Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 10

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૧૦

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦ : કુસુમની કોટડી

માતાપિતાની વિશ્રંભકથા કુસુમે સાંભળી લીધી અને ત્યાંથી જ તેના મનને મોટો ધક્કો લાગ્યો.

પોતાના ખંડમાં તે આવી, દ્વાર બંધ કરી દીધાં અને સુંદર ઉદ્યાનમાં એક બારી પડતી હતી ત્યાં કઠેરે ટેકો દઈ ઉદ્યાનમાં લાંબા વિસ્તાર પર દૃષ્ટિ નાખતી ઊભી. કાને પડેલા શબ્દોએ એને દિગ્મૂઠ બનાવી દીધી અને તે શબ્દોએ ઉત્પન્ન કરેલી કલ્પનાએ એના આંસુને ગાલ ઉપર જ સૂકવી દીધાં અને તેના દાઘ બારીમાં આવતા તડકાએ ચળકાવવા માંડ્યાં. એની રોષભરી આંખોની રતાશ લીલાં ઝાડોની ઘટા ઉપર પડતાં નરમ પડી અને ઝાડો ઉપર પડતા તડકાના પ્રતિવમનને બળે એના મનની કલ્પના પણ શ્રાન્ત થઈ અને શ્રાન્તિન્‌ બળે શાંત થઈ ગઈ. આ સર્વ સ્થિતિ પામતાં તેના વિચાર બીજી દિશામાં વળ્યા.

આપનપિતાજી અને ગુણિયલ - બેમાંથી કોઈનો વાંક કાઢવા જેવું નથી. તેઓ મારા સ્વાર્થનો જ વિચાર કરી મારે માટે જ આટલો કલેશ પામે છે. મારા મનની સ્થિતિ તેમને વિદિત હોય તો તેમનો કલેશ પણ દૂર થાય અને મારું ધાર્યું પણ મને મળે !’

આ ઝાડોની ઘટાથી અને આ તડકાથી મારો કલેશ દૂર થયો. ફલૉરા કહેતાં હતાં કે દેખીતી સૃષ્ટિ દ્વારા પણ ઈશ્વર પ્રકટ થાય છે અને મનુષ્યને સુખ અને આનંદ આપે છે તે આ જ ! મીરાંબાઈ ગાઈ ગયાં છે કે :

મીરાં ભક્તિ કરે રે પ્રકટકી ઓ નાથ !

તુમ જાનત હો સબ ઘટકી !

એ પ્રકટ ઈશ્વર તે આ જ હશે ! પ્રતિમામાં અને આ ઝાડોમાં ને તડકામાં પણ ઈશ્વર પ્રકટ થાય છે અને એ પ્રકટ ઈશ્વરનો મને આજ સાક્ષાત્કાર થયો ! ઓ પ્રકટ પ્રભુ ! મીરાંબાઈ વાઘનાં પંજામાં પડેલાં બચ્યાં તો મને તો તારે તે પહેલાં બચાવવાની છે ! તે શું તું મને નહીં બચાવે ? હું પણ કહું છું કે :

કુસુમ ભક્તિ કરે રે પ્રકટકી,

ઓ નાથ ! તુમ જાનત હો ઈસ ઘટકી !

થોડી વાર એમની એમ ઊભી. અંતે એક ખુરશી પર બેઠી ને ખોળામાં હાથ નાંખી વિચાર કરવા લાગી :

‘બુદ્ધિધનની પિતા સ્પષ્ટ ના કહે છે અને ગુણિયલ હા કહે છે. મેં જાણ્યું કે સરસ્વતીચંદ્ર જડવાના નથી એટલે નિરાંત થઈ, ત્યારે આ નવું ક્યાં જાગ્યું ? મારે એકનું ય કામ નથી ને બીજાનું ય નથી. ઈશ્વર કરે ને આ વાતમાં ગુણિયલ હારે ને સરસ્વતીચંદ્ર જડે નહીં તો મારું ધાર્યું થાય ? માટે હું પણ હાલ તો એમ જ કરું કે બુદ્ધિધનની ચોખ્ખી ના કહું એટલે ગુણિયલ હારશે ને પિતા ફાવશે.

‘પિતા આ વાતમાં ફાવ્યા એટલે અંતે હું ફાવવાની !’

દ્વાર ઉઘાડ્યું અને માતાપિતાને ગયેલાં દીઠાં. તેમના ખંડમાં કુસુમ ગઈ. ટેબલ પર પત્ર હતા તે લીધા. ‘પિતા ઉપર મારા સંબંધના કાગળ આવે તે વાંચવામાં ચોરી ખરી ?બહેન સરસ્વતીચંદ્રના પત્ર પિતા ઉપરના હોય તો ય છાનીમાની વાંચતી.’

