Brahmvid in Gujarati Short Stories by Chauhan Harshad books and stories PDF | બ્રહ્મવિદ્

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

બ્રહ્મવિદ્

બ્રહ્મવિદ્

હર્ષદ ચૌહાણ

પ્રસ્તાવના

કહાની એટલે કોઈ જીવનનું પ્રતિબિંબ. સમય સાથે વહેતા જીવન અને શબ્દોનાં મિલનથી એક સ્ટોરી જન્મે છે. જીવનના ઉતાર ચઢાવ અને વળાંકોનો આલેખ એટલે સ્ટોરી,કહાની. કોઈ પોતાના જીવનને લખે છે જ્યારે કોઈ બીજાના જીવનને આલેખે છે. કોઈ કલ્પનાને શબ્દોમાં વણે છે. તો કોઈ શબ્દોથી વાસ્તવિકતા પાથરે છે. આ જ છે સ્ટોરી કે વાર્તા.

દરેકને પોતપોતાની એક સ્ટોરી હોય છે.જેની શરૂઆત જન્મના પ્રથમ રુદનથી થાય છે. સમયના સથવારે જીવન આગળ ધપે છે. ક્યાંક ખુશીઓનો સ્ટોપ આવે છે જ્યારે ક્યાંક નિરાશાથી ભેટો થઇ જાય છે. આપણાં જીવનની સ્ટોરીમાં આપણે મુખ્ય પાત્ર છીએ.આ સ્ટોરીમાં અનેક ગૌણ પાત્રો પ્રવેશે છે અને વિદાય લે છે.અમુક સ્ટોરીનાં અંત સુધી રહે છે ,જ્યારે અમુક ઘડી બે ઘડી આપણી સ્ટોરીમાં પ્રવેશી ક્યાંક ઓઝલ થઇ જાય છે. ઘણાં સુખદુઃખનાં સાથી બને છે. તો ઘણાં પોતપોતાના જીવનપંથ પર આગળ ધપી જાય છે. ઘણાં પ્રેરણાદાયી નીવડે છે તો ઘણાં નિરાશાવાદી. ઘણાં ખુશીઓ આપી જાય છે તો ઘણાં દુઃખ. આખરે આ સ્ટોરી આપણાં અંતિમ શ્વાસે અંત પામે છે.

મારા જીવનરૂપી સ્ટોરીનો એક અંશ હુ અહિ રજુ કરુ છું. કે જે મારા માટે પ્રેરણાદાયી નીવડ્યૂ છે. આ પાત્ર મારા જીવનમાં ઘડી બે ઘડી માટે પ્રવેશ્યું, પરંતું તેં મને સંપુર્ણ જીવન માટે પ્રેરણા વરસાવતું ગયું. ઇતિહાસમાં થયેલા ઘણાં લોકોનાં જીવન પ્રેરણાદાયી હશે. પરંતું મારી રિયલ સ્ટોરીનો આ અંશ, થોડું ઘણું જગત માટે પણ પ્રેરણાદાયીત્વ પુરુ પાડે છે એ બદલ આ હૈયું ઉભરકો લે છે.

***

કોલેજેથી છુટ્ટી થઈ ગઇ હતી.મારું ગામ શહેરથી વીસેક કિલોમીટર દુર. એટલે બસ પકડી પાછું ઘરે જવાનું હતું. કોલેજથી ડેપો થોડે દુર હતો. તેથી અમુક સાથીઓ સાથે ધીમે પગે હું અમરેલી ડેપે પહોંચ્યો. સાથીદારો તો પોતપોતાના પ્લેટફોર્મ પર નીકળી પડ્યા. કલાસરૂમમાં હું એકજ જે સાત નંબરના પ્લેટફોર્મની બસ પકડતો.

ડેપો તો જાણે માનવ મહેરામણનું સચોટ પર્યાય. આસપાસના પંદરેક ગામડાઓ માટે બેત્રણ કોલેજો જ હતી. એ પણ અમરેલીમાં જ. ગામેગામનાં વિદ્યાર્થીઓ ઉમટી પડે. એમાનો હું પણ એક.

