલા હાઇવે ઉપર વીસેક કી.મી. પહેલા જમણા હાથ ઉપર એક પાકી સડક અંદર તરફ ફંટાય છે. એ ટુ-લેન સડક સીધી જ વિભૂતી નગર સુધી પહોંચે છે...એ સડક ત્યાંથી આગળ વધતી નથી કારણ કે સડક પુરી થાય એટલે સીધુ જ વિભૂતી નગર શરૂ થાય છે...અને વિભૂતી નગરને વીંધીને તેના બીજા છેડે પહોંચો એટલે અફાટ અરબી સમુદ્રનો રળીયામણો કાંઠો નજરો સમક્ષ તાદ્રશ્ય થાય. સમૃધ્ધીની છોળો વચ્ચે ઉભેલા વિભૂતી નગરમાં જાણે કુબેરનો વાસ થયો હતો... ઇન્દ્રદેવની કૃપા અવતરી હતી.

વિભૂતી નગરનાં તમામ રહેવાસીઓ કરોડપતી હતા. આંગળીના વેઢે ગણી શકાય એટલા ખોરડાઓ સમાવતું વિભૂતી નગર સમગ્ર ગુજરાત રાજ્યનું સૌથી સુખી અને સૌથી ધનીક ગામડુ હતુ. તેને તમે એક નાનકડુ અમથુ ટાઉન અથવા પરગણું પણ કહી શકો...અથવાતો એક નાનું શહેર. વિભૂતી નગર સુધી પહોંચવાનો રસ્તો ભલે ટુ-લેન હોય, પરંતુ એ રસ્તા ઉપર ચાલવાનો લ્હાવો અવર્ણનીય હતો. હાઇવે નં.૮ પરથી જેવા તમે મોટા અક્ષરે “વિભૂતી નગર” લખેલા બોર્ડ નીચેથી અંદર વળો એટલે તમને એમજ લાગે કે જાણે તમે એક અલગ સૃષ્ટીમાં આવી પહોંચ્યા છો.... હાઇવેથી ટાઉન સુધીનો રસ્તો લગભગ પંદરેક કી.મી. લાંબો હતો અને એ રોડની બંને કિનારીએ તરેહ-તરેહના વૃક્ષો સંભાળપૂર્વક રોપીને ઉછેરવામાં આવ્યા હતા. એ વૃક્ષો અને છોડવઓએ એટલી લીલોતરી સર્જી હતી કે તમે જાણે કોઇ વર્ષા–વનના જંગલમાં આવી ચડ્યા હોવ એવી અનુભૂતી થઇ ઉઠતી... રોડની બંને તરફ ઉગેલા ઉંચા-ઉંચા ઝાડવાઓની ડાળીઓ રસ્તા ઉપર ઝળુંબતી, તેનાંથી લીલોતરી મઢેલી ટનલ રચાઇ હોય એવું લાગતું. એ ટનલ નુંમાં રસ્તા ઉપર એકધારા પંદર કી.મી.ની સફર યાદગાર બની રહેતી...અને મજાની વાત તો એ હતી કે આ સીનારીયો આખુ વર્ષ રહેતો કારણ કે તે માનવ સર્જીત ટનલ હતી અને તેની સંપૂર્ણ સભાનતા સાથે દેખભાળ રખાતી હતી.

વિભૂતી નગરમાં પ્રવેશવાનો ગેટ ભવ્ય હતો. ભવ્ય અને કલાત્મક...ગેટના પિલ્લરોમાં સીંહની મુખાકૃતી વાળી ડીઝાઇન કંડારવામાં આવી હતી જેનાંથી તેની ભવ્યતા ઓર વધી જતી હતી. એ પિલ્લરો ઉપર આડો બીમ ભરી તેમાં મોટા અક્ષરોમાં “ વિભૂતી નગર” કોતરવામાં આવ્યુ હતું. તેમાં રંગીન લાઇટો લગાડાઇ હતી જે સાંજ ઢળતાંજ ઝગમગી ઉઠતી.

