Saraswatichandra in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 9

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૧.૯

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૯ : સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય

“ગૃહસંસારના પ્રશ્ન રાજ્યતંત્રના પ્રશ્નો જેવા જ વિકટ છે! સુંદરગૌરી કહે છે કે કુસુમને ભણાવી ન હોત તો આવા અભિલાષ ન રાખત ! હિંદુ સંસારી કહે છે કે કન્યાને સર્વદા કુમારિકા ન રાખવી. નવી વિદ્યા કહે છે કે આપણા ઘરમાં બાળવયનું પણ મનુષ્ય જ છે અને તેને બળાત્કારે તો શું પણ સજ્ઞાન વય થતાં સુધી પરણાવવાનો વિચાર પણ અન્યાય છે. કુસુમને વિરક્તિના અભિલાષ છે. આર્ય સ્ત્રીઓને વૈધવ્યકાળ વિના વૈરાગ્ય અશક્ય છે ! એના અભિલાષ સિદ્ધ કરવાથી આ દેશકાળમાં તેને આમરણાંત દુઃખ સિવાય અન્ય પરિણામ નથી. ન્યાય જોવો કે પરિણામ ? એક પાસ પુત્રીની સ્વતંત્રતા નષ્ટ કરવાનો અન્યાય અને બીજી પાસ હિંદુ સંસારની વ્યવસ્થામાં કુમારિકા સ્ત્રીને માટે સ કરેલાં ભયંકર પરિણામ ! નવી અને જૂની વિદ્યાઓએ મને આમ સૂડી વચ્ચેના સોપારી જેવો કરી દીધો છે !”

આવા વિચારોમાં ડૂબી ગયેલો પણ હસતોહસતો વિદ્યાચતુર એક મધ્યાહ્ને પોતાના આરામાસનમાં ડૂબી ગયો અને કરેલા ભોજનનો નશો ચડેલો તેથી નિદ્રાવશ થઈ ગયો. થોડી વારે તેની આંખ ઊઘડી ત્યાં સામે એક આસન ઉપર ગુણસુંદરી બેઠેલી. એના હાથમાં પોસ્ટમાં આવેલો પત્રોના લખોટા હતા અને એનાં નેત્રમાં એકાંત અશ્રુધારા ચાલી રહી હતી. પતિ જાગતાં તે સ્વસ્થ થઈ ગઈ અને તેના હાથમાં પત્રસમુદાય મૂકતીમૂકતી કરમાયેલા મુખે બોલીઃ ‘સૌભાગ્યદેવીએ પણ સ્વર્ગવાસ કર્યો !’

‘હેં ! શું થયું ?’ કરી વિદ્યાચતુર ચમકી ઊઠ્યો અને પત્રો હાથમાં લેતી પત્નીના સામું આતુરતાથી અને શોકથી જોઈ રહ્યો.

‘પુત્ર દુષ્ટ નીવડ્યો અને પરલોકમાં ગયો, કુમુદ પણ ગઈ અને પ્રમાદધનને લીધે જ ગઈ ! સાથેલાગો સર્વ પાસથી માર પડ્યો અને માયાળુ હૈયું ફાટી ગયું. બુદ્ધિધનભાઈને માથે હવે બાકી ન રહી. આવી સદ્‌ગુણી અને સ્નેહાળ જોડ ખંડિત થઈ ! પ્રભુને એ જ ગમ્યું. આપણું દુઃખ હવે ઢંકાઈ ગયું. ઈશ્વરે કંઈક તેના સામું જોયું છે તે છ માસનો ગર્ભપુત્ર અવતર્યો છે. પણ એટલા અણવિકસ્યા ફૂલ ઉપરથી આશા તે તો કાચા સૂતરનો તાંતણો ! ગુણસુંદરી બોલી.’

વિદ્યાટતુરે કાગળો એક ટેબલ ઉપર મૂકી દીધા અને આસનમાં શરીર કળી ગયું અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું.