અમરેલીની બે કોલેજોમાં જ વિદ્યાર્થીઓની સંખ્યા મોખરે. એક મારી સાયન્સ કૉલેજ અને બીજી જેમાં ભણદાર સૌથી વધારે એવી કોમર્સ કોલજ. ડેપોમાં ખભે બેગ નાખેલા જે સૌથી વધારે નજરે ચડે એ પણ કોમર્સ કોલેજના જ.

આખરે હું મારા પ્લેટફોર્મ પર જઇ ઉભો. થકાનગ્રસ્ત પગ થોડો રહેમ મંગતા હતાં. ડેપો અંદર નજર કરી તો. બેસવાની તમામ જગ્યાઓ પેક. દરેક આગળપાછળ આમતેમ પોતાને એડજસ્ટ કરી બેઠક જમાવી દીધેલી. મારા જેવા બેઠકથી બદનસીબ એવા ઊભેલા તમામ, ફ્રેન્ડસર્કલમાં ટોળા વળી હસીમજાક માણતા હતાં. હું થકાન સાથે પ્લેટફોર્મ પર બસની રાહ જોતો હતો.

વાતાવરણ આહલાદક હતુ. પ્રચંડ શિયાળાનો કૂમળૉ તડકો પાંપણોનો ભાર વધારે જતો હતો. હળવા પવનની મીઠી ઠંડક મારી થકાનને થર ચડાવતી હતી. એક પછી એક લાલપીળી બસો આવીને જતી. અહિ પેસેંજરો નહીં, પરંતું મારા જેવા કોંલેજીયાઓ, બસ પ્લેટફોર્મ પર આવીને ઊભી રહે એ પહેલાજ દોડી પડે. જાણે દિવસની છેલ્લી બસ જેમ ન હોય. બસની તમામ સીટો બારીએથી કોંલેજીયાઓનાં બેગથી રિઝર્વ થઈ રહેતી. બસમાં ચડવું એ કોઈ નબળા-ઢીલાનું તો કામજ નહીં. અસહ્ય ધક્કામુક્કી.

માનવની ઘેર જતી વેળાની આ આતૂરતાને માણતો હું પ્લેટફોર્મ પર ઉભો હતો. ડેપોનો કોઈ કર્મચારી તેનાં ઘોઘરા માઇકમાં, જાણે કોઈ યુદ્ધક્ષેત્રે રણશીંગ઼ાનો નાદ કરતો હોય તેમ બસના આવનજાવનનાં ભેક્ડા તાણે. સમજાય તેને જ સમજાય. ન સમજાય તો બસની પાછળનું બોર્ડ જ વાંચવું રહ્યું. સદ્ભાગ્યે જો બોર્ડ હોય તો.

બેઠક માટે કોઈ જગ્યા મળે એ અપેક્ષાએ એક નજર પાછળ ફરી જોયું. એવામાં જ એક્દમ સામે છાપાવાળાની ખોબા જેવડી દુકાનની બાજુમાં આરસ પથ્થરની બનાવેલી બેઠક પર ખાલી જગ્યા દીઠી. થકાનને કારણે એ નાની અમથી જગ્યા મને ઓરડા સમી ભાસી. તત્ક્ષણ ત્યાં જઇ બેઠો. આખરે થોડો હાશકારો થયો. પગને થોડો આરામ મળ્યો.

આજુબાજુ નજર કરતા કોઈ જાણીતો ચહેરો નાં જોયો. પરંતું મારા હેડફોને સાથ આપ્યો. અણગમા ઘોંઘાટમાં મ્યુઝિક લવર્સ માટે હેડફોન, દુકાળમાં તરસ્યાને તળાવ સમા થઈ બને. આજે હેડફોન મારા માટે એ તળાવનો પર્યાય થયો. હેડફોન ચડાવ્યા. જસ્ટીન બિબર અને એવરીલનાં ગીતો પર મારુ મન થનકતું હતું. બન્ને મારા ફેવરિટ સિંગર.