વિભૂતી નગરના ગેટમાં પ્રવેશો એટલે ડાબા હાથ ઉપર સૌથી પહેલા વિશાળ જગ્યામાં પથરાયેલો બગીચો આવે. લગભગ ત્રણ-ચાર એકરમાં એ બગીચો પથરાયેલો હતો....આમ જોવા જાઓ તો પાંચેક કી.મી. જેવડી ત્રીજીયામાં ફેલાયેલા વિભૂતી નગરનો સૌથી વધુ હિસ્સો તો આ બગીચાએ જ રોકી રાખ્યો હતો. ત્યાંથી આગળ વધો એટલે બગીચાની સામે, જમણા હાથ ઉપર એક મોટો શોપીંગ મોલ નજરે ચડે....એ શોપીંગ મોલ ગામનાં રહેવાસીઓની તમામ ખરીદી અને મનોરંજનની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બનાવાયો હતો.... ત્યારબાદ મકાનો શરૂ થતા. એ મકાનો નહોતા, બંગલાઓ હતા. સૌથી મોંઘા અને સૌથી બેસ્ટ આર્કીટેક્ટની મદદ વડે એકદમ પરફેક્ટ પ્લાનીંગ કરીને એ બંગલાઓ બાંધવામાં આવ્યા હતા.... ગેટમાંથી દાખલ થતો રસ્તો સીધો જ, કોઇપણ વળાંક વગર દરીયા કિનારા સુધી પહોંચતો અને એ રસ્તાની બંને તરફ આ બંગલાઓ હારબંધ રીતે બાંધવામાં આવ્યા હતા. તમે કલ્પના કરી જુઓ કે આ રીતે થયેલા બાંધકાનો નજારો કેટલો ભવ્ય હશે..! જાણે તમે ફલોરીડાના મીયામી બીચ ઉપર આવી પહોંચ્યા હોવ એવું લાગે. દરેક બંગલા આગળ નાનકડો ગાર્ડન હતો અને તેમાં પણ સુંદર ફુલ-છોડ વાવેલા હતા.... વિભૂતી નગરમાં એક ચોક પડતો હતો અને એ ચોકમાં મોટુ સર્કલ હતુ. એ ચોકમાંથી બંગલાઓની આડી લાઇનો શરૂ થતી.....ચોક ઉપર જ એક ખૂણામાં વિભૂતી નગરનો ટાઉન હોલ હતો. ટાઉન હોલ લગભગ બે હજારવાર જેટલી વીશાળ જમીન ઉપર બનાવાયો હતો....ટાઉન હોલનો ઉપયોગ વિભૂતી નગરમાં રહેતો દરેક પરીવાર કરી શકતો. બે માળના એ ટાઉન હોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક તરફ વિશાળ હોલ હતો. જયાં તરેહ-તરેહના ફંકશનો યોજાતા. કોઇના લગ્ન હોય કે બર્થ-ડે નું આયોજન હોય, કે અન્ય કોઇ ફંકશન હોય, ત્યાંજ પોગ્રામો થતાં. નગરની જનરલ મિટીંગો પણ આ હોલમાં જ ભરાતી. ટાઉન હોલનો ફર્સ્ટ ફ્લોર એક નાનકડા મ્યુઝીયમ જેવો હતો. આ ફ્લોરની દિવાલો ઉપર વિભૂતી નગરના ભૂતકાળની તસ્વીરો લગાવેલી હતી. વિભૂતી નગરના વર્ષો પહેલાના ઇતિહાસથી નવી પેઢી વાકેફ રહે તે માટે આ પ્રયત્ન કરાયો હતો. આ ઉપરાંત ફ્લોરના એક ખુણામાં નાનકડી અમથી લાઇબ્રેરી પણ ચાલતી હતી જેની દેખભાળ મી.પીટર ડીકોસ્ટાના હાથમાં હતી. આ મી.પીટર ડીકોસ્ટા પણ અજીબ કેરેક્ટર હતું પરંતુ તેની વાત આપણે પછી કરીશું.....હાલ આપણે વિભૂતી નગરની સં-રચના ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ.... જો કે ટૂંકમાં કહી શકાય કે વિભૂતી નગર એક અતિધનીક અને વેલ પ્લાન્ડ નગર રચનાનું આદર્શ પ્રતિક સમું ગામ હતું. નગરના દરેક ઘરમાંથી કમ સે કમ એક વ્યક્તિ તો વિદેશમાં સેટલ થઇ ચૂકી હતી....આજની તારીખે ગુજરાતના સૌથી મોટા અને વિકસીત ગણાતા શહેરની સરખામણીએ વિભૂતી નગર બધી રીતે શ્રેષ્ઠ સાબીત થાય તેમ હતું.