નરભેરામનો પત્ર વિદ્યાચતુર ઉપર હતો તેમાં બુદ્ધિધનને માટે કુસુમનું માગણું, અત્યંત આર્જવ અને યાચનાભરેલું કર્યું હતું. બુદ્ધિધનની હવે લગ્ન માટે ઈચ્છા નથી પણ મહારાણા સમેત સર્વનો વિચાર દૃઢ છે એમ પણ લખેલું હતું. કુસુમને આશા પડી. બુદ્ધિધનનો પત્ર વાંચવા લાગી :

‘પ્રિય વિદ્યાચતુરજી,

મારા ગૃહસંસારનાં બે રત્ન ખોવાયાં. પથ્થર ડૂબ્યો અને તેના ભારથી ચંપાઈ તેની તળે રત્ન પણ ડૂબ્યાં. મારી પુત્રી તથા મારો સહાયક મિત્ર નરભેરામ તેમના પ્રેમને લીધે મને ફરી સેસારમાં પડેલો જોવા ઈચ્છે છે અને મારી ઈચ્છાવિરુદ્ધ તેમણે લખેલા પત્ર આપે વાંચ્યાં હશે. તેમના હાથ રોકવાની મારી શક્તિ નહીં., માટે જ એ થયું છે. પણ એમની કોઈની ઈચ્છા સફળ થવાની નથી એટલું આપ મારું સિદ્ધાંતવચન સમજજો.

મારા ઘરમાંથી કુમુદસુંદરી ગયાં ત્યાંથી મારું સર્વસ્વ ગયું. મારો દુષ્ટપુત્ર ગયો તે તેણે કરેલા અપરાધને યોગ્ય જ થયેલું છે. મને તેને માટે તલમાત્ર પણ શોક નથી. ઊલટો પુત્રજન્મથી બીજાંઓને આનંદ થાય એટલો એ પુત્રના મૃત્યુથી મને આનંદ થયો છે. મારું ઘર અને મારો સંસાર એના મૃત્યુથી નિષ્કલંક જ થયાં છે.

કુમુદસુંદરીની સાસુ વહુના શોકથી ગઈ ! તમારો ગુણસુંદરી ઉપર સ્નેહ છે તે ઉપરથી મારો મારી ધર્મપત્ની ઉપરનો સ્નેહ જાણી લેજો. એણે મારો વિપત્તિકાળ દીઠેલો ને મારો સંપત્તિકાળ પણ દીઠો. સર્વ દશામાં એ મારી ભાગિયણ હતી અને એવી સ્ત્રીનો હું સ્વામી હતો એટલાથી મારા હ્ય્દયમાં અભિમાન આવે છે. મારાં પુણ્યનો સંચય આટલા ભોગથી ક્ષીણ થયો હશે એટલે એ ગઈ. હવે વિશેષ સંસારભોમની મને વાસના નથી. નવો ભોગ કે નવો અવતાર ઉભય હવે મને અનિષ્ટ છે.

મારું વૈરાગ્ય સ્મશાનવૈરાગ્ય નથી. હું રંક વિધવાનો પુત્ર હતો ને સુવર્ણપુરના મહારાણાનો પ્રધાન થયો. કુમુદસુંદરી સાક્ષાત્‌ લક્ષ્મીજીના કે સરસ્વતીનો અવતાર હતા. તેમના નિવાસથી મારું ગરીબ ઘર પવિત્ર થઈ ગયું. એની સાસુ જેવી પતિવ્રતાના યોગથી મારો આત્મા પવિત્ર થઈ ગયો. જે ઈશ્વરે એ મહાન સંયોગો વચ્ચે મને મૂકવાની કૃપા કરી હતી તે જે ઈશ્વરે હવે મને સંયોગથી મુક્ત કર્યો છે તે તેણે કાંઈ કારણથી જ કરેલું હશે. મારા મહારાણાની કૃપા મારાથી છૂટતી નથી. તેમના રાજકાર્યમાં કેટલાક મોટા પ્રસંગો હજી બાકી છે તે પૂરા કરી હું એમની પાસેથી એવું માગવાનો છું કે મારે માથેથી ભાર ઉતારી નરભેરામને માથે મૂકવો અને મને આત્મકલ્યાણને માટે કાશીવાસ કરવા દેવો. આ યુગમાં સંન્યસ્ત યોગ્ય લાગતું નથી અને જ્ઞાનની પ્રાપ્તિને અંતે સંન્યસ્ત થવું જોઈએ તે જ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં લેવા મને અધિકાર પણ નથી. કાશીનિવાસથી અનેક મહાત્માઓના પ્રસંગ પડશે અને તે શોધવાનો લોભ મને થયેલો છે તે છોડી હું સંસારમાં પડીશ એવું નરભેરામ માને છે. પણ તે પામર છે અને મારા મનના અભિલાષ સમજી શકતો નથી માટે જ એ પ્રયત્ન કરે છે.