હું ફોનમાં વ્યસ્ત હતો. એવામાં કોઈકે મારા ખભા પર હળવેકથી બે થપાટ મુકી અવ્યસ્ત કાર્યો. કદાચ એમણે પહેલા શબ્દોથી ધ્યાન ખેંચવા પ્રયત્ન કાર્યો હશે. પરંતું અહિ સાંભળે એ બીજા !

ઉદગ્રીવઃ દ્રષ્ટિ કરતા એક અણદીઠું વ્યક્તિત્વ ખડું હતું. હું તો મુદ્દલ અજાણ આ વ્યક્તિત્વથી. હંમેશા દુરથી જ નિરખેલું. ચાબુક સમી લાંબી કાળી જટાઓને કુંડાળું વળી બેઠેલા સર્પની જેમ, માથાની એક તરફ બાંધેલી હતી. લાંબી દાઢી,કોમળતા સભર આંખો અને ચહેરા પર ચમકતું વૃદ્ધત્વ. ગળામાં લાખોટી જેવડા રુદ્રાક્ષની માળાઓ એકબીજામાં વીંટળાઈને લટકતી હતી. ખભે કાળો થેલો ને એક હાથમાં છાપું. ગોઠણ સુધી કેસરિયા વસ્ત્રમાં લપેટાયેલું એ શરીર, માનવીય તેજત્વની એક અલગ જ કાંતિની પ્રતીતિ કરાવતું હતું. આવો પ્રભાવી સાધુ પહેલા ક્યારેય નહતો જોયો.

ત્યાર બાદ છાપું પકડેલા હાથે બેસવાની જગ્યા કરવા ઈશારો કાર્યો. હું થોડો ખસ્યો અને જગ્યા કરી આપી. બાપુ બેઠા. હું ફરી ગીતોમાં ગૂંચવાયો. બાપુએ છાપું ખોલ્યું અને એક પછી એક હેડલાઈન્સ પર નજર ફેરવતા સમાચારોમાં મગ્ન થયાં. એ માનવ મહેરામણમાં અમે બન્ને પોતાની સવારીનો ઈંતેજાર કરવા લાગ્યા.

થોડીક ક્ષણો બાદ અમુક હેડલાઈન્સ વાંચીને મારી તરફ જોયું અને નકારાત્મકતા પૂર્વક માથું ધુણાવતા બેચાર શબ્દોમાં કંઇક ઉચ્ચાર્યું, અને ફરી સમાચારો વાંચવામાં મગ્ન થયાં. બાપુને એ ભ્રમ કે મે સાંભળ્યું. પરંતું અહિ સાંભળે એ બીજા ! બે ઘડી બાદ એ અવધૂતથી બે ધ્યાન થવું એ વૃદ્ધત્વ પ્રત્યે થોડુ અપમાનિત ભાસ્યુ. મે હેડફોન પોકેટમાં પેક કર્યા અને ફરી એ કાંઇક બોલશે એ અપેક્ષાએ છાપાની દિશામાં વાળ્યો.

એ વખત જિંદગીના ઉતારચડાવ હારજીત અને સુખદુઃખનાં કડવાં મીઠાં અનુભવોથી હુ વધારે પરિચિત નહતો. હુ હજુ કાચો હતો. આધ્યાત્મિકતામાં અવઢવથી મારુ મન તરબોળ હતું. ગરમીથી ફૂદકતાં પૉપકોર્નની જેમ મનમાં સવાલો ફૂદકતાં હતાં. પરંતું કોની સમક્ષ વ્યકત કરું? ચોતરફ આધ્યાત્મિકતાની ઉણપ જ વર્તાઇ.અસમંજસતા જારી રહી.