પરંતુ....દરેક ચળકતી ચીજની બીજી બાજુ અંધકાર યુક્ત હોય છે. કોઇ વસ્તુ કયારેય પરફેક્ટ હોતીજ નથી. કુદરતનો આ સર્વ સામાન્ય નીયમ છે. વિશ્વની દરેક શ્રેષ્ઠ ચીજ, પછી ભલે તે કોઇ કુદરતી સ્થળ હોય કે માનવસર્જીત રચના હોય, તેમાં કંઇક તો એવું હોય જેને કાળામાથાનો માનવી કયારેય જોઇ, સમજી શકતો નથી. લાખ કોશીષ કરવા છતાં તેનું રહસ્ય તેની પહોંચમાં આવતું નથી...અંધકાર અને અજ્ઞાનતા ભરેલી આ કાળી બાજુથી મનુષ્ય સતત ડરતો આવ્યો છે. તેને ડર એ વાતનો લાગે છે કે કયાંક તે આ અંધકારયુક્ત વિશ્વનો ભોગ ન બની જાય.... અને એ ડરના કારણે જ માનવી સતત ચળકાટમાં રહેવાનું પસંદ કરે છે, ઉગતા સૂર્યને પૂંજે છે, પ્રજવલીત અગ્નિ ને ઇશ્વરમાની તેની પ્રદક્ષિણા ફરે છે....પરંતુ જેમ પ્રકાશ એક સત્ય છે તેમ અંધકાર પણ સત્ય છે. મનુષ્યે કયારેક ને કયારેક તો એ અંધકારનો સામનો કરવો જ પડે છે. વિભૂતી નગર અને તેના રહેવાસીઓને પણ આ સત્ય એટલું જ લાગુ પડતું હતું.

સતત સુખાકારી અને સમૃધ્ધીમાં આળોટતા વિભૂતી નગર ઉપર એ અંધકાર મંડરાવો શરૂ થઇ ચુક્યો હતો.

**************************

આંચલે તેની કાર ઘર ભણી દોડાવી. તેનું હ્રદય થડકતું હતું. જે દ્રશ્ય હમણા જ જોઇને તે આવી હતી એ દ્રશ્ય હજુ પણ તેને ડરાવી રહ્યુ હતું. કોઇક તેની પાછળ આવતું હોય એવો ભાસ તેને સતત અનુભવાતો હતો. તે વારે-વારે કારના બેક મીરરમાં નજર નાંખી લેતી હતી કે કોઇ કારની પાછળની સીટમાં તો નથી બેઠુંને....! તેના પગ ધ્રુજતા હતા....કપાળે હાથ ફેરવી તે વારે-વારે ઉભરી આવતા પરસેવાને લુંછી લેતી હતી. સપાટ રોડ ઉપર તેની કાર ૮૦ ની સ્પીડે ભાગી રહી હતી. ગણતરીની ચંદ મીનીટોમાં તે પોતાના બંગલાના પોર્ચમાં આવી પહોંચી.

