Harinu Run in Gujarati Short Stories by Chauhan Harshad books and stories PDF | હરિનું ઋણ

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

હરિનું ઋણ

હરિનું ઋણ

હર્ષદ ચૌહાણ

કાઠિયાવાડને ઊંડાણે આવેલું ઝીણુંકડું ગામ, ધારગણી. સૂરજે ક્ષિતિજ પર ડોકિયું કર્યું અને અંધકારે ઈંટ પથ્થરના ખૂણે ખૂણેથી પોતાનું સામ્રાજ્ય સમેટી લીધું. ગામની ધૂળભરી શેરીઓ માનવની રજળપટ્ટ ભરી પગલીઓની ખમોશીથી રાહ જોઇ રહી છે. આરપાર જોઈ શકાય તેવા હીરા સમી પારદર્શકતા આણી આભ, સૂરજના કેસરિયા રંગની છાલકથી ચમકી ઉઠ્યું. ગામના અમુક ખોરડે દિવાબત્તી,ભજન,ઠામ વાસણ વગેરેના ધ્વનિએ દિનચર્યા પ્રારંભી ચુકી છે.જ્યારે અમુક હજુ પાછલી રાતની ખામોશી ધરી ઉભા છે. ઉભેલા ચારસોએક ખમતીધર ખોરડાની વચ્ચે ઊભેલું, ગામના દ્વારકાધીશ મંદિરનાં પૂજારી, પંડિત હરીદાસનું એક ખોરડું. ભાગોળે આવેલી નદી પણ આજે શાંત સ્વર ભરી વહી જાય છે.

પરંતુ હરિદાસનાં ખોરડે આજની પરોઢ કંઈક અજુગતી છે. ખુલી ખાડકીની બહાર ટોળું વળી ઉભેલા આડોસપડોસનાં ચહેરાઓ પર આશ્ચર્ય રમે છે. પ્રશ્નો ઝબકી રહ્યા છે. આપસમાં ગુસપુસ માંડી છે. પરસાળ પર એક શરીર ઢળેલું પડ્યું છે. ચેતના વિહોણું. પડોસની એક વૃદ્ધા અને ત્રણ પુરુષો ધારતીમૂઢ થઈ એ શરીરની સમીપે બેઠા છે. પરસાળની કોરે પંદર સત્તર વરસનો કુમળો બાળ, ખુદની બાળચક્ષુએ આંસુ સારતો,ડૂસકાં ભરતો, શર્ટની બાયો વડે આંસુ પોછતો, ધરતી સમક્ષ મુખ ધરી નિયતિને પ્રદોષી રહ્યો છે. અંતરઊંડાણે પ્રગટેલ વિષાદ વંટોળે એ બાળ માનસ નિઃશબ્દ થયું. પિતાનો પડછાયો લૂંટાયો. જગતનો એક જ આધાર અને પોતીકો એવો પિતા આજે તરછોડી જતો રહ્યો. ખડકી બહાર એક પછી એક જણ એકઠા થઇ, અંદર નજર ફેરવતા ફેરવતા આગળ નીકળતા જાય.

" મરી ગ'યો એમને પાખંડી." બહાર ઉભેલા ટોળામાંથી એક નિષ્ઠુર ધ્વનિ ખડકી ભેદી અંદર હરેકનાં હૈયે વાગ્યો. " અરે એતો જેવું પાપ તેવું ફ્ળ." બીજું વાક્બાણ છૂટ્યું. " ભાઈ દ્વારકાધીશના ગુનેગારને તો મોત જ મળે મોત." ત્રીજો બોલ્યો.

પરસાળ પર બેઠેલાં નાથાનું મસ્તિષ્ક તપવા લાગ્યું. હૈયાનાં બીજા શ્વાસ સમાં ભેરુના મોત પર નીકળતા વેણ અસહ્ય થઈ બન્યાં. આંસુ ભરી આંખે ક્રોધ ભળ્યો. તુરંત ઉભો થઇ ખડકી તરફ દોડ્યો. " વેણ કાબુમાં રાખો વ્હાલા." નાથાનાં કંઠે ધ્વનિની તીવ્રતા લથડી. "મારો ભેરુ પાખંડ નય ખરો ભગત હતો. તમે હૂ હમજી હકવાના...નીકળો આયથી." નાથાની આંખોએ ક્રોધિત સુર પારખી ટોળું વિખેરાયું. નિષ્ઠુર આંખો નાથા પર ટાંકી ટાંકી ટોળું તૂટ્યું. " હા, હા. ઈતો બધાય જાણેજ સે નાથા.." આ અંતિમ વાંકબાણ નાથાનાં હૈયે અનેક પર એક ઘા મુકતું ગયું.