‘ગુણિયલ ! બહુ માઠું થયું. યુવાવસ્થા ઘા ભૂલે છે, પણ ઊતરતી અવસ્થામાં પડેલા ઘા વકરે છે. જ્યારે સ્ત્રીપુરુષ વૃદ્ધ થાય છે ત્યારે પરસ્પર આશ્રયની અપેક્ષા વધે છે. મહારાજ મલ્લરાજને અંતકાળે મેનારાણીની સેવાથી જ સુખ હતું ! ભવભૂતિએ સ્નેહનું પરિણામ વૃદ્ધાવસ્થામાં મૂક્યું છે.

અદ્વૈતં સુખદુઃખયોરનુગુળં સર્વાસ્વસ્થાસુ યત્‌

વિશ્રામો હ્ય્દયસ્ય યત્ર જરસા યસ્મિન્નહાર્યા રસઃ ।

કાલેનાવરળાત્યયાત્‌ પરિળતે યત્સ્નેહસારે સ્થિતમ્‌

ભદ્રં તસ્ય સુમાનુષસ્ય કથમપ્યેક હિ તત્પ્રાપ્યતે ।।

હરિ ! હરિ ! મહાભૂંડું દુઃખ- ’

ગુણ - ‘પુરુષ પુરુષનો સ્વાર્થ જુએ છે પણ બે ભીંતો સાથે પડતી નથી અને સૌભાગ્ય સાથે ગયેલાં સૌભાગ્યદેવી તો ભાગ્યશાળી જ થઈ ગયાં. માત્ર સંતાનની દુર્દશાની કહાણી રહી ગઈ. મારા વહાલા ! મને એમના જેવા મૃત્યુની વાસના છે. રાજકાર્યમાં આપને મારી જાત વિસારે પડશે. સ્ત્રીઓને તેમ નથી. મેનારાણીનું દૃષ્ટાંત પ્રત્યક્ષ છે !’

વિદ્યા -‘આપણા દેશમાં તારે આવો ભેદ ગણવાનો અવકાશ છે. આપણા લોકનો વ્યવહાર આપણા સર્વ પુરુષોને માથે આ મહેણું ઊભું રાખે છે.’

ગુણ -‘મારાં વચનમાં એવી મર્મવેધકતા મૂકું તો આપણા સ્નેહને માથે આરોપ મૂકતાં મારો જ સ્નેહ વીંધાય. હું સોળે આની માનું છું કે યુરોપમાં આપણા જન્મ અને સંયોગ હોત તો પણ હું આ જ વચન કહેત.’

વિદ્યાચતુર નરમ પડ્યો. ‘હું જાણું છું કે તને મારા ઉપર દયા અને વિશ્વાસ સંપૂર્ણ છે. પણ શાસ્ત્રમાં કહેલું છે કે સ્ત્રીપુરુષ પરસ્પર પ્રેમ રાખે છે તે પણ આત્માને જ પ્રાપ્તકામ કરવા માટે છે અને મને પાછળ મૂકી પ્રથમ જવાની વાતને ઉત્કૃષ્ટ તેં ગણી તે એવા જ કારણથી’

ગુણ -‘આજ સુધી હું તમારી પાસે હારી નથી તે આજ હારી. પણ ઓ મારા ચતુર ! મરણ આવશ્યક છે જ તો જેનું જીવન વધારે લોકોપયોગી છે તે જ જીવનને લંબાવવાની વાસના ઘટે. આપના જીવનનો સદુપયોગ ક્યાં અને અમો સ્ત્રીઓનો ઉપયોગ કોણ માત્ર ?’

વિદ્યા -‘પર્વત મહાન હોય છે પણ કોમળ. વસુંધરાથી છવાય છે ત્યારે જ પ્રાણીઓને ઉપયોગી થાય છે. જડ જેવા શૈલ સમુદ્ર વચ્ચે ઊભા હોય છે ત્યારે તો માત્ર વહાણોના વિનાશના જ સાધક થાય છે.’