“ પપ્પા...મમ્મા...” આંચલ કારમાંથી અસાધારણ ઝડપે બહાર નીકળી બંગલાના વિશાળ ડ્રોઇંગરૂમમાં પહોંચતા તેણે બુમ પાડી હતી. તેનો નોકર જીવો હજુ પણ ત્યાં સાફ-સફાઇમાં વળગેલો હતો. આચલની ગભરાહટ ભરેલી હાલત જોઇ તેને પણ અચરજ થયું હતું અને કામ છોડીને તે આંચલની નજીક દોડી આવ્યો...

“ સાહેબ તો હજુ હમણાંજ જીમમાં ગયા....મેડમ હશે ઉપર કમરામાં....હું બોલાવી લાવું તેમને....?” જીવો ઝડપથી બોલ્યો.

“ અં...ના...રહેવા દે...!! હું જ ઉપર જાઉ છું...” કહીને આંચલ ઉપર જતા દાદર તરફ દોડી. દાદરમાં અધવચ્ચે પહોંચ્યા પછી અચાનક કંઇક યાદ આવ્યુ હોય તેમ તે અટકી. “ જીવાભાઇ...એક કામ કરો. તમે જલ્દીથી માથુર અંકલને ઘરે જાઓ અને તેમને અહી બોલાવી લાવો....”

“ જી મેમસાબ....” જીવો બોલ્યો અને બંગલાની બહાર તરફ દોડયો. તેને આંચલનું વર્તન થોડુ વિચિત્ર લાગતુ હતું. આટલી વહેલી સવારે એ બુઢ્ઢા માથુરનું શું કામ પડયુ હશે એ વિચારતો-વિચારતો તે બાજુના બંગલામાં ઘુસ્યો. એ બંગલો નિલેશ માથુરનો હતો.

નિલેશ માથુર ૮૦ વર્ષની જૈફ ઉંમરના રીટાયર્ડ મિલિટ્રીમેન હતા....સેનામાંથી રીટાયર્ડ થયા બાદ તે હંમેશાને માટે અહી રહેવા આવી ગયા હતા. વર્ષો પહેલા નિલેશ માથુરના બાપ-દાદાઓએ આ વિભૂતી નગરને વસાવવામાં મહત્વની ભુમીકા ભજવી હતી....ભૂતકાળમાં આ જ માથુર પરીવારના સભ્યોએ વિભૂતી નગરની નીંવ નાંખી હતી અને સાવ નાનકડા અમથા એક કંગાળ ગામને વિભૂતી નગર જેવા અતિ સમૃધ્ધ નગરમાં ફેરવી નાંખ્યુ હતું. નિલેશ માથુર એટલે જ પોતાનું બાકીનું જીવન અહી વ્યતિત કરવા માંગતા હતા. વિભૂતી નગરમાં તેમનો માન-મરતબો, ઇજ્જત કોઇ દેશના પ્રેસિડ્ન્ટથી કમ નહોતો.

“ માથુર સાહેબ....ઓ માથુર સાહેબ...” જીવાએ બંગલાના ડ્રોઇંગરૂમમાંથી જ બુમ પાડી. ડ્રોઇંગરૂમમાં કોઇ નહોતું. અહી માથુર અંકલ અને તેમના વૃધ્ધ પત્ની નિલીમા દેવી, બે જ વ્યક્તિ રહેતા હતા. માથુર અંકલને સંતાનમાં મોટી ઉંમરે જન્મેલો એક પુત્ર હતો જે વિદેશ સ્થાયી થયો હતો. આ ઉપરાંત તેમનો વર્ષો જુનો એક નોકર હતો, ચંદુ....એ પણ અત્યારે કયાંય નજરે ચડતો નહોતો. જીવાએ ફરી બુમ પાડી....બંગલાના વિશાળ ડ્રોઇંગરૂમની મધ્યમાંથી જ ઉપર પહેલે માળે જવાની સીડી હતી. ત્યાં ઉપરના માળે બાલ્કની હતી અને બેડરૂમ્સ હતા. જીવાનો અવાજ સાંભળી તેમાંનો એક દરવાજો ખુલ્યો અને નીલીમા દેવી બહાર આવ્યા. ઢળતી ઉંમરે તેનું કામ કર્યુ હતું પરંતુ હજુ પણ નીલીમા દેવીનો ઠસ્સો બરકરાર રહ્યો હતો. સાડા પાંચફુટ ઉંચા નીલીમા દેવીએ આસમાની કલરના બુટ્ટા જડેલી સફેદ સાડી પહેરી હતી જેમાં તેઓ જાજરમાન લાગતા હતા. કમર થોડી નમી હતી પરંતુ ચહેરા ઉપર રૂઆબ દેખાતો હતો.