દેવી એક બાળક પુત્ર મૂકી ગઈ છે. જો તે જીવશે તો તેની બહેનને હાથે ઊછરશે, નહીં જીવે તો મને શોક નથી. મોટો કરેલો પુત્ર દુષ્ટ થયો અને મૂઓ, તો વીજળી પેઠે ક્ષણવાર ચમકતો બાળક સુપુત્ર નીવડશે એ જાણવું કઠણ છે. એની માતા કૃતકૃત્ય થઈ ગઈ. એ સ્વર્ગમાં ગઈ. એનો આત્મા સ્વધામ પહોંચ્યો તે હજી અમર છે. એનો શોક કરવો તે મિથ્યા મોહ છે. મને એ મોહ કે શોકમાંનું કાંઈ નથી.

વ્યવહારદૃષ્ટિએ જોતાં પણ ઊતરતી વયે લગ્ન કરવાની વૃત્તિ મૂર્ખતાભરેલી જ લાગે છે. પ્રધાનપદ સુધીના અનુભવની પ્રાપ્તિથી જે માણસ ઘડાય તેને તો આ વાત હસ્તામલક જેવી સુદૃશ્ય હોવી જોઈએ. નરભેરામની સૂચના યોગ્ય છે એવું જો હું માનું તો તેટલાથી એટલું સુદ્ધ થયું ગણવું કે મારી બુદ્ધિ પ્રધાનપદને યોગ્ય નથી એટલું જ નહીં પણ ક્ષુદ્ર છે, કારણ સામાન્ય બુદ્ધિવાળાને પણ આવા મહાન પદના અનુભવથી જે બોધ મળવો જોઈએ તે બોધ મને મળ્યો ન હોય તો મારામાં બોધ લેવાની સામાન્ય વિવેકશક્તિ પણ નથી એમ જ માનવાનો પ્રસંગ આવે. કેવલ પુત્રવાસના પામર જીવને માટે છે. ઊતરતી વયના અને પ્રધાનપદે ચડેલા બુદ્ધિમાન પ્રાણીને માટે નથી.

ન્યાયમાર્ગે જોતાં પોતાના સ્વાર્થને માટે પારકી કન્યાને ભવ બાળવો અને વૈધવ્યના માર્ગમાં મૂકવી એ મહાપાપ લાગે છે. એ પાપ કન્યાના વુદ્ધ થતા વરને તેમ બાપને ઉભયને માથે છે.

અનેક માર્ગે આ વાતનો વિવેક મેં કરી જોયો છે. એક કલ્પના સરખી પણ આ ઉપાધિ સ્વીકારવામાં દોષ સિવાય અન્ય ફળ જોતી નથી. નરભેરામ મારા ઉપરની પ્રીતિને લિધે જ ભૂલે છે.

ચિ. કુસુમસુંદરીને કોઈ વિદ્વાન, નિતિમાન, રૂપવાન, શ્રીમાન, યુવાન સ્વામી મળે એવો મારા અંતઃકરણનો આશીર્વાદ છે અને મારો પોતાનો આપેલો આશીર્વાદ હું જાતે નિષ્ફળ નહીં કરું. કુમુદસુંદરીની નાની બહેન તે મારી પુત્રીરૂપ છે.’

બુદ્ધિધનનો આ પત્ર વાંચી રહી તેની સાથે કુસુમને શેર લોહી ચડ્યું. તેની નિરાશા નષ્ટ થઈ અને આંખમાં તેજ આવ્યું. ઉતાવળથી પોતાના ખંડમાં આવી અને છાતીએ હાથ ભીડી એકલીએકલી બોલવા લાગી :

‘હા...શ! હવે જગત જખ મારે છે. કુસુમની પ્રાર્થના પ્રભુએ સાંભળી. બુદ્ધિધનભાઈ ! તમારું ઘણું જ કલ્યાણ થજો ! તમારા પત્રથી જ મને ઉપદેયશ મળે છે. તમારા જેવા અનુભવી પુરુષોને જે વાત આટલી ઉંમરે સત્ય લાગે છે તે મને આજથી લાગે છે. સ્વામીજીની કથામાં પણ મારો જ બોલ ખરો પડે છે. ફલૉરાબહેન પણ મારી જ ગાડીમાં છે. સરસ્વતીચંદ્રને પણ મારી પેઠે છે. એ તો મારા પ્રથમ ગુરુ. હવે માત્ર ગુણિયલ અને કાકીને જીતવાં રહ્યાં. સરસ્વતીચંદ્ર નહીં જડે એટલે પિતાજીની ચિંતા નથી.