ગુણ -‘હું બીજી વાર હારી ! ઓ મારા ચતુર ! હું દુઃખી છું મને મારો સ્વાર્થ ભુલાવતો હશે અને હું આપને દુઃખનું સાધન થઈશ ! પણ સૌભાગ્યદેવીના જેવું જ મૃત્યુ હું ઈશ્વર પાસે માગું છું. મારા હ્ય્દયમાં બીજી વાત પેસતી નથી.’

વિદ્ય-‘તો એ ન્યાય ઈશ્વરને જ સોંપી એ વાતનો તું વિચાર કરવો જ છોડી દે તો શું ?’

ગુણ - ‘હું છોડું પણ વિચાર છુટતો નથી. કુમુદ ગઈ ’ હવે કુસુમ છે તેને કુંવારી રાખો કે પરણાવો ! મારું આયુષ્ય ન હોય તો મારે વિચાર ન કરવો પડે. સંસાર દુઃખમય છે.’

વિદ્યા -‘હવે બીજી વાત જ કરો. આ પત્રોમાં તેં કહ્યું તે જ છે કે કંઈ મારે જાણવા જેવું વિશેષ છે ?’

ગુણ - ‘એક પત્ર અલકકિશોરીનો છે ને બીજો વનલીલાનો છે તે મેં વાંચ્યાં છે, બીજા પત્રો પુરુષોના છે તે મેં ઉઘાડ્યા નથી.’

વિદ્યા - ‘આ જ સમાચાર બેમાં હશે ?’

ગુણ - ‘અલકકિશોરી પોતાના પિતાને માટે કુસુમનું માગું કરે છે. વનલીલા પણ એ જ વિષે લખે છે.’

વિદ્યાચતુર આભો બન્યો : ‘કુસુમ બુદ્ધિધનને માટે ?

ગુણસુંદરી સ્વસ્થ રહી બોલી : ‘કનિષ્ઠિકાએ કાલિદાસ કવિનું નામ આવ્યું અને બીજી આંગળીએ મૂકવા જેવો કોઈ મળ્યો નહીં તેથી એ આંગળી નામ વગરની રહી ને અનામિકા કહેવાઈ. આપની કનિષ્ઠિકાએ જડેલા સરસ્વતીચંદ્ર ખોવાયા અને અનામિકા નામ વગરની રહી છે. પણ ત્રીજી આંગળી મોટી છે ને ત્યાં મોટી વયના બુદ્ધિધનભાઈને મૂક્યા વગર છૂટકો નથી. દેશપરદેશ નાતમાં કોઈ બીજો નથી.’

વિદ્યા -‘ગુણિયલ ! તું શું બોલે છે ? દુઃખબા બહેનની ભાણીને માટે જે વયનો વર તેં જ ન જોયો તે કુસુમને માટે જોવાની આ વાત તું શી કરે છે ?’

ગુણ -‘ખરી વાત છે. કુમુદના દુઃખની મારી બુદ્ધિ નષ્ટ થઈ છે ને કુસુમની ચિંતાથી મન ધુમાડાના બાચકા ભરે છે. પણ મને જે સૂઝે છે તે આ.’

વિદ્યા - ‘પ્રમોદને કુમુદ દીધી તે કાળે ઉતાવળ થઈ ગઈ તો પશ્વિમ બુદ્ધિએ પશ્વાત્તાપ કરાવ્યો. પણ એ તો એકલી વિદ્યાનું જ તજોડું હતું અનેઆ તો સાથે વયનું પણ કજોડું !’

ગુણ -‘અલકનો પત્ર કાળજું વલોવે છે. તેનો કુમુદ ઉપર ખરો સ્નેહ હતો ને વચન આપે છે કે બુદ્ધિધને દેવી ઉપર જે સ્નેહ રાખેલો તે ઉપરથી સમજી લેવું કુસુમને પણ તેવા જ સુખની સીમા થશે અને કુમુદને માથે જે વીતી છે તેનો ખંગ વાળવાને આ જ રસ્તો બતાવે છે.’