“ કોણ છે ભાઇ....? શું બુમો પાડે છે....?” તેમને આંખે દેખાવું ઓછુ થયુ હતું એટલે નીચે કોણ આવ્યુ હતું એ બરાબર દેખાયુ નહી.

“ હું છુ....જીવો... માથુર સાહેબ કયાં છે....? આંચલ બહેન બોલાવે છે તેમને...”

“ આંચલ...તેને વળી શું કામ પડયુ સાહેબનું...!!”

“ મને શું ખબર... પણ માથુર સાહેબ કયાં છે એ તો કહો...!”

“ તેઓ વોક પર ગયા છે....”

જીવો વીચારમાં પડયો. હવે શું કરવું એ તેને સમજાયુ નહી. આંચલ બહેને જે ગભરાહટભર્યા અવાજે માથુર અંકલને બોલાવી લાવવા કહયું હતું તેના પરથી જીવો એટલુ તો સમજી જ ગયો હતો કે જરૂર કંઇક અગત્યનું કામ હશે. નહિતર આ રીતે આંચલ બહેન કયારેય વર્તે નહી. તે મુંઝાતો ત્યાં જ ઉભો રહયો.

“ તું અત્યારે પાછો જા. તારા અંકલ આવે એટલે અમે બંને સાથે ત્યાં આવીશું. અને હાં...સવારની ચા તમારે ત્યાંજ પીશું એવુ આંચલને કહી રાખજે...” નીલીમાદેવીએ હસતા-હસતા કહયુ.

“ ઠીક છે...હું જાઉ છું, પણ તમે આવવાનું ભુલતા નહી, નહિતર મને બહેનની વઢ પડશે....” કહેતો જીવો બહાર નીકળ્યો. કંઇક અશુભ થવાનું હોય એવા તરંગો તેના મનમાં ઉઠવા લાગ્યા હતા. ઝડપથી ચાલતો તે પોતાના બંગલા માં દાખલ થયો.

****************************

વાત જંગલમાં પ્રસરતી આગની જેમ ફેલાઇ હતી. વિભૂતી નગરમાં લગભગ હજારેક પરીવારો રહેતા હતા. તેમાંથી મોટાભાગના પરીવારોને માથુર સાહેબના બ્રુનો સાથે થયેલા હાદસાથી કોઇ મતલબ નહોતો તેમ છતાં એક શાંત નગર તરીકે પંકાયેલા વિભૂતી નગરમાં આ બનાવથી થોડો ખળભળાટ તો મચ્યો જ હતો. અને એ ખળભળાટ મચાવવામાં ખુદ આંચલનો પણ મોટો હાથ હતો. આંચલ પોતાનું પ્રાઇવેટ રેડીયો સ્ટેશન અહી વિભૂતી નગરમાંથી ઓપરેટ કરતી હતી. તેણે જ સૌ પ્રથમ આ ન્યૂઝ તેના રેડીયો દ્રારા ઓન-એર ફેલાવ્યા હતા. સ્વાભાવીક છે કે લોકોને તેમાં રસ પડવાનો હતો...અને પડયો પણ હતો. કુતુહલવશ બનેલા માનવીઓનો નાનકડો ઝમાવડો નગરના ગાર્ડન પાસે એકઠો થયો હતો અને તેમાં તરેહ-તરેહની વાતો વહેવા લાગી હતી. બપોર થતાં સુધીમાં તો આ સમાચાર વાયુ વેગે સમગ્ર વિભૂતી નગરમાં ફેલાઇ ગયા હતા.