કાકી શા શા વાંધા કાઢે છે ? પ્રથમ કહે છે વાસના રોકવી કઠણ છે. પછી કહે છે કે શાસ્ત્રકારો પરણવાની મર્યાદા બાંધી ગયા છે. ત્રીજું, સ્ત્રીની એક ભૂલ પ્રગટ થઈ જાય અને ચોથી વાત એ કે કુમારી સ્ત્રીને રહેવાનું ઘર ન મળે, ખાવાના પૈસા ન મળે, લોક ચાળા કરે, ને સ્ત્રીજાતને માયા ને કાયા બેનો ભય.

જો બાવી થઈએ તો આ બધા વાંધા દૂર થાય. મફત ખાવાનું મળે, પુરુષનો સંગ નહીં એટલે સ્ત્રીને લાલચ નહીં, અનેક સ્ત્રીઓ વચ્ચે રહેવાનું એટલે પુરુષવર્ગને બહાર રાખી વગરભયે રહેવાનો કિલ્લો ! બાવીઓ રહે છે તે પણ શાસ્ત્રની મર્યાદામાં જ હશે કની ! આ ઘરમાંથી નીકળવું પડે એ પહેલું દુઃખ, ને બાવીઓની પેઠે જાડાં લૂગડાં પહેરવાં પડે અને જારબાજરો ખાવો પડે એ બીજું દુઃખ.’

પહેલા દુઃખનું તો કંઈ નહીં. કાલથી જાડાં લૂગડાં ને જાર-બાજરીની ટેવ પાડીશું. વાડીમાં માળણને ઘેર લૂગડાં, જાર ને બાજરી છે.

નાતજાત બગડવાની બીક નથી. ક્યાં હાથે રાંધતાં આવડતું નથી જે વટાળ થશે ? એ ટેવ પાડવા જઈશું તો કાકી ને ગુણિયલ પૂછાપૂછી કરશે.

કહીશું કે વર ગમે તેવો મળે ને ગરીબ ઘરનો હોય તો જાડે લૂગડે ને જારબાજરીએ પણ નિભાવ કરવો પડે કની ? સારો વર મળશે નહીં ને મારું ચાલશે નહીં ને મુશ્કે મારી ગમે તેને પરણાવશે તો ભાગ્ય પ્રમાણે વર્તવું પણ પડશે.

ત્યારે એ તો એ જ ! એક પન્થ ને દો કાજ ! વળી સ્વામી સારો હોય તે પણ પ્રથમ મીઠો હોય ને પછી કડવો થાય એ તો ફલૉરાના દેશમાં પણ છે, આપણામાં પણ છે. તેવું થાય તો શું કરીએ ? માટે એ જ માર્ગ કે આપણે ટેવ પાડવી.

સંસ્કૃત ભાષા અને અનુભવની ભાષા બે વાનાં સ્ત્રીઓને સરખાં ! કંઈક નવા વિચારમાંથી જાગી હોય તેમ બોલી.

‘સંસ્કૃતમાં શૃંગાર હોય તો છોકરીઓને કોઈ સમજાવે નહી- પરણ્યા પછી સ્વામી સમજાવે ત્યારે.

વૈરાગ્યની વાતમાં પણ સંસારની વાતો-તે અનુભવ વગર સમજાય નહીં.

શૃંગારમાંય અનુભવ ને વૈરાગ્યમાંય અનુભવ. સંસ્કૃતનો શૃંગાર સમજાય નહીં ને પારકાનો અનુભવ સમજાય નહીં. અનુભવનાં વાક્ય સાંભળીએ ને સમજાય નહીં તે જાણે તુમડીમાંના કાંકરા ખખડ્યા ! અનુભવ વગર એ કાંકરાની વાત પણ ન સમજાય.’

રમણ પરણે એટલે રમણ માટે ને સ્વામી થાય એ અંગ્રેજોનો અનુભવ ફલૉરાએ સમજાવ્યો. એ સમજાયો ત્યારે આપણા લોકનો શ્લોક પણ સમજાયો !