વિદ્યા-‘એ તો ગમે તે કહે.’

ગુણ -‘વનલીલા પણ લખે છે કે આ ઘર ઊંધું વળ્યું અને બુદ્ધિધનભાઈનું કુમુદનું દુઃખ દેવીના દુઃખ કરતાં વધારે લાગે છે ; તે સૌમાંથી એમનો ઉદ્ધાર કરવાનો એક આ જ માર્ગ છે ને તેથી ઘણાંક અંતઃકરણ શીતળ થશે.’

વિદ્યા- ‘એ સર્વ કરતાં પણ કુસુમ કુંવારી સારી. પુત્રી દેતાં પુત્રીના જ સ્વાર્થનો વિચાર કરવો.’

ગુણ -‘આપ શું બોલો છો તેની મને સમજણ નથી પડતી. શું કુસુમનો સ્વાર્થ કુંવારા રહેવામાં છે ? ગમે તો સંસારના પ્રવાહ અવળે માર્ગે ચાલે છે કે ગમે તો દુઃખથી આપણી બુદ્ધિઓ બહેરી થઈ છે.’

વિદ્યા -‘ગુણિયલ ! મને પણ એમ જ લાગે છે. મને લાગે છે કે આપણે બે જણ આજ ઘેલાં થયાં છીએ.’

ગુણ -‘બીજા બે પત્રો તો વાંચો.’

વિદ્યાચતુરે તે પત્ર ચેબલ ઉપર નાંખ્યા.

‘હું તો એ પત્રો કાંઈ વાંચતો નથી. ગુણિયલ ! સરસ્વતીચંદ્રનું નક્કી થાય ત્યાં સુધી કાંઈ વિચાર કરવો નથી.’

ગુણ -‘’ એ તો સત્ય; પણ આ યે જાય ને તે યે જાય એમ ન થાય !કોઈ આપણા પર બેસી રહ્યું નથી ને મમતાથી બોલાવનારને ધક્કો મારી આપણે જ ગરજ બતાવવી પડે ને મા તું કહેતી’તી તે કહે ન થાય !’

વિદ્યા- ‘ઠીક, ઠીક. જોઈશું.’

દ્વાર અર્ધ ઉઘાડું હતું ત્યાં ઊભી ઊભી કુસુમ આ સૌ સાંભળતી હોય તેમ વિદ્યાચતુરને લાગ્યું અને તેમ લાગતાં તેણે ધીમે રહી તેને બોલાવી :

‘કુસુમ !’

દ્વાર આગળથી કુસુમ વીજળીના ચમકારા પેઠે ઝપાટાબંધ બીજી પાસ ચાલી ગઈ. ચાલતાંચાલતાં માતાપિતાની આંખોને પોતાની આંખો બતાવી છતી થઈ ગઈ. જન્મ્યા પછી તેમની આજ્ઞા આજ જ પહેલવહેલી એણે લોપી. એની આંખોમાં તીવ્ર રોષની રતાશ અને અનાથતાના ભાને આણેલાં આંસુની છાલક સ્પષ્ટ હતી. છેટેથી પણ તે બે વાનાં માતાપિતા જોઈ શક્યાં. જોઈ રહે તે રહેલાં તો તે ચાલતી અદૃશ્ય થઈ ગઈ. દ્વાર આગળ જઈ ગુણસુંદરીએ એને બેત્રણ વાર બોલાવી છતાં કુસુમ દેખાઈ પણ નહીં અને બોલી પણ નહીં.

ગુણસુંદરીના મનનો સ્વાભાવિક શાંત ગુણ આજ જતો રહ્યો. પિતા બોલાવે અને પુત્રી ન બોલે તે એનાથી ખમાયું નહીં. શોકમાં ક્રોધ મળ્યો. રાત્રિ હતી તેમાં વળી કાળાં વાદળાં ચડ્યાં. પુત્રીની પાસે જતી તેને વિદ્યાચતુરે અટકાવી.

વિદ્ય-‘ગુણિયલ ! તારા અને કુસુમના ઉભયના અધિકારમાં જે વાત નથી તે કરવા કરાવવા તું તત્પર થાય છે.’

ગુણસુંદરી અટકી, દીન થઈ ગઈ અને બોલી :‘પુત્રીને આટલું લાડ ઘડતું નથી.’

વિદ્યા-‘મન પર બળાત્કાર થતો નથી અને બાળકોનાં મનને વાળ્યા વગર તેમની ક્રિયાશક્તિ પર બળાત્કાર કરનાર માતાપિતા બાળકને દાસત્વનાં બંધનમાં નાખવાનું પાપકર્મ કરે છે.’

ગુણ-‘મારી બુદ્ધિ કુણ્ઠિત થઈ ગઈ છે. આપ કહો છો તેમ હશે. હું આજ સુધી આપની ઈચ્છા પ્રમાણે વર્તી છું અને વર્તીશ. પણ હવે ગમે તો કુસુમના વિચાર અને તેના પ્રયોગ ઉભય આપના એકલાના હાથમાં રાખો અને મને આ ઉપાધિમાંથી મુક્ત કરો; અને ગમે તો સર્વ વાત અમારી સ્ત્રીબુદ્ધિ પ્રમાણે થવા દો અને આ ઉપાધિમાંથી આપ જાતે મુક્ત થઈ જાઓ. પણ મારી સ્ત્રીબુદ્ધિમાં આપનું પૌરુષ ભરવાનું બંધ કરો- સુરંગમાં દારૂ ભરવાથી સુરંગનો જ નાશ થાય છે તેમ મારી બુદ્ધિનું હવે થશે. હું આપને પગે પડી આટલું માગી લઉં છું.’

ગુણસુંદરી ગળગળી થઈ ગઈ અને એક ઊંડી ખપરશીમાં પડી.

‘જે પુરુષ પુત્રી ઉપર બળ-આજ્ઞા નથી કરતો તે તારા જેવી પતિવ્રતા પ્રિયતમ સ્ત્રી પર કેમ કરશે ? વહાલી ગુણિયલ !તારો ગૂંચવાડો હું સર્વથા સમજું છું અને તેમાંથી તને મુક્ત કરું છું. પણ એ ભારનો હું જાતે નિર્વાહ કરું તે પ્રસંગે સાક્ષીભૂત થઈ મારી સાથે રહેવામાં તો નક્કી તને કાંઈ પ્રતિબંધ નહીં લાગે.’

આમ કહેતો કહેતો વિદ્યાચતુર ગુણસુંદરી પાસે અને હાથ ઝાલી તેને ખુરશી ઉપરથી ઉઠાડી.

ભારમુક્ત થવાથી સ્વસ્થ થઈ ગઈ હોય તેમ તે ઊભી થઈ અને ધીમે રહી બોલીઃ ‘પતિસાહચર્યાત્પતિવ્રતા પતિવૃત્તાડપિ ભવતિ’ ઓ મારા વહાલા ચતુર ! ઓ મારા વ્રતરૂપ ! આપનું વ્રત તે જ મારું વ્રત જેથી થાય અને આપણું અદ્વૈત સર્વરૂપે થાય એવું આપનું સાહચર્ય મને આપવા આપ તત્પર થાઓ ને હું અભિનંદું નહીં તો તો પૂર્વનો સૂર્ય પશ્વિમમાં જ ઊગશે ! આજ સુધીનાં અનેક સુખદુઃખોમાં જ્યાં ત્યાં પતિરેવ ગતિઃ સ્ત્રીળામ્‌ તેનો અનુભવ મેં કરેલો છે અને આપે કરાવેલો છે, અને નાનપણમાં માતાપિતાને તેમ આ વયમાં સંતાનને પણ આપની પ્રીતિ અને આપની આજ્ઞા કરતાં હું વધારે લેખતી નથી. તેમની સંભાળ ઈશ્વરને સોંપી અને મારી સંભાળ આપને સોંપી !’