સવારે જ આંચલને ખ્યાલ આવી ગયો હતો કે આ કોઇ નાનીસુની ઘટના નથી. જે દહેશત તેણે બગીચાના એકાંતમાં અનુભવી હતી એ દહેશત હજુંપણ તેના જહેનમાંથી હટતી નહોતી....સવારે તેણે માથુર અંકલને બોલાવવા જીવાને તેમના ઘરે મોકલ્યો હતો પરંતુ માથુર અંકલ ત્યારે વોક પર ગયા હતા....વોક પરથી જ્યારે તેઓ ઘરે આવ્યા એટલે તેઓ નિલીમા દેવીને સાથે લઇને આંચલના ઘરે આવ્યા હતા.... આંચલે તેમને તેમના “ બ્રુનો” વીશે કહયુ હતું....બે-ઘડી તો માથુર અંકલને એવું લાગ્યુ કે આંચલ સવાર-સવારમાં તેમની સાથે મજાક કરી રહી છે પરંતુ પછી તેમને પણ વાતની ગંભીરતા સમજાઇ હતી અને ત્યારબાદ તે, તેમની પત્ની, આંચલ, આંચલના મમ્મી અને જીવો.... એમ પાંચ માણસોનો રસાલો ગામના ભાગોળે બનેલા બગીચે પહોંચ્યો હતો....ત્યાંનું દ્રશ્ય અને પોતાના સૌથી વહાલા કુતરા બ્રુનોની હાલત જોઇને માથુર અંકલ તો આભા જ બની ગયા હતા...બ્રુનોની ક્ષપ્ત-વિક્ષીપ્ત હાલત જોઇને તેમને ભારે આઘાત લાગ્યો હતો....ફક્ત માથુર અંકલ જ નહી, તેમની સાથે આવેલા અને પ્રથમ વખત આ દ્રશ્ય જોઇ રહેલા તમામ લોકોની એવી જ દશા થઇ હતી. એક ફક્ત આંચલ થોડી સ્વસ્થ હતી. તેણે આ દ્રશ્ય પહેલાં પણ એકવાર જોયુ હતુ એટલે તેને તેની ભયાનકતાનો ખ્યાલ હતોજ.... પછી તેણેજ પોલીસને ફોન કર્યો હતો એટલે વિભૂતીનગરની એકમાત્ર ચોકીનો ઇન્સ.જયસીંગ રાઠોડ મારતી જીપે ત્યાં આવી પહોંચ્યો હતો.

વિભૂતી નગર પાસે પોતાની અલાયદી પોલીસ ચોકી હતી. આમ તો હંમેશા એકદમ શાંત અને ક્રાઇમ ફ્રી ગણાતા આ નગરને આજ સુધી કયારેય પોલીસની જરૂર પડી નહોતી. તેમ છતા ગુજરાત સરકારે વિભૂતી નગર અને તેના આસપાસના ગામડાઓમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક પોલીસ ચોકીની ફાળવણી કરી હતી. વિભૂતીનગર સમુદ્ર કિનારાને સાવ અડીને વસેલું ગામ હતું. આ પોલીસચોકીને મંજુર કરવાનું આ પણ એક કારણ હતું.... જેટલા ગુનાઓ જમીન ઉપર બને છે તેટલા જ ગુનાઓ સમુદ્રના લહેરાતા વિશાળ પાણી ઉપર પણ બનતા હશે અને એ ગુનાઓને નાથવા પોલીસ ફોર્સની જરૂર હંમેશા રહેતી હોય છે....કદાચ એ કારણોસર વલસાડ સીટીથી અલાયદી પોલીસ ફોર્સ અહી મુકાઇ હતી. જો કે આ ફોર્સમાં કુલ મળીને સાત જણાંનોજ સ્ટાફ હતો. એક સબ ઇન્સ.જયસીંહ રાઠોડ અને બીજા છ કોન્સટેબલો હતા.

જયસીંગ રાઠોડ આંચલને ઓળખતો હતો. આંચલ સમગ્ર ઇલાકામાં ખ્યાતિ પ્રાપ્ત હસ્તી હતી. ખુબ નાની ઉંમરે તેણે પોતાની સ્વતંત્ર માલીકીનું રેડીયો સ્ટેશન સ્થાપી બહુ મોટી ઉપલબ્ધી મેળવી હતી. આંચલને લગભગ બધા જ ઓળખતા...એટલેજ જ્યારે આંચલે ફોન કર્યો કે તરત ઇન્સ.જયસીંગ રાઠોડ સમજી ગયો હતો કે જરૂર કોઇ ગંભીર બાબત હશે. ઝડપથી તૈયાર થઇને તે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

અઠ્ઠાવીસ વર્ષનો જયસીંગ એક તરવરીયો અફસર હતો. તેનું પહેલુંજ પોસ્ટિંગ વિભૂતી નગર જેવા શાંત વિસ્તારમાં થયુ હતું જ્યાં કરવા જેવી પ્રવૃતિ માં લગભગ કંઇજ નહોતું. આવા સાવ નીરસ ઇલાકામાં આવીને તે પણ સાવ આળસુ બની ગયો હતો....પરંતુ તે જ્યારે જીપ લઇને બગીચે પહોંચ્યો અને જ્યારે તેણે બ્રુનો નામના કુતરાની લાશ જોઇ ત્યારે એકદમ સતેજ બની ગયો હતો.

બ્રુનોની આસપાસ ટોળે વળીને ઉભેલા લોકોને તેણે દુર ખસેડયા અને સાવધાનીથી તે બગીચાની ફેન્સીંગ નજીક પહોંચ્યો....માથુ ફાડી નાંખે એવી ભયાનક દુર્ગંધ ત્યાં ફેલાયેલી હતી. વહેતા પવનની સાથે એ દુર્ગંઘ પણ ચારેકોર ફેલાતી જતી હતી. થોડી જ વારમાં જયસીંગ એ દુર્ગંધથી કંટાળ્યો હતો અને ખીસ્સામાંથી રૂમાલ કાઢીને તેણે પોતાના નાક ઉપર મુકયો હતો... તે અત્યારે એકલો જ અહી આવ્યો હતો. થોડુ ચાલીને તે તારની ફેન્સીંગ નજીક ગયો. અડધે સુધી ઘાસમાં ખૂંપી ગયેલી બ્રુનોની ગંધાતી બોડી ત્યાં પડી હતી. તેમાંથી હજુ પણ આછો ધુમાડો નીકળી રહયો હતો. કોઇકે બહુ ખરાબ રીતે બ્રુનોને મારી નાંખીને સળગાવી દીધો હતો. જયસીંહ બ્રુનોની બોડી નજીક ગયો, ઘાંસમાં ઉભડક બેસી તે બ્રુનોનાં શરીરનું નિરિક્ષણ કરવા લાગ્યો. બ્રુનોની મરડાયેલી ડોક અને ફાટીને સળગી ગયેલું પેટ જોઇ તેના જેવો મજબુત આદમી પણ સહમી ગયો. આ કોઇ સામાન્ય વારદાત નહોતી જણાતી. આટલું ભયાવહ દ્રશ્ય આજ પહેલા ક્યારેય તેણે જોયું નહોતું... આટલી ખરાબ રીતે માનવીમાત્ર ક્યારેય કોઇને મારી શકે નહી....તો શું આ કોઇ શૈતાનનું કામ હશે...? એક વીચાર જયસીંહના મનમાં આવ્યો. તરત માથું ઝટકીને એ વીચાર તેણે ખંખેરી નાંખ્યો. એક પોલીસવાળાએ આવુ વીચારવું જોઇએ નહી.

જો કે....તેણે એ વીચાર ઉપર વધું વીચાર કર્યો હોત તો ઘણું સારૂ થાત....

( ક્રમશઃ )