પરંતું આજે કોઈ આશાવાદી મળ્યું એમ મને લાગ્યું. કંઇક બેચાર વાત જાણવા મળશે એ આશાએ સાધુ સંવાદ પ્રારંભવા તેમનાં કળયુંગી હેડલાઈન્સથી ભરેલા છાપામાં મે ડોકિયું કર્યું.

પણ બાપુતો એક પછી એક હેડલાઈન્સ પર નજર ફેરવતા જાય અને અમુક હેડલાઈન્સનાં અંતમાં 'હે રામ' નાં ઉચ્ચારણ હળવેકથી લંબાવતા જાય.

' હંભાળી લેજે વ્હાલા ' કહી બાપુએ છાપું સંકેલી થેલામાં મૂક્યું. એક પોટલી નીકાળી મુખવાસનાં બે દાણા મોંમાં ઉછાળયા.

'માણા, માણા નથી ર'યો હવે.' મુખવાસ ચબાવતા મારી સામું જોઇ બોલ્યા. મે ઝીણી હામી ભરી. બાપુ દેખાવ અને હાવભાવમાં બીજાથી ભિન્ન તરી આવતા હતા. આ સાધુ સ્વરુપ આસપાસ ક્યારેય નહોતું જોયું. એટલે કૌતૂકવશ મે પૂછ્યું,

' કયુ ગામ બાપુ તમારું? '

' અમે ર'યા સાધુ માણા. જયાં પગ ખોડિએ એ અમારું ગામ. હાલ તો આજ મારુ વતન હમજ ' બાપુએ નિખાલસતાપણે સ્મિત વેંર્યું અને ફરી મુખવાસનાં બે દાણા મોંમાં ઉછાળયા. બાપુને પણ બેચાર વાત કરવા હું મળી ગયો હોય એમ મુખવાસ ચબાવતા ફરી મધુરતાથી બોલ્યા,

' જૂનાગઢ જાવું છે, દાતારને મળવાનું મન છે. '

બાપુએ તેમનું આજનું લક્ષ જણાવી મૌન ધારણ કર્યું. અમે બન્ને ફરી પોતપોતાની બસની રાહ જોવા લાગ્યા. ચહેરે મૌન પથરાયેલું હતું. બાપુની નજર કોઇના પર સ્થિર હતી. એક દિશામાં એકીટશે જોઇ રહ્યાં હતાં. મે એમની નજરની દિશામાં નજર ફેરવી તો સામે ચારેક કોલેજીયન બોયઝનું ટોળું ઉભું હતું. યુવાનોની બાજુમાં એક ભિખારણ પોતાના ચારેક વરસના, થીગડાઓથી શોભિત શર્ટ પહેરેલા બાળકને કેડે એક હાથે તેડેલું હતું. બીજો હાથ મજબૂરીથી રહેમની આશાએ એક યુવાન તરફ ફેલાયેલો હતો. ટોળાનાં બે યુવાન એકબીજાને તાળી દઇ રહ્યાં હતાં. એકે પોતાનો મોંઘીલો ફોન ભિખારણ સામે નિષ્ઠુર હાસ્ય સાથે ધર્યો. પરંતું ભિખારણ તો હજું હાથ ફેલાવીને અપમાનનાં ઘૂંટડા પી રહી હતી.

આખરે એ ભિખારણ હારી. ભીખમાં અપમાન અને નિષ્ઠુર સંવેદના લઇ, પાંચ ડગ દુર આધુનિક વસ્રોથી સજ્જ ત્રણેક કૉલેજ ગર્લ્સ ઊભી હતી, ત્યાં ફરી એ જ મજબૂર હાથ લંબાવ્યો. તેમાંની એક યુવતીએ પોતાનો ખુશ્બૂદાર રૂમાલ નાક ને મોં પર મૂકી પીઠ બતાવી. જ્યારે બિજીએ સ્માર્ટફોન પકડેલા હાથે આગળ જવા ઈશારો કર્યો. અહિ પણ ભિખારણને કઇ ભિન્ન ન મળ્યું.

બાપુની અનુભવી નજર એ આખ્યાન પર મંડાયેલી. આંખોમાં કરુણા સંગ ધિક્કાર પણ વરસતા હતાં. એ ભિખારણ આખરે માનવ મહેરામણમાં ક્યાંક ઓઝલ થઈ ગઈ. બાપુનું મસ્તક થોડું નીચે નમ્યુ અને ફરી પોતાની બસનું પાટીયું ખોજતા પ્લેટફોર્મ પર નજર ફેરવવા લાગ્યાં. એ ફરતી નજર મારાં પર થોભી અને સહજતાથી પુછ્યું,

' ભણે સો ?'

' હા,કૉલેજ કરું છું. BCA માં ' મે વળી મારો આધુનિક અભ્યાસ બકી કાઢ્યો. બાપુને કઈ ગમ નાં પડી એટલે ધીમેથી માથું ધુણાવીને બોલ્યા,

' ભણજે,ભણજે . મોટી નોકરી લઈ તારા બા બાપુજી ને રાજી કરજે. કમાજે પણ રૂપિયાની લાલચમાં નય પડતો. થોડા ભૂયખા,તરસા પાછળ પણ વાપરજે. મારો ભોળોનાથ રાજી થાહે અને તને પણ રાજી રાખશે.'

બાપુના આ શબ્દો રેતીમાં સરતા જળની જેમ મારા અંતરમાં ઉતાર્યા. આ શબ્દોમાં મે સંસ્કારની સુવાસ મહેસુસ કરી. આપણી સંવેદનશિલતાનાં મૂળને આપણી લાલચ નબળા કરી મુકે છે, એ આજે મે જાણ્યું. એટલામાં જ એસ.ટીનો કોઈ કર્મચારી પોતાના ઘોઘરા માઇકમાં કોઈ બસના આગમનના નાદ કરતો ગાંગર્યો. બાપુને કઇ ગેડ ન બેસી એટલે મને સમજાયું એવી અપેક્ષાએ મારી સામે જોઇને બોલ્યા,

' જૂનાગઢની બસનું બોયલો? '

'ના બાપુ, એ બીજી બસનું કીધું.' મે હાશકારો કરાવ્યો. અને ફરી અમે બન્ને પોતપોતાની બસની રાહ જોવા લાગ્યા.

ચોતરફ માણસોના અવાજો એકબીજામાં ભળી વહેતી નદીનાં સૂર જેવા સાંભળાતા હતાં. બસોના હોર્ન અને શિંગદાળિયા વેંચતા ફેરિંયાનાં સાદ, આ સુરને આરોહ અવરોહ પર ઝુલાવતા હોય તેવો ભાસ થતો હતો. પ્રતીક્ષા કરતા લોકો પ્રેક્ષકોની ઝાંખી કરાવતા હતાં.

એવામાં મારી ઉંમરનો એક કૉલેજીયૉ, વેસ્ટન કલ્ચરમાં અભિભૂત થયેલો, ફાટેલા જીન્સ પર બ્રાન્ડેડ ટીશર્ટ અને મોંઘાદાટ એડીડસનાં શૂઝ પહેરી લાંબા ડગ ભરતો ચાલી આવતો હતો. અવનવા બ્રેસલેટોથી ભરેલા હાથમાં સ્માર્ટફોન અને તેનાં પર અંગુઠા ભમતા હતાં. ઊંધુંઘાલીને આરસ પથ્થરની બેઠક પુરી થતા આવેલી કેન્ટીન તરફ જતો હતો. બાપુએ પગ થોડા લંબવેલા. જે ચાલી આવતાં યુવાનના રસ્તે હતાં. બાપુનું ધ્યાન પ્લેટફોર્મ પર અને કૉલેજીયાનું ધ્યાન ચેટિંગમાં.

એટલામાં બાપુના પગ ઠેબે આવતાં યુવાને ઠોકર ખાધી. બાપુ અને યુવાન બન્ને સજાગ થયાં અને એકબીજાની સામે જોયું. યુવાને ક્રોધથી આંખ ઝીણી કરી અને નિષ્ઠુર શબ્દો ઉચ્ચાર્યા,

' પગ તો અંદર રાખો. આ રસ્તો છે બગીચો નથી.' આ ઉદ્ધત વર્તનમાં વિવેકની ઉણપ હતી.

બાપુના ચહેરે મૌન અને સુક્ષ્મ સ્મિત રમતું હતું. અને આખો તો જાણે હેત વરસાવતી હોય. એક શબ્દ ન ઉચ્ચાર્યો. થોડીવાર બાદ એ યુવાન ફરી ફોન પર અંગુઠા ફેરવતો આગળ નીકળી ગયો.

હું તો બસ અચંબિત થઈ જોઇ રહ્યો. ન કોઈ સામો જવાબ કે ન કોઈ તોછડૂ વલણ ! ન કોઈ દલીલ કે ન અહમનો બચાવ. મને લાગ્યું કે હમણાં જ બાપુ તેને સંભળાવી દેશે અને આંખોથી ગુસ્સો વારસાવશે અને શબ્દોથી ધિક્કારશે. પરંતું મારુ અનુમાન મુદ્દલ ખોટું પડયું. માનવનાં અહમ વિહોણા સ્વભાવની એક ઝાંખી મે જોઇ.

બાપુ ફરી સામે ઊભેલા યુવાનોના ટોળા તરફ જોવા લાગ્યા. ચહેરે મૌન હતું. કંઇક વિચારતા હતાં. કદાચ પેલા યુવાનના શબ્દો હૈયે ખૂચયાં હશે. થોડીવાર બાદ ફરી મારી તરફ જોઇ બોલ્યા,

' બોવ ઝાઝા જુવાનીયા ભણે આયા !'

' હા બાપુ,હમણાં પરીક્ષા શરુ છે એટલે વધારે દેખાય છે.બાકી આટલું ટ્રાફિક નાં હોય. '

' આજનો જુવાન બોવ આગળ નિકળી ગ'યો. નાની ઉંમરમાંય મોટા મોટા કામ કરી નાંખે.'

' હા, આધુનિકતા વધીને સાથે.'

' બેટા, એ બધુ ભલે વધે જાય. પણ......આજના જુવાનમાં એ વાત નઈ જે પેલાનાં જુવાનમાં હતી. '

' એ કઇ વાત ?' મે પુછ્યું.

' કંઇક કરી બતાવાની વાત. વતન ખાતર ને જગત ખાતર.'

' હા, આજ કરતા પહેલાંના લોકો થોડા અલગ હતાં.'

' લોકો નય, જુવાનીયા અલગ હતાં.' બાપુએ મારી ગેરસમજ દુર કરી. બાપુ મને પહેલાંના યુવાનો પ્રત્યે સભાન કરાવવા માંગતા હતાં. જાણે આજના યુવાનો પ્રત્યે એમનું મન ઉદાસીન હોય.

' એતો ખરો મારો વીરો ભગત હતો.' બાપુ ગર્વથી ઉભરયા. ' એ જુવાન કુમળી વયે વતન ખાતર મર્યો. નય ખુદનું વિચારયું કે નય પરિવારનું.' કહી બાપુએ પ્લેટફોર્મ પર નજર કરી.

' હા, એ ખરાં દેશભક્ત હતાં.'

' પણ આજના જુવાનની તેવડ નય દેશભક્તિ કરવી. જે પોતાના માં બાપની ભક્તિ નો કરે એ દેશની ભક્તિ હુ કરે. એ ત્રેંવિહ વરહનો જુવાન દેશનાં ભૂયખા ગરીબો હાટુ લયડો ને ડંડા ખાધા. આ(ટોળા તરફ હાથ કરતા) બધાં તો બિકણા. અસતનો ડંડો ફરે ત્યાં ભાગી પડે. કોને લડવું સે સત ખાતર.'

બાપુએ પોતાની અંતર વેદના ઠાલવી. હું બસ નિઃશબ્દ બની સાંભળી રહ્યો. શું બોલું ? માનસપટ પર એક શબ્દ ન જડ્યો. ભગતસિંહ પ્રત્યેનો પ્રેમ શબ્દના પ્રત્યેક સૂરમાં છલકતો હતો. પોતાના આદર્શ હોય તેમ ભગતસિંહ વિશે અણથૉભ્યે વર્ણવે જતાં હતાં. બાપુએ હળવો નિઃસાસો ખાધો. જટા પર હાથ ફેરવ્યો અને પોતાનો થેલો ખોળામાં લઇ વેદના આગળ ધપાવી,

' આજના જુવાનમાં એ વાત નય.દેશનું ખાવું પણ દેશને ખવડાવું નથી. દેશનું લેવું સે પણ દેશને દેવું નથી. એતો મારો વીરો ભગત હતો. જન્મો પણ વતન ખાતર ને મયરો પણ વતન ખાતર.......નો થાય હવે આવો.' કહી બાપુ મૌન થયાં.

' તમે જોયા છે ભગતસિંહને ?' મે પૂછ્યું,

' મારા નસીબ નબળા.મે ભાયળા નથી.પણ હાંભળૂ બોવ. મારા બાપુજીએ જોયેલા. એ કે'તા કે, જુવાન હતાં તયારે પંજાબ ગ'યા તા, તયારે જોયા તા. બાપુજીએ મને કીધુંતુ કે, તું મોટો થઈને ભગતસિંહ જેવો થાજે.'

બાપુના શબ્દોએ મને બાંધી દીધેલો.મારા કાન તો એ વાણીએ પુર્ણ મંડાયેલા. આસપાસનું મુદ્દલ ભાન નહીં. મારુ હૈયું સાધુની દેશભક્ત વાણીની મિઠાશે ચૉટ્યું હતું. બાપુનો વતન પ્રેમ મને અંદરથી ખંખોળી રહ્યો હતો અને હું મૂર્તિમંત થયો. બાપુના આગળના શબ્દોએ આજની પુર્ણ વાસ્તવિકતા મારી સમક્ષ પાથરી.

'બેટા, વતન ખાતર કંઇક કરવાની બોવ તમન્ના હતી. પણ બેઈમાની હામે ઝુકવું પયડુ. ભગત એ વિદેશી ગોરા હામે લયડો તો. પણ મારે કોની હામે લડવું ?! આપણાં જ આપણાને કોતરીને ખાય તો કોની હામે છાતી બતાવી? મારો ભગત આ બધું જોઈને બોવ દુઃખી થ'યો હશે........હે પ્રભુ...હંભાળી લેજે વ્હાલા.' કહી ફરી એજ ઉદાસીન મૌન ધારણ કર્યું.

સાધુના આ શબ્દો મારા હૈયે વાગ્યા. જ્યારે ખરી વાસ્તવિકતા નજર સમક્ષ પથરાય તયારે આપણી લાપરવાહીનો અંદાજ આવે છે. આજે હું વાસ્તવિકતાથી સભાન થયો. ભગતસિંહ વિશે થોડુ સાંભળ્યું હતું અને લેખોમાં બેચાર લીટી વાંચેલી. પરંતું આજે એ વિરે મારા હૈયામાં સ્થાન પામ્યું.

ખરી તો વાત કરી એ અવધૂતે. વતન પ્રેમ એ આજના યુવાનની નબળાઇ થઈ બની છે. એ યુવાન ક્રાંતિકારીઓને દેશના તમામ વર્ગના લોકો પ્રત્યે પ્રીતિ હતી. પછી એ ખેતી કામ કરતો ખેડૂત હોય કે પછી ભીખ માંગતો ભિખારી. એ દરેકની આઝાદી માટે લડ્યા. તેમનાં માટે દરિદ્ર અને તવંગર એક હતાં. તો આપણે શું આજની દરિદ્રતા પર આંશિક કૃપાભાવ પણ ન દાખવી શકીએ ?

એક તરફ એ વીર પ્રત્યે હૈયું ઉભરકોં લેતું હતું, જ્યારે મારી જેવા કૉલેજીયાઓ માટે મન દિલસોજી ઠાલવતું હતું. એ ભિખારણની હાંસી ઉડાવતાં યુવાન અને મોં ફેરવતી યુવતિમાં ભગતસિંહનાં દરિદ્રપ્રેમને અપમાનિત થયેલ જોયો. ક્રોધ ઉચ્ચારતા યુવાનમાં ભગતસિંહ અને બીજા યુવાનોની કુરબાની નિર્મૂલય જણાઈ. મારી સમક્ષ મારું જ પ્રતિબિંબ આવતાં હૈયે ભૉઠપ અનુભવી.

અંતરઆત્માએ એક સવાલ જન્મો, હું ત્રેવીસ વરસની ઉંમરે પહોચીશ ત્યારે મે મારા દેશ માટે શું કરી બતાવ્યું હશે ?..આ સવાલે મને અંદરથી હચમચવ્યો. એક યુવાન થઈને યુવાની એળે જતી જણાઈ. બસોના હોર્ન,ડેપોનો ઘોંઘાટ અને એ ઘૉઘરા માઇકથી હું અચ્યુત થયો.

એવામાં કર્મચારી માઇકમાં કંઇક બોલ્યો અને 'જૂનાગઢ' શબ્દ કાને પડ્યો. બાપુએ અણસમજુ નિર્દોષ બાળકની છટાએ મારી સમક્ષ જોયું. મે કહ્યુ,

' હા બાપુ, તમારી બસનું કીધુ. સામે પ્લેટફોર્મ નવ ઉપર.'

બાપુ ઝડપથી ઉભા થયાં અને ખભે થેલો ટેકાવ્યો. એમની વિદાય અંતરમાં ક્યાંક ખૂંચવા લાગી. પ્રથમવાર આ નિર્મલ સ્વભાવ જોયો અને ફરી જોઇશ તો આશ્ચર્ય થઈ બનશે. આજે આ ભીડમાં ભટકેલો અવધૂત પોતાના પ્રભુને મળવા જતો હતો. પરંતું એમની બે ઘડીભરની મુલાકાતના અંતિમ શબ્દો પણ પ્રેમ વરસાવતા ગયા.

' ચલ બેટા, ભણી ગણી આગળ આવજે. બા બાપુજીનુ ધ્યાન રાખજે. મારો ભોળોનાથ તો હોઉંની હા'રે જ સે. '

અને નિખાલસ સ્મિત વેરતા, ઉતાવળ ચાલે ડગ ભરતા બસ તરફ ચાલ્યા. મારી નજર એમનાં પર જ મંડાયેલી. અને એ બસ તરફ જતી ભીડમાં ભળી ઓઝલ થયાં. એ સધુત્વનો પુનઃ સંગ ફરી નહીં થાય એ વાતનો અંતરે અફસોસ હતો. પરંતું આજે એક સત્ય જાણ્યું. વિવેક,પ્રમાણિકતા,દેશપ્રેમ,દયા અને કરુણાથી વહોરેલા વિરલાઓ ભટકતું,ભૂખ્યું અને દુઃખી જીવન ગાળે છે. જ્યારે દંભ,દ્વેષ,કપટ,અભિમાન,અને પ્રજાને છેતરતા સંકુચિત માનસિકતા ધરાવતાં લોકો સુખ, સગવડ અને આલીશાન જીવન ભોગવે છે.

' આખરે આ અવદશા માટે જવાબદાર કોણ ?'

અંતનો આ સવાલ તમને કડવું સત્ય જરુર જણાવશે,