નાથો પનીયેથી આંસુ પોછતો પોછતો પરસાળ ભણી આવ્યો. કોરે બાળ સમીપે જાઈ બેઠો ને વિષાદથી રૂઢ થયેલ કંઠે બોલ્યો, " બટા રઘુ. હું ને તારો બાપ હાયરે મોટા થ્યા. હું જાણું તારા બાપને ને આ જગતને. તારા બાપે કોઈ અબોલા જીવનોય કારેય ગુનો નથી કયરો. બટા ઇ ઠાકર દ્વારકાધીસનો અપરાધ કેમ કરે? તું તારા બાપની ઠાકર ભક્તિને ભૂલતો નય હો...હાલ બટા હાલ.." રૂંધાતા કાંઠે વેદના પીડિત હૈયે નાથાએ રઘુને ઉભો કર્યો. હરીદાસના દેહ પાસે લાવી જળતર્પણ કરાવ્યું. બાપનાં ચેતન શરીરે તો રઘુએ ચાકરી મન દઈ કરી. પણ આજે છેલ્લી સેવાનું પુણ્ય બાકી હતું એ પણ જળતર્પણ કરી મેળવ્યું.

રઘુની નજર પિતાના જડ થયેલા આંખો બંધ ચહેરા પર પડી. તુરંત જ પિતાના લાડભર્યા કહેણ, કપાળે હાથ ફેરવી આપેલો પ્રેમ,રાતે સંભળાવેલા હાલરડાના સુર,અડધી રાતે ભૂખ લાગતી ને ત્યારે પિતાનાં હાથે બનાવેલ શિરાની સુગંધ, અને એ સુગંધમાં ભળેલ ઊર્મિછલક માતૃત્વ ભાવ,કંઈ કંઈ ગાઢ અષાઢીલા આભે ચમકતી વિજળીના ચમકારાની જેમ રઘુના હૈયે ઝબકી જાય છે અને આંખોને ભીંજવી જાય છે.

બહારથી બે સબંધીએ નનામી અંદર લાવી ફળીએ મૂકી. રઘુ અને શાંતામાં બારણાની કોરે ઉભા રહ્યા. નાથો અને બે જણે પરસાળ પર આવી હરીદાસના શરીરને ઉઠાવ્યું, રઘુનો હાથ દેવડાવી,શરીરને ફળીએ લઇ જઈ નનામી પર સુવડાવ્યું. ક્યારેક ક્યારેક અંતરે ઊર્મિઓનો ઝંઝાવાત ત્રાટકીને નાથા જેવા બાળવીરને પણ આંસુડે નહાવી જાય છે.પણ નાથાએ હિંમત સાચવી.

શાંતામાએ ઘણા એવા દિવસોએ દાન કરવા, પુણ્ય લૂંટવા,યજ્ઞો યોજવા આવેલ અઢળક કાળા માથાઓને ઘરે ગીચ ભરાયેલ જોયાં. પરંતુ આજની ઘડીએ ત્રણ સબંધી, નાથો અને કોરી ફળી ભાળતા અંતરે આંચકો લાગ્યો. એક પછી એક નાની મોટી ટોળકીઓ ખડકી બહાર આવી, ગુસપુસ માંડી, ઊંચી નીચી ડોક ફેરવી અંદર બહાર નજર કરી કરી આગળ નીકળી જતાં.

કાળ પણ આખરે શું આણી લાવ્યો..? જાણે નિયતિ આ પંડિતના ખોરડાને ક્યાંક છોડી ગઈ. રઘુ આ જગતે અનાથ થયો. ધાવણને પરખે એ પહેલાં જ રઘુ માંને કુદરાતથી હાર્યો. મમતાના ઋણને ભાંખે એટલું જોમ રઘુના ભાગ્યમાં નહતું. પણ આજે પોતીકો પડછાયો એવો પિતાને પણ નિયતિ છીનવી ગઈ.

ચાર જણે નનામી ખભે ટેકવી ખડકી બહાર સ્મશાન ભણી ચાલી નીકળ્યા. આંગળીઓના વેઢે ગણાય તેટલો જનમત હરીદાસની યાત્રાએ જોડાયો. ખડકીએ રઘુઅને શાંતામાં એકબીજાનો હાથ ઝાલી,ઉભરાતી આંખોએ વિદાય અર્પી રહ્યાં છે. બાળ હૈયું પીડાઈ રહ્યું છે. નનામી રોકવા ઝંખી રહ્યું છે. પણ આ જનાદો કેમ રોકાય..? આ તો માનવની અંતિમ સવારી છે.

ગામબજારે હરીદાસને ભાળતાં હરેક નિષ્ઠુર જણાયા. કોઈએ "થું" કહી લાગણી જતાવી. કોઈએ હરામજાદો અધર્મીની ઉપમાએ આંખોથી ઝેર ઓક્યું. કેટલાકે નિષ્ઠુર અટ્ટહાસ્ય વરસાવ્યું. ક્યાંક સંવેદના ખોવાઈ છે. માનવના હૈયે કરુણા પણ કટાઈ છે.

હરીદાસની કાયા આ દિને રાખે ભળી. સંતાપે તડપતું એક હૈયું આજે પંચતત્વે વિલીન થયું. ઇન્દ્રીઓની કાયાએ કકળતી એક આત્મા આઝાદ થઈ. વાયરો પણ શાંત પડ્યો.વાતાવરણ થંભ્યુ. વૃક્ષો પણ જાણે અંજલિ અર્પી રહ્યા હોય તેમ મૌન ધરી ખડા છે. પંખીઓનો કલરવ પણ ક્યાંક ખોવાયો. હરીદાસના ખોરડાની એક એક ઈંટ આજે વિલાપ કરતી જણાઈ. દિન ઢળ્યો ને ફરી સુનકાર થઈ.

***

હરીદાસના મૃત્યુપર્યંત પાંચેક સંધ્યા વીતી. આજે છઠ્ઠી સંધ્યા આકાશે ઊતરી આવી હતી. શાંતામાં નાથો અને રઘુ ફળીએ ખાટ ઢાળી બેઠા છે. નાથાનું ગામડું ત્રણેક માઇલ દૂર. બે છોકરાં અને એક ભગિની, દુકાળે મેઘાની રાહ જોતા ખેડુની જેમ,ઘરનો મોભો એવા નાથાની રાહ જોઈ રહ્યા છે.જીવન સંધ્યાએ પણ શાંતામાએ અશક્ત અંગઉપાંગોને બળજબરીપૂર્વક સક્રિય રાખ્યાં. શાંતામાંને ખોળે રઘુ માથું ટેકાવીને નિંદ્રાધીન થયો.જીવતે તો શાંતામાં રઘુને સાંભળી જાણશે. પણ આ શરીરને કેમ ભાંખવું.?પોતાની કાયા પર ભરોસો ભાંગતા શાંતામાંને અંતરે ચિંતા ઊતરી.

"નાથિયા" શુષ્ક સ્વરે શાંતામાંએ ખામોશી ભાંગી. "હું તો ઘડી બે ઘડીનું પંખીડું સુ. કારે આ ધબકારા મુને મૂકી હાલસે ઈ તો ઠાકર જ જાણે સે. હું તો મુઈ મરી એનો ગમ નથી બટા. આ રઘુની સિંતા મને કોરી ખાય સે..." વૃદ્ધ ચહેરાની કરચલીએ આંખ ભીંજાઈ. કંઠ રૂંધાયો.

"ઠાકર તે કેવા પારખાં કરે સે. આ કુમળા બાળને પણ કેવા દિ ઉતરી આયવા. મારા બે સોરાવનેય હું રાતે પૂરું પેટ ઠારી નથી હકતો.તો આ બાપડા રઘુને કેમ ભુયખો જોઈ હકિશ. હે ઠાકર..." નાથો પણ હિંમત હાર્યો. ભૂખથી મજબુર નાથો રઘુને વધું દાજવા પર ડામ દેવા નહતો માંગતો. "હૌ હા'રાવાલા થાહે.." કહી નાથાએ એક નિરાશ નિઃસાસો લીધો.

" એક જણો સે નાથા." મસ્તિષ્કે નામ ચમકતા શાંતામાં બોલ્યા.

" કોણ માડી?"

"ભરત, હરીયાનાં મામાનો દિકરો. શહેરમાં ર'યે સે ને હરીયો કે'તો તો કે જારે ઇણે હોનારતે ખોરડું ખોયું તારે હરીયાએ આયા અઢાર જમણ હા'ચવો તો. ને પસે ઈ શહેરમાં ગ્યો. આજે ઈતો બોવ કમાય સે ને ખાય સે. "

"માડી ઇ રઘુને હા'ચાવસે ?" નાથાને ચિંતા વળી.

" હા'ચવે જ ને. હરીયાના કેટલાય અપકાર સે ઈના પર. નહીતો ઇ સત હારશે. " કહી શાંતામાંએ રઘુને અંદર ઓરડીમાં સુવાડયો. અંધારી રાત વીતી ને ફરી સૂરજ અંધકાર વેધી ગગને ચડ્યો. પણ આ ખોરડે તો હંમેશને માટે અંધકાર પ્રસરી ગયો.

સૂરજના ક્ષિતિજરેખા પાર કરતાંની સાથે જ નાથો શહેર ભણી નીકળી ચાલ્યો. શહેરમાં પૂછી પૂછી ભરતનું ઘર ગોતવા લાગ્યો. એક પછી એક ચોરા ચબૂતરાઓ વતાવતો, કાળા ડામરના રોડ પર ઝટ ઝટ દોડી ચાલતા નાથાએ આખરે ભરતનું ઘર ગોતી કાઢયું. ભરતને સત્ય જણાવ્યું. હરીદાસનો ઉપકાર વાળવાની તક સૂચવી. હરીદાસની કરુણા ભરતના મસ્તિષ્કમાં ક્યાંક કાળજીપુર્વક સચવાયેલ હતી. કેમ ભૂલે એ હરીદાસને..! જીવનની વસંતે તો હરકોઈ હાજરી નોંધાવે છે.પણ જીવનના અંધકારે હાજરી નોંધાવનાર તો ભવે ભવ મનમાં ગોઠાય છે. ઈશ્વર ચોપડે એક પુણ્ય ચડાવાની તક ભરતે સ્વીકારી.

નાથો ગામડે પાછો વળ્યો. શાંતામાંને વાત કહી સંભળાવી. પણ રઘુને આ વાત હૈયે ન ઉતરી.ચહેરો મુંજાયો. આ ફળી અને ઓરડીનો ખૂણે ખૂણો પિતાના હોવાનો ભાસ કરાવતો હતો. એ બાળમન આ ખોરડે ચોટયું. આંખે આંસુ આવ્યાં. કંઠ રુંધાયો. "હું યા નય જાવ. મારે અયાજ રેવું સે."રઘુએ અર્ધરુદન માંડ્યું.

" પણ બટા,અયા માડીને હું તો નથી રેવાના. તને ખવરાવશે કોણ,પિવરાવશે કોણ, હા'ચાવશે કોણ..? આયા તારે એકલું થોડું રેવાય." નાથાએ હળવેકથી મનાવાનો પ્રયાસ કર્યો. પણ રઘુના મનની કઠણ ગાંઠ ન ખુલી. હવે શાંતામાંએ નજીક આવી બીડું હાથે લીધું.

"બટા, ઇ તારા બાપુનાં ભેરુ અને તારો કાકો થાય. ઇ તારું બોવ ધ્યાન રાખશે.તને હા'ચવશે. અને ઈનો સોકરો તારી જેવડો જ સે. ઈને તારો દોસ્તાર બનાવજે. ઇ તને ઇસ્કુલે પણ મોકલશે. તું ભણજે. હું ને નાથો તને મળવા આવસું હો."

શાંતામાં અને નાથાનાં લાડભર્યા શબ્દોએ આખરે રઘુના મનની ગાંઠ ખુલી.રઘુ ભરતના ઘરે જવા માન્યો. પિતાની એક એક જીણી યાદો આ ઘરનાં કણે કણ માં શોષિત હતી. આ ખોરડું ફરી ક્યારે ભાળશે એ રઘુને મન અંદાજ ન હતો. રઘુ પિતૃત્વને વિસરી જાય તેમ પણ ન હતો. પિતાની એક એક યાદ હૈયે સંગ્રહાયેલ હતી.પિતાની તમામ યાદો સાથે લઈ જવાનો નિર્ધાર કર્યો.

બીજી પરોઢ ઊગી નીકળી. રઘુએ પોતાના કપડાં,રમકડાં,અને જરૂરી ચીજો પોટલે બાંધી. રઘુ માટે કિંમતી ચીજ તેના પિતાની લાકડાની પેટી હતી કે જેમાં હરીદાસ પોતાની ગમતી ચીજો રાખતો. રઘુની વિદાયવેળા આવી પહોંચી. પણ મુખમુદ્રા મુર્જાયેલ છે. ચહેરે એક પણ ભાવ દસ્તક નથી દેતો.આ ખોરડું છાંડી જવું એ તો જાણે કોઈ જીવતા જીવની ચેતના ખેંચી કાઢતું હોય તેમ રઘુ માટે થઈ બન્યું. હ્રદય હિબકે ચડ્યું. મન મુંજાયું. આખરે એક બાળમન શું વિશેષ કરી શકે.

રઘુનાં શ્યામળા વાન પર ધોળો પણ બેચાર મેલનાં ડાઘથી શોભિત શર્ટ વીંટળાયેલ છે. ગોઠણ સુધી રાખોડી ચડ્ડી અને પગમાં ચપ્પલ. ખભે પોટલી ટેકવી પંદર વરહનો કુમળો બાળ નિયતીના ઘા સહેતો ઈશ્વર હવાલે થવા જઈ રહ્યો છે. નાથાએ પેટી ઉઠાવી અને બન્ને ફળી બહાર નીકળ્યા.

" બા, તમ આવશો ને મળવા..?" રૂંધાયેલા કંઠે રઘુએ વિદાયના છેલ્લા શબ્દો શાંતામાંને કહ્યા.

" હા બટા, હું આવીશ. ઠાકર તારું ધ્યાન રાખશે." શાંતામાંનું વૃદ્ધ હૈયું પણ ઉભરાયું. પણ રઘુ સામે કેમ પ્રગટ કરે. ભીની આંખો ભાળી રઘુ રડવા લાગશે ને પછી એનું મન કેમ માનશે..?

દિન ઢળ્યો. ભુરુકેસરિયું આભ ધીરે ધીરે રંગ ગુમાવવા લાગ્યું. નાથો અને રઘુ શહેર પહોંચ્યા.ભરતનું ઘર નજીક આવ્યું. ચોરા અને ચોકડીએ આવેલા મંદિરો આરતીના ઘંટથી ગુંજવા લાગ્યાં. આખરે શેરી કાંઠે ભરતનું ઘર દૂરથી દેખાયું. શેરીનો વળાંક આવ્યો.વળાંક વળતા જ એક લાંબી સાંકડી શેરી શરૂ થઈ. ચોથા નંબરે ભરતનું મકાન. છએક ફૂટ ઊંચી મકાનની વંડી અને વંડીને છેડે એક લોખંડની ગ્રીલ. બે માળનું રંગબેરંગી રોગાન કરેલું ભરતનું ઘર આસપાસના મકાનોથી જાણે એરંડાના ખેતરે ઊભેલું કેસૂડાંનું ઝાડ હોય તેમ અલગ તરી આવતું. ઘરનો ચળકાટ જ ભરતની કમાણીનું માપ કાઢી આપતું.

નાથાએ ગ્રીલ ખટખટાવી. રઘુ ખભે પોટલી પકડી ઊંચી નજર કરતો ઘરને જોઈ રહ્યો. બે ઘડી બાદ ઘરની ખામોશી તૂટી. કોઈએ દરવાજો ખોલ્યો.ધોળો ઝભ્ભો ને પેન્ટ પહેરી, ભાવશૂન્ય ચહેરો લઈ ભરત ત્રણ દાદર ઉતરી ગ્રીલ ખોલવા આવ્યો. પાછળ બારેક વરસનું છોકરું અને સાથે રંગીન ચળકતા ધાગાઓથી કાંતેલી સાડી પહેરેલી સ્ત્રી ઉભી રહી ઘર આંગણે આવેલ બે લઘરવઘર ગામડીયાને નિહાળી રહી છે.

"આવો...આવો" ભરતે ચહેરે સ્મિત ટાંકી ગ્રીલ ખોલી અને આવકાર માંડ્યો. બન્ને દબાતા હૈયે અંદર પ્રવેશ્યા. ભરતની પત્નિ ભાવશૂન્ય મુખમુદ્રા ધરી એકીટશે રઘુને જોઈ રહી. ભગિની મીનાનાં કંઠે આવકાર ન ભાળતા ભરત બંનેને દાદર ચડાવી અંદર લઈ ગયો. આખરે રઘુને એક પરિવાર મળ્યો.

***

સમયનો ચાકડો અવિરત ફરે જ જાય છે. આ ચાકડે આપણી નિયતી કણ દર કણ આકાર લેવા માંડે છે. પણ આ ફરતે ચાકડે આપણી નિયતીનો ઘાટ તો કુંભારરૂપી બેઠેલો પરમ નિયંતા ઘડે છે. એમાં ન કોઈ ભલામણ ચાલે કે ન લાગવાગશાહી. ઘાટનું ઘડામણ તો ભવે ભવનાં કરમ પ્રમાણે જ થાય. પણ ઈશ્વર લીલાને કોણ પારખે..?

કાળક્રમે રઘુની ઉંમર દોડવા લાગી.ભરતનો પરિવાર રઘુનો થયો. ખુદને કરેલો ઝીણો ઉપકાર પણ ક્યારેય ન ભુલવો, તેવી અનેક સંસ્કારીતા રઘુની નસોમાં દોડતી. રઘુએ પરિવારને હૈયે ચાંપયો. સમયને સથવારે રઘુએ તરૂણતા વટાવી. રઘુ હવે બાળ ન હતો.

ત્રણ વરસ બાદ ફરી એજ સૂરજે પૂર્વમાં દસ્તક દીધી. શહેર એક પછી એક જાગવા લાગ્યું. રઘુ હાથમાં ફૂલ અને જળની તાંબાની લોટી લઈ ઘર તરફ આવી રહ્યો છે. ઉપર ખુલ્લા કઠીલા વાને જનોઈ લટકે છે. નીચે સફેદ ધોતી પહેરી છે. શ્યામળો વાન અને મોહક ચહેરો. જુવાનીના તેજમાં તરબોળ રઘુ, પોતાના પ્રભુ ઠાકર શ્રી કૃષ્ણની પૂજા કરી આવી રહ્યો છે. ભક્તિ તો જાણે તેને વારસામાં મળી. ભરતનો પરિવાર તેનો પરીવાર હતો. પણ હૈયાની સમીપે તો ઠાકર જ હતો.

રઘુ દરવાજો ખોલી અંદર પ્રવેશયો. એટલામાં જ ભરતની પત્નિ રસોડેથી કઠણ અવાજે બોલી," તું દૂધ લેવા નથી ગ્યો? ક્યાં હતો અત્યાર સુધી? ". રઘુ તુરંત ઝભ્ભો પહેરી દૂધ લઈ આવે છે. એટલામાં જ," ઓય રઘુડા, મારા કપડાં ક્યાં છે?ધોયા છે કે નઈ? જલ્દી લાવ મારે કોલેજ જવું છે." ભરતના પુત્ર રાહુલે રૂમમાંથી બૂમ પાડી. ભરત બેઠક ખંડમાં વાળ ઓળવતો આવ્યો. નીચે જોયું, " રઘુડા તને કાલે કીધું નહતું કે આ ફ્લોર સાફ કરી નાખજે. તારા પૂજાપાઠને મુક અને કામમાં ધ્યાન દે " ભરત તાડુકી ઉઠ્યો અને ખભે બેગ નાખી ઓફિસે જતો રહ્યો.

આ ઘરે રઘુને તેનું કામ સોંપાઈ ગયું. જાડુંપોછા કરવા, કપડાં ધોઈ પ્રેસ કરવા, બકાલુ લઈ આવું,મહેમાનોનું ધ્યાન રાખવું વગેરે રઘુના કામ. ભરત પોતાની ફરજ ચુક્યો.પણ રઘુ કેમ ચુકે..! ફરજ એ પહેલો ધર્મ,એવો હરીદાસનો પાઠ રઘુને મન જીવિત હતો. વેણની કડવાશ રઘુ પોતાના હૈયાની મિઠાશે ઓગાળતો.

આકાશે સંધ્યા ઉતરી આવી છે. રઘુના ઘરથી થોડે દુર એક શિવ મંદિર આવેલું છે. મંદિરની સામે એક સુંદર ફુલઝાડથી શોભિત બગીચો છે. સાંજે બાળબચ્ચા ને વૃદ્ધો કુદરતને બે ઘડી માણવા આવતા. રઘુ પણ આજે ત્યાં એકાંતને તોડવા આવ્યો છે. બગીચાની ચોથી બાકડી રઘુનું રોજનું સ્થાન. એકલો બેઠો બેઠો વાતાવરણની ખમોશીને સાંભળી રહ્યો છે. કંઈક વિચારી રહ્યો છે.

એટલામાં જ એક ચાલીસેક વરસનો વ્યક્તિ,એક પગે અપંગ,ફાટેલા ચીંથરેહાલ મેલા કપડાં પહેરેલો કાળો ચહેરો લઇ રઘુ સામે ઉભો રહ્યો. " બેટા ભૂખ લાગી છે.જે બેચાર પૈસા હોય ઇ આપજે." ભિખારી હાથ લંબાવતા બોલ્યો. તુરંત રઘુએ શર્ટનાં ખીચ્ચામાં નજર કરી. પાંચ પાંચના બે સિક્કા આમતેમ રખડતા હતા. " લ્યો કાકા." એક સિક્કો ભિખારીને આપ્યો.

બીજે દિ રઘુ બાકડીએ બેઠો હતો ને એ ભિખારી આવ્યો અને હાથ રઘુ તરફ લંબાવ્યો. રઘુએ ફરી ખીચ્ચામાં નજર કરી. દસ રૂપિયાની નોટ હતી. બે ઘડી વિચાર્યું. ભિખારી સામે ઉભો હતો. " લ્યો કાકા.કંઈક ખાઈ લેજો." રઘુએ દસની નોટ ભિખારીના હાથમાં મૂકી.ભિખારી ચહેરા પર એક અગમ્ય સ્મિત કરતો કરતો આગળ નીકળી ગયો.

ત્રીજો દિવસ નીકળ્યો. ફરી એ જ સંધ્યા અને એ જ બાકડીએ રઘુ બેઠો હતો. આમતેમ નજર ફેરવતો હતો. બે ઘડી બાદ એ ભિખારી દેખાયો. લંગડાતો લંગડાતો રઘુ સમીપે આવ્યો. રઘુએ ખીચ્ચું ખખોળ્યું. આજે ખીચ્ચું ખાલી હતું. ભિખારી સામે જોયું. " માફ કરજો કાકા. આજે મારી પાસે કંઇજ નથી."

" કઈ વાંધો નઈ બેટા." ભિખારી પણ રઘુનો ભાવ ઓળખ્યો. રઘુ સામે એકધારું જોઈ રહ્યો. જાણે પોતાની યાદદાસ્ત ઉથલાવતો હોય. રઘુ પણ મૂંઝવણમાં મુકાયો.

"બેટા તારું ગામ ?" અંતરે કંઈક ચમકતા ભિખારી બોલ્યો.

"અ.. અ.... મારુ મૂળ ગામ ધારગણી." રઘુ દબાતા સ્વરે બોલ્યો.

"તારો ચહેરો ભળતો મળતો આવે છે. અમમમ... હરીદાસ. તું હરીદાસનો સોકરો સે ?" તુરંત અવાજમાં આતુરતા સાથે ભિખારી બોલ્યો. આ સાંભળતા જ રઘુ ચમક્યો. " તમે જાણો સો મારા બાપુને?"

"હા બટા.ઈ મારો ભેરુ હતો. ઠાકરનો પૂજારી. પણ ઠાકરને કંઈક બીજું જ કરવું તું."

"કાકા મને મારા બાપુ વિસે કહો. એના મરણ વિસે. તમને ઠાકરના સમ. મને સત્ય કહો." રઘુ હાંફળોફાફળો થયો. ભિખારીએ થેલો નીચે ઉતાર્યો અને રઘુની પડખે બેઠો.રઘુની આંખો ચળકી રહી છે. આખરે કોઈ તો મળ્યું જે એના બાપુનાં મોત વિશે જણાવશે.

" મને બધું જ કયો કાકા." રઘુ સત્ય જાણવા આતુર થયો.

" બટા તું નાનો છોકરો હતો. એક દિ હરીયો રાતે ત્રણ ગામના ચોરને મંદિરમાં ચોરી કરતા ભાળી ગ્યો. ચોરને ખબર પડી ગઈ અને તારા બાપુને દોરડે બાંધી દીધો. અને ધમકી આપી કે જો તારો બાપુ દોષ માથે નય લે તો તને મારી નાખશે. તને જીવતો રાખવા તારા બાપુએ દોષ માથે લીધો. આખા ગામે ધિક્કાર્યો તારા બાપને. પણ બેટા એ પાપીઓને હજુ ડર હતો. એટલે એને તારા બાપુની હત્યા કરીને લીમડે લટકાવી દિધો. તારો બાપુ તારે ખાતર જિંદગી હાર્યો. તું ભાગશાળી સો કે હરીયો તારો બાપ છે. આ સત્ય હું જ જાણું સુ આ જગતમાં. કારણકે તારો બાપુ મારો પાકો ભેરુ હતો. "

રઘુની આંખો ભીની થઇ.આજે પિતાના મોતનું સત્ય જાણ્યું. " મારે ખાતર મારો બાપુ માર્યો.હે પ્રભુ તું ક્યાં હતો.?" રઘુનું મન વિચારવંટોળે ચડ્યું. અંતરની લાગણીઓ છલકવા લાગી. રઘુએ આંસુ પોછ્યા. એ વૃદ્ધ સામે જોયું. " કાકા તમે મને બાપુનું સત્ય જણાવ્યું. હાલો મારી હારે. તમને હવે કોઈ તકલીફ નય પડવા દઉં."

" ના બટા. આજે તું આયા મળી ગ્યો એજ ઘણું સે. બટા હરીદાસ તો મારી હારે સે. મારા અંતરમાં. ચલ બેટા આવજે. આ જગતમાં મારે ઘાણા કામકાજ બચ્યા સે. " કહી ભિખારી ખભે થેલો ટેકવી ઉભો થયો અને પોતાના રસ્તે નીકળી પડ્યો. અને રઘુ બાપની બહાદુરીનું ગર્વ લેતો લેતો પાછો ઘરે ફર્યો.

***

પાંચેક દિન વીતી ગયા. ભરતના ઘર બહાર મંડપ નખાયો છે. પ્રસંગની પુર્ણાહુતી બાદ સમયાંણુ એકઠું થઈ રહ્યું છે. સાફસફાઈ થઈ રહી છે. ભરતના નવા બિઝનેસની શુભ શરૂઆત અર્થે નવ કુંડી મહાયજ્ઞ યોજાયો હતો. હજારો મહાનુભાવોનું રસોડું ખાલી થયું. કામદારો,રસોઈયા,વેટર્સ છેલ્લી ગોઠવણ કરતા હતા. રઘુ દૂર એક ઓટલે બેસી એક ડીશમાં બચેલા છેલ્લા ભાતથી ભૂખ ભાંગતો હતો. પ્રસંગની વ્યસ્તતામાં અન્નપાણી ભુલ્યો.સ્નાયુ દર્દથી ભરાયા છે.

એટલામાં પેલો વૃધ્ધ ભિખારી રઘુ પાસે લંગડાતો લંગડાતો આવ્યો. રઘુએ તરત જ ડીશ ભિખારી તરફ ધરી. " લ્યો કાકા ભાત. ખાઈ લો. આટલા જ બચ્યા છે."

"બટા તું ભૂખ્યો સો ને મને ખાવાનું આપે સો.." હળવા સ્વરે કહી ભિખારી લંગડાતો લંગડાતો ત્યાંથી ચાલવા લાગ્યો.રઘુએ ભિખારીને જોતો રહ્યો. થોડે દુર જતા જ અચાનક ભિખારી સૂર્યના તેજ સમો ચમકવા લાગ્યો. પ્રકાશ રઘુની આંખોને આંજવા લાગ્યો. રઘુની આંખો બંધ થઈ. પ્રકાશનું તેજ જાણે હજારો સૂર્ય એક સાથે પ્રકાશિત થયાં હોય. બે ઘડી બાદ પ્રકાશ થોડો ઘટ્યો. હૈયામાં પ્રગટેલ ડર સાથે આંખ ખોલી રઘુએ જોયું.

પરંતુ ત્યાં ભિખારી ન હતો. કોઈ યુવાન ઉભો હતો. જેનું શરીર કોઈ અદીઠી જ્યોતથી ચમકતું હતું. શ્યામળો વાન, પવનની લહેરકીએ લહેરાતા લાંબા વાંકડિયા વાળ, પીળું પીતાંબર પહેરેલું અને ખુલ્લા વાન પર લાંબી કંઠમાળા શોભતી હતી. યુવાન નિખાલસ મધુર સ્મિત કરતો હતો. મોહક ચહેરો જાણે કામદેવ પણ એ રૂપનો પૂજારી થઈ બને. કમળની સુકોમળ પાંદડી જેવી ગુલાબી પાંપણો. એક હાથમાં સરસ્વતી રૂપી વાંસળી કોમળ આંગળીએ પકડેલી હતી. ચહેરા પર વાંકડિયા વાળની લટ લહેરાતી હતી. આંખ આંજતું તેજ અને તેજમાં ઉભો અદભુત યુવાન સિવાય કંઈ પણ રઘુને દેખાતું નહતું.

રઘુના પગ ધ્રુજવા લાગ્યા. આંખે જળજળીયા ફૂટી નીકળ્યા. બે ગોઠણ પર પડ્યો અને બે હાથ જોડી એ યુવાનની સામે મસ્તક ઝુકાવી ઢળી પડ્યો. એનો ઠાકર સખો એવો શ્રી કૃષ્ણ એની સામે ઉભો છે. હૈયું હિબકે હિબકે રુદને ચડ્યું. આંખો આંસુડેથી છલકાય છે. મસ્તક ઊંચું કરી ફરી જોવાની હામ નથી. રઘુનો ભવે ભવ આજે સફળ થયો.

બે પળ બાદ બધુ જ શાંત પડ્યું. રઘુને ફરી લોકોના અવાજો સાંભળવા લાગ્યા. ઉદ્દગ્રીવ દ્રષ્ટિ કરી તો એ તેજ ક્યાંક ઓઝલ થઈ ગયું. ફરી એ જ માયાવી જગત નજર સામે ખડું હતું. રઘુ ઉભો થયો. આંસુ પોછ્યા.બે હાથ જોડી હૃદયના ઊંડાણેથી પોતાના પ્રભુનું નામ લીધું.

તુરત જ દોડી પિતા હરીદાસની લાકડાની પેટી પાસે ગયો. અંદરથી પિતાની વ્હાલી નાની રાધેકૃષ્ણની મૂર્તિ અને એક રોજનીશી નીકાળી. ભીંજાયેલી આંખે એ રોજનીશીને હાથે લઈ જોઈ રહ્યો. હળવો હૂંફતો હાથ એ રોજનીશી પર ફેરવ્યો. રોજનીશીને પેટીમાં મુકવા જતા તેમાંથી એક કાગળ સરકયો. રઘુએ કાગળનો ટુકડો હાથમાં લીધો ને ખોલ્યો. હરીદાસના અક્ષરે લખાણ હતું,

"મારા વ્હાલા રઘુ.માફ કરજે બેટા. હું કદાચ વધારે નય જીવું.પણ દિકરા તું જ તો મારો શ્વાસ છે. જો તારું હૈયું ધબકતું હશે તો હું માનીશ એ મારુ પણ ધબકે છે. હું હવે તારી હા'રે નય રવ. પણ મારો ઠાકર હશે. મારી વિદાયનું કારણ તને નય કવ. પણ જો આ વૈકુંઠનો સ્વામી ખુદને મારો સખો જાણતો હશે ને તો એક દિ ઈ જ તને ખરું સત્ય જણાવશે. અને ત્યારે તું હ'મજ જે હું ને તારો ઠાકર હારે વૈકુંઠમાં ટહેલતા હઇશું. હિંમત નય હારતો બેટા. હરે કૃષ્ણ."

રઘુના હાથમાંથી કાગળ સરી પડ્યો અને હૈયે અગમ્ય ભાવ પ્રગટ્યો અને આંખો ફરી આંસુડે છલકાવા લાગી.