૧ પુરાડભૂદસ્મારકં પ્રથમમવિભિન્ના તનુરિયમ્‌

તતો નુ ત્વં પ્રેયાન્‌ વયમપિ હતાશા પ્રિયતમા ।

ઈદાની નાથસ્ત્વં વયમપિ કલત્રં કિમપરમ્‌

હતાનાં પ્રાળાનાં કુલિશકઠિનાનાં ફલમિદમ્‌ ।।

આનો અક્ષરેઅક્ષર જાણતી હતી. પણ સ્ત્રીપુરુષનું એક શરીર મટયું અને પ્રેયાન્‌ ને પ્રિયા એમ બે થયાં, તે પછી તેનાં પણ સ્વામી અને કલત્ર થયાં ! આ જાદુની વાત આપણા લોક ભૂલી ગયા છે તે ફલૉરાએ અંગ્રેજોનો અનુભવ કહ્યો ત્યારે હું સમજા.

ગરજ સરી એટલે વૈદ વેરી ! આપણામાં પણ ગાય છે કે : ‘પહેલાં તે બાઈજી એમ કહેતાં જે- વહુ ! તું મારી સાકર રે ; હવે તે બાઈજી એમ શું બોલો-વહુ ! તું મારી ચાકર રે ?’

જ્યારે સર્વ સંસારનો જ માર્ગ આવો છે ત્યારે સરસ્વતીચંદ્ર પહેલેથી ચેત્યા ! મારે પણ એક જ માર્ગ !

આ ગુણિયલ અમસ્તાં દુઃખ પામે છે. એ એક પાસનું જ જુએ છે. એ કોણ જાણે શું હશે ! પણ કંઈ નહીં. ધારેલે રસ્તે-જાર, બાજરી, ને જાડાં લૂગડાંની ટેવ પાડવી ને જંગલમાં કે ગરીબ ઘરમાં ચાકર વગરની હોઉ એમ તેમ કામ કરવાની ટેવ પાડવી. એ ટેવ સૌને એક કારણથી ગમશે, મને બીજા કારણથી ગમશે.

હિમાચલ અને મેનકાએ ઘણીય એક વાત ધારી, પણ પાર્વતીનો વિચાર સિદ્ધ થયો અને સર્વેએ સંમતિ આપી.

૨ ઈતિ ધ્રુવેચ્છામનુશાસતી સુતામ્‌

શશાક મેના ન નિયન્તુમુધમાત્‌ ।

ક ઈપ્સિતાર્થસ્થિરનિશ્ચિયં મનઃ

પયશ્વ નિમ્નાભિમુખં પ્રતીપયેત્‌ ।।

મારાં ગુણિયલ મેના જેવાં છે. હું પાર્વતીની પેઠે તપ ઈચ્છું યછું. મારું ધારેલું કામ મોટાંમોટાંઓ શુભ ગણે છે ! તો પાર્વતીની પેઠે હું પણ ફાવીશ જ. માટે તો એ જ. નવી ટેવનો આરંભ કરવો !

કુસુમની કોટડીનું દ્વાર ખખડ્યું અને તેના વધારે વિચાર અને ઉદ્‌ગાર બંધ પડ્યા.

૧.પ્રથમ કાળમાં આપણાં બેનાં શરીર મળી આ એક શરીર હતું. ત્યારપછી તમે પ્રિય થયા અને હું માત્ર બિચારી આશાભંગ ભરી તમારી પ્રિયતમા જ થઈ ગઈ અને હવે આજના કાળમાં તમે મારા નાથ છો અને હું તમારી સ્ત્રી જ છું. હવે બીજું શું ? આ હતપ્રાણ વ્રજ જેવા કઠણ થઈ દેહને છોડતા નથી એનું આ ફળ ચાખવાનું જેટલું બાકી છે તેટલું ચાખું છું. (પ્રાચીન)

૨.શંભુ-વર પ્રાપ્ત કરવા તપ આદરવાને જવાની આમ અચલ ઈચ્છા દર્શાવી દેનાર પુત્રીને તેના ધારેલા ઉધમમાંથી મેના અટકાવી શકી નહીં. ઈષ્ટાર્થને માટે સ્થિર નિશ્ચયવાળા મનને અને નીચા પ્રદેશમાં સરવા માંડેલા પાણીને પાછું અવળી દિશામાં વાળવાને કોની શક્તિ છે ?

- કુમ્ભારસમ્